‘બી-મેન’ તરીકે દુનિયાભરમાં જાણીતા અને તુર્કીના વાન રાજ્યનાં વતની અબ્દુલ વાહપ સેમોએ વિશ્વવિક્રમ સર્જવા પ્રયાસ તો કર્યો, પણ ફરી એક વખત પ્રયાસ નિષ્ફળ ગયો. જોકે તેઓ હિંમત હાર્યા નથી. અબ્દુલ વાહપે પોતાના શરીરને આશરે 60 કિલોગ્રામ (132 પાઉન્ડ) મધમાખીઓથી ઢાંકીને એક નવો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવવાનો પ્રયત્ન કર્યો હતો. તુર્કીમાં મખમાખી ઉછેર વ્યવસાય સાથે સંકળાયેલા જોડાયેલા અબ્દુલ વાહપ કેટલાક નવા વિશ્વવિક્રમ સ્થાપવા ઇચ્છે છે. ચીનના હાલના રેકોર્ડ હોલ્ડર રુઆન લિયાંગમિંગે આશરે 63.7 કિલો (140 પાઉન્ડ) મધમાખીઓથી પોતાનું શરીર ઢાંકી દઇને રેકોર્ડ સર્જયો હતો. જેમાં આશરે 637,000 મધમાખીઓ હતી. અબ્દુલ વાહપ આ રેકોર્ડ તોડીને પોતાના નામે કરવા ઇચ્છતા હતા. તેઓ કહે છે કે પોતે આ રેકોર્ડ તોડવાનો પ્રયાસ અગાઉ પણ કેટલીક વખત કર્યો છે, જોકે આ વખતે મધમાખીઓ આક્રમક હોવાથી તે મુશ્કેલ હતું.