શાંતિની મંત્રણામાં ટ્રમ્પનો ફટકોઃ કિમ સંપૂર્ણ નિશસ્ત્રીકરણ કરશે

Wednesday 13th June 2018 07:19 EDT
 
 

સેન્ટોસાઃ આખાય વિશ્વની નજર હતી તેવા બે વિરોધી દેશો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના વડા કિમ જોંગ ઉનની વચ્ચે સિંગાપોરમાં મંગળવારે એકાદ કલાક જેટલી મુલાકાત થઈ હતી. આ બેઠક પહેલાં કિમ અને ટ્રમ્પે સિંગાપોરના વડા પ્રધાન લી સેઈન લુંગ સાથે પણ મંત્રણા કરી હતી. સિંગાપોરના લોકપ્રિય પર્યટન સ્થળ સેંટોસાની લકઝુરિયસ હોટલ કેપેલામાં બંને નેતાઓએ સૌપ્રથમ હાથ મિલાવીને એકબીજાનું અભિવાદન કર્યું હતું. કિમ ટ્રમ્પની મુલાકાતમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને સામાન્ય બનાવવા અને કોરિયન પ્રાયદ્વીપમાં પૂર્ણ પરમાણુ નિ:શસ્ત્રીકરણનો મુદ્દો મહત્ત્વનો રહ્યો હતો.
સિંગાપોરના સમય પ્રમાણે સવારે નવ વાગ્યે ટ્રમ્પ અને કિમ વચ્ચે બેઠક થઇ હતી. બંને નેતાઓએ બીજી દ્વિપક્ષીય બેઠક અને લંચ બાદ કેટલાક સમજૂતી કરાર પર હસ્તાક્ષર પણ કર્યાં હતાં. બંનેએ સામૂહિક નિવેદન જાહેર કરતાં કહ્યું કે, સિંગાપોરમાં થયેલી આ મુલાકાત વિશ્વ આવનારા દિવસોમાં મોટાં બદલાવને જોશે. આ સાથે જ પ્રેસિડન્ટ ટ્રમ્પે, કિમ જોંગને વ્હાઇટ હાઉસ આવવાનું આમંત્રણ આપ્યું હતું.
સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણનો દાવો
સામાન્ય રીતે એવું માનવામાં આવતું હતું કે, અમેરિકા સાથેની મુલાકાત બાદ ઉત્તર કોરિયા પર લગાવવામાં આવેલા તમામ પ્રતિબંધો હટાવી લેવામાં આવશે, પરંતુ આમ થતું દેખાઈ નથી રહ્યું. નોર્થ કોરિયાના શાસક કિમ જોંગ ઉન સાથે મુલાકાત અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયા મોટાભાગની મિસાઈલ ટેસ્ટિંગ સાઈટ બંધ કરશે. કિમ જોંગ ઉને સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણનો દાવો કર્યો છે જોકે ટ્રમ્પે સ્પષ્ટતા કરી છે કે, નોર્થ કોરિયા પર પ્રતિબંધ યથાવત રહેશે. સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, કોરિયાઈ પ્રાયદ્વીપમાં તૈનાત અમેરિકાના સૈનિકોને હજી પાછા નહીં બોલાવવામાં આવે.
જોકે ટ્રમ્પે કહ્યું છે કે, ઉત્તર કોરિયા સાથેની વાતચીત બાદ હવે અમેરિકા કોરિયાઈ પ્રાયદ્વીપમાં સૈન્ય અભ્યાસ નહીં કરે. નોર્થ કોરિયામાં અમેરિકી વિદ્યાર્થી ઓટ્ટો વાર્મબાયર સંદર્ભે નોર્થ કોરિયા દ્વારા માનવાધિકારોનું ઉલ્લંઘન પર પણ ચર્ચા થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે ઓટ્ટોનું મોત વ્યર્થ નથી ગયું. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જ્યાં સુધી અમે એ નિશ્ચિત ના કરી લઈએ કે નોર્થ કોરિયાએ પરમાણુ હથિયારોનો સંપૂર્ણપણે નાશ કરી દીધો છે, ત્યાં સુધી પ્રતિબંધો યથાવત રહેશે.
નોર્થ કોરિયાના પૂર્ણ નિશસ્ત્રીકરણના પ્રયાસોની ખરાઈ માટે એક ટીમ બનાવવામાં આવશે. જેમાં અમેરિકા અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સામેલ થશે. બીજી તરફ નોર્થ કોરિયાના લીડર કિમ જોંગ ઉને કોરિયન પ્યોંગયાંગને સંપૂર્ણપણે ડિન્યૂક્લિયર કરવાની બાંહેધરી આપી હતી. ટ્રમ્પ અને કિમના ડોક્યુમેન્ટ્સ 'યુએસ સિક્યોરિટી ગેરન્ટી' હેઠળ રહેશે. ઉલ્લેખનીય છે કે ૬૫ વર્ષમાં ૧૨ અમેરિકન પ્રેસિડન્ટ નોર્થ કોરિયા મુદ્દે નિષ્ફળ રહ્યા હતા અને ટ્રમ્પને કિમ સાથે વાતચીતમાં સફળતાની આશા દેખાઈ છે.
બે દિવસ પૂર્વે જ સિંગાપોર
કિમ શિખર મંત્રણાથી બે દિવસ પહેલાં દસમીએ જ એર ચાઈનાના વિમાનથી સિંગાપોર પહોંચી ગયા હતા આ તેમની ત્રીજી વિદેશયાત્રા હતી. અગાઉ બે વાર તેમણે ચીનની યાત્રા કરી હતી. બીજી બાજુ ટ્રમ્પ પણ કેનેડાના ક્યુબેકમાં થયેલી જી-૭ સમિટને વચ્ચે પડતી મૂકીને સિંગાપોર રવાના થઈ ગયા હતા. તેમણે સિંગાપોર આવતાં પહેલાં મીડિયાને કહ્યું કે હું શાંતિના મિશન પર જઈ રહ્યો છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter