ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ૬૮ વર્ષીય વોન્ટેડ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને એવનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાની એકાઉન્ટિબિલિટી કોર્ટે છઠ્ઠી જુલાઈએ ૧૦ વર્ષની કેદ ફટકારી હતી. પનામા પેપર લીકમાં એક કેસ લંડનમાં પોશ એવનફિલ્ડ હાઉસમાં ચાર ફ્લેટની માલિકી અંગેનો હતો. ૨૫મી જુલાઈએ પાકિસ્તાનમાં સંસદીય ચૂંટણી યોજાય તે પહેલાં આ કેસમાં ચુકાદો આવતાં સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે.
એકાઉન્ટેબિલિટી કોર્ટના જજ મોહમ્મદ બશીરે બંધ બારણે ચુકાદો આપતાં નવાઝ શરીફની પુત્રી મરિયમને પણ સાત વર્ષની અને જમાઈ સફદરને એક વર્ષની કેદ ફટકારી હતી. આ ઉપરાંત નવાઝ શરીફને ૮૦ લાખ પાઉન્ડ એટલે કે અંદાજિત રૂ. ૭૩ કરોડ રૂપિયા અને મરિયમને ૨૦ લાખ પાઉન્ડ એટલે કે ૧૮.૨ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. અદાલતે આ કેસમાં વોન્ટેડ એવા નવાઝ શરીફના બે પુત્રો હસન અને હુસેનને ભાગેડુ જાહેર કર્યાં છે.
પત્નીની તબિયતનો હવાલો
નવાઝ શરીફે પાંચમીએ તેમની પત્ની કુલસુમ નવાઝની તબિયતનો હવાલો આપી અદાલતને સાત દિવસ પછી ચુકાદો જાહેર કરવાની અપીલ કરી હતી, પરંતુ જજે તેમની અપીલ નકારી કાઢી હતી. હાલ નવાઝ શરીફ અને પુત્રી મરિયમ લંડનમાં છે જ્યાં કુલસુમ શરીફની કેન્સરની સારવાર ચાલી રહી છે. જજે શરીફને ચુકાદા સામે અપીલ કરવા ૧૦ દિવસની મહેતલ આપી છે. ચુકાદા બાદ શરીફે જણાવ્યું હતું કે હું આરોપોનો સામનો કરવા પાકિસ્તાન પરત ફરી રહ્યો છું. પાકિસ્તાનનાં ૭૦ વર્ષના ઇતિહાસને ધરમૂળથી બદલી નાખવાની મને સજા મળી રહી છે.
પરિવારને સજા જાહેર થયા પછી નવાઝ શરીફે પોતાનું નિવેદન જારી કર્યું હતું. લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો ૭૦ વર્ષનો જે રસ્તો હતો તેને બદલવાનો પ્રયાસ કર્યો તેની આ સજા મળી રહી છે. હું મારો આ સંઘર્ષ જારી રાખીશ. શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાની નાગરીકો પર કેટલાક જનરલ્સ અને જજો દ્વારા જે ગુલામી થોપવામાં આવી છે તેનાથી આ નાગરીકોને મુક્તિ ન અપાવી દઉ ત્યાં સુધી મારો આ સંઘર્ષ જારી રહેશે. શરીફે જણાવ્યું હતું કે જો મત માગવાની સજા જેલ હોય તો હું તેનો સામનો કરવા માટે પાકિસ્તાન આવી રહ્યો છું. નવાઝ શરીફ જ્યારે વડા પ્રધાન હતા ત્યારે તેમની તકરાર પાકિસ્તાની સૈન્યના વડા સાથે થતી રહેતી હતી. જેને પગલે આ પ્રકારનું નિવેદન નવાઝ શરીફે કર્યું હતું.
શરીફ પર ચાર કેસ
લંડનના પોશ વિસ્તારમાં આવેલા એવનફિલ્ડ હાઉસમાં શરીફે ૧૯૯૩માં ચાર ફ્લેટની ખરીદી કરી હતી. આરોપ હતો કે ચારેય ફ્લેટ ભ્રષ્ટાચારનાં નાણાંથી ખરીદાયા હતા. કોર્ટે બ્રિટનની સરકારને ચારેય ફ્લેટ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય શરીફ પરિવાર પર ગલ્ફ સ્ટીલ મિલ્સ અને અલ અઝિઝા સ્ટીલ મિલ કેસ પણ ચાલી રહ્યો છે. શરીફ પરિવાર ચાર ફલેટ માટે પૈસા ક્યાંથી આવ્યા તે પુરવાર કરવામાં નિષ્ફળ રહ્યો પનામા પેપરમાં વિશ્વના અનેક નેતાઓ, સેલિબ્રિટિની ભ્રષ્ટાચારમાં સંડોવણી હોવાને કારણે નામ બહાર આવ્યા હતા. જેમાં નવાઝ શરીફ અને તેના પરિવારનો પણ સમાવેશ થાય છે. નવાઝ શરીફ અને તેના પરિવાર પર આરોપ છે કે તેઓએ લંડનમાં ચાર ફ્લેટ લીધા છે. લંડનમાં આવેલ પાર્ક લેનમાં એવનફીલ્ડ હાઉસમાં આ ફ્લેટ્સ ખરીદ્યા હતા. નેશનલ અકાઉન્ટેબિલિટી બ્યૂરો (એનએબી)એ જણાવ્યું હતું કે આ ફ્લેટ્સ ખરીદવા માટે શરીફે જે પૈસાનો ઉપયોગ કર્યો તે ભ્રષ્ટાચારના હતા અને તેની માહિતી પણ છુપાવી રાખી હતી. આ કેસમાં નવાઝ શરીફ, તેની પુત્રી અને બન્ને પુત્રો સાથે જમાઇનું પણ નામ છે. જોકે શરીફ પરિવાર દાવો કરતો આવ્યો છે કે આ ફ્લેટ્સમાં કોઇ જ ભ્રષ્ટાચાર નથી કરાયો અને તેના અમારી પાસે પુરતા પુરાવા પણ છે.
જોકે જ્યારે કોર્ટમાં આ ફ્લેટ્સની ખરીદી માટે પૈસા ક્યાંથી આવ્યા તે જાહેર કરવાની વાત આવી ત્યારે શરીફ પરિવાર તેમાં નિષ્ફળ રહ્યો હતો.
પુત્રી-જમાઈની રાજકીય કારકિર્દીનો અંત
જુલાઈ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે પનામા પેપર લીક મામલામાં નવાઝ શરીફને ભ્રષ્ટાચાર માટે દોષિત ઠેરવી ચૂંટણી લડવા પર આજીવન પ્રતિબંધ લાદતાં નવાઝ શરીફને વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દેવું પડયું હતું, હવે ચૂંટણી પંચે મરિયમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદી દીધો છે.
સાચો ચુકાદો પ્રજાનો: મરિયમ
પરિવારને કેદની સજા ફરમાવાયા બાદ મરિયમ ચૂંટણી નહીં લડી શકે તેથી ચુકાદાને ટાંકીને તેણે પક્ષના કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે, તમે હિમ્મત હાર્યા વગર કામ કરજો. આ ચુકાદો કોર્ટનો છે પણ જનતાનો ચુકાદો તો આગામી ૨૫મી જુલાઇએ જ સામે આવી જશે. મરિયમને જવાબ આપતાં એક વરિષ્ટ પ્રધાને કહ્યું હતું કે, શરીફ પરિવાર પાકિસ્તાનના કોઇપણ એર પોર્ટ પર ઉતરશે કે તરત જ તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આઠમીએ પત્રકારોને પોતાના પાક. આગમનની વિગતો આપતાં મરિયમે કહ્યું હતું કે તે એતિહાદ એરલાઇનની ફલાઇટ ઇવાય-૨૪૩ મારફતે લાહોર એરપોર્ટ આવવાની છે. તેણે જાહેરાત કરતાં જ અધિકારીએ કહ્યું હતું કે, સરકાર તો એકાઉન્ટેબિલીટી કોર્ટના ઓર્ડર પર સંપૂર્ણપણે અમલ કરશે અને નવાઝ શરીફ તેમજ તેમના પુત્રી મરિયમ લાહોરમાં આવતા જ તેમની ધરપકડ કરવામાં આવશે' એમ કાયદા પ્રધાન અલી ઝફરે પત્રકારનો કહ્યું હતું. મારે સ્પષ્ટતા કરવી છે કે કાયદો અને વ્યવસ્થા સંભાળતી એજન્સીઓ કોર્ટના ઓર્ડર પર અમલ કરી નવાઝ શરીફ અને મરિયમની લાહોર એરપોર્ટથી ધરપકડ કરે.
ઈમરાનનો વાર
પાકિસ્તાનની ચૂંટણીમાં પણ ભારતની ચર્ચા ભરપૂર થઇ રહી છે. ક્રિકેટરમાંથી નેતા બનેલા ઇમરાન ખાને ભારત-પાકિસ્તાન વચ્ચે બગડેલા સંબંધોનું ઠીકરું વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માથે ફોડ્યું છે. ઇમરાને પહેલી વાર પોતાના વિરોધી પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનો બચાવ કરતા કહ્યું કે વડા પ્રધાનનું કામ દેશ અને જનતાની સમસ્યાઓને સમજવાનું છે. શરીફ તે મોરચે અવ્વલ રહ્યા છે. તેમણે ભારત સાથે સંબંધો સુધારવા પૂરો પ્રયાસ કર્યો. હું તેમને તેનો પૂરો શ્રેય આપવા માગું છું પણ મોદી સરકારની આક્રમક નીતિઓના કારણે સંબંધોમાં કડવાશ આવી.ઇમરાને કહ્યું કે શરીફે સંબંધો સુધારવા બધું જ કર્યું. ત્યાં સુધી કે મોદીને પોતાના ઘરે પણ બોલાવ્યા પણ કોઇ રસ્તો ન નીકળ્યો. જોકે, હું માનું છું કે મોદી સરકારની નીતિ પાકિસ્તાનને એકલું-અટૂલું પાડવાની છે.