શરણાર્થીઓ માટે ઈજિપ્તના બિલિયોનેર ટાપુ ખરીદશે

Friday 11th September 2015 03:46 EDT
 
 

કૈરોઃ યુરોપીયન દેશોની નેતાગીરી સિરિયા સહિતના અશાંત દેશોના શરણાર્થીઓને આશરો આપવાના મુદ્દે ભારે અવઢવમાં છે ત્યારે એક બિલિયોનેરે આ આફતગ્રસ્તોને મદદરૂપ થવા તત્પરતા દાખવી છે. ઈજિપ્તના બિલિયોનેર નગીબ સાવિરીસે ભૂમધ્ય સમુદ્રમાં એક ટાપુ ખરીદવાની ઓફર કરી છે, જેથી ત્યાં અશાંત અને યુદ્ધગ્રસ્ત સિરિયા તેમ જ અન્ય પ્રદેશોના હજારો માઈગ્રન્ટસને આશરો આપી શકાય.

ટેલિકોમ ક્ષેત્રના આ ટોચના ઉદ્યોગપતિ સાવિરીસે સૌપ્રથમ મંગળવારે આ વિચાર ટ્વીટર પર રજૂ કર્યો હતો, અને થોડાક કલાકોમાં તો આ ટ્વીટને સેંકડો વખત શેર કરવામાં આવી હતી. બાદમાં એક ટેલિવિઝન ઈન્ટરવ્યૂમાં સાવિરીસે પોતાની આ યોજના માટે પ્રતિબદ્ધતા દર્શાવતા કહ્યું હતું કે તેઓ પોતાની યોજના અંગે ગ્રીસ અને ઈટાલીની સરકારોનો સંપર્ક કરશે.
ઉલ્લેખનીય છે કે સાવિરીસ ઓરાસ્કોમ ટીએમટી નામની કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ છે. ઉપરાંત તેઓ ઈજિપ્તની ટેલિવિઝન ચેનલના પણ માલિક છે.
ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર માઈગ્રેશનના અહેવાલ પ્રમાણે આ વર્ષે ભૂમધ્ય સમુદ્ર પાર કરીને યુરોપમાં પહોંચવાની કોશિશ દરમિયાન ૨૬૦૦થી વધુ હિજરતીઓ માર્યા ગયા છે જ્યારે અન્ય ૧૮૦૦ લોકો લાપતા છે.
સાવરિસે કહ્યું હતું, ‘ચોક્કસ, એ શક્ય છે. તમારી પાસે ડઝનબંધ એવા ટાપુ છે જે વેરાન છે અને ત્યાં હજારોની સંખ્યામાં આ માઈગ્રન્ટ્સને આશરો આપી શકાય તેમ છે.’ સાવિરીસના કહેવા પ્રમાણે ગ્રીસ કે ઈટાલીના ટાપુની કિંમત એક કરોડ ડોલરથી લઈને ૧૦ કરોડ ડોલર સુધીની હોઈ શકે છે, પણ મુખ્ય બાબત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના રોકાણની છે. આ ટાપુ પર માઈગ્રન્ટસ માટે કામચલાઉ આશરો બનાવી શકાય. ત્યારબાદ મકાન, સ્કૂલ, યુનિવર્સિટીસ કે હોસ્પિટલો બનાવવા માટે લોકોને કામ પર રાખવાનું પણ શરૂ કરી શકાય છે અને જો બધું યોગ્ય રહે તો કોણ પોતાના વતનમાં પરત જવા ઈચ્છશે?’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter