કીવ: યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કર્યો હતો. યુક્રેનના પ્રમુખે 26 ડિસેમ્બરે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી. તેમણે ટ્વિટર પર લખ્યું, મેં પીએમ નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી અને જી-20ના અધ્યક્ષપદની જવાબદારી સફળતાપૂર્વક નિભાવવા માટે શુભેચ્છા પાઠવી હતી. જી-20ના મંચ પરથી જ મેં શાંતિ ફોર્મ્યુલાની જાહેરાત કરી હતી અને હવે હું તેના અમલમાં ભારતની ભાગીદારી પર વિશ્વાસ કરું છું. યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ યુનાઇટેડ નેશન્સ (યુએન) માનવીય મદદ અને સમર્થન માટે પણ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
ભારતના વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ કહ્યું કે, બંને નેતાઓએ દ્વિપક્ષીય સહયોગ મજબૂત કરવાની તકો પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ યુક્રેનના અધિકારીઓને આ વર્ષના પ્રારંભમાં યુક્રેનથી પાછું આવવું પડયું છે તેવા ભારતીય વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા કરવા વિનંતી કરી હતી.
વડાપ્રધાન મોદી અને ઝેલેન્સ્કી વચ્ચે અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ ફોન પર વાતચીત થઈ હતી. વડા પ્રધાન મોદીએ ત્યારે કહ્યું હતું કે યુક્રેનમાં યુદ્ધનું કોઈ સૈન્ય સમાધાન હોઈ શકે નહીં અને ભારત કોઈ પણ શાંતિ પ્રયાસોમાં યોગદાન આપવા માટે તૈયાર છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, મોદી અને ઝેલેન્સ્કીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ પર ચર્ચા કરી હતી. તેમણે શત્રુતા સમાપ્ત કરીને અને સંવાદ તથા કૂટનીતિના માર્ગે આગળ વધવાની ભલામણ કરી હતી.