નવી દિલ્હી: શીખ શ્રદ્ધાળુઓ માટે તેમના પ્રથમ ગુરુ ગુરુનાનક દેવની કર્મસ્થળી કરતારપુર સુધી પહોંચવાનું સહેલું બની રહે તે માટે ભારત - પાકિસ્તાને કરતારપુર કોરિડોર બનાવવાનો નિર્ણય લીધો હતો. બન્ને દેશોના આ ચુકાદાથી શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વારા જવાનું સહેલું થાય તેમ હવે પાકિસ્તાને બન્ને દેશોના સંબંધોને સુધારવાની દિશામાં પાંચ હજાર વર્ષ જૂના મંદિર માટેના શારદા પીઠ કોરિડોરને ખોલવાનો પણ નિર્ણય લીધો છે. પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની ઇમરાન સરકારે શારદા પીઠ કોરિડોર ખોલવા લીલીઝંડી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે કાશ્મીરી પંડિતોનું એક જૂથ શારદા પીઠને ખોલવાની માગણી કરી રહ્યું છે. આ એક મહત્ત્વપૂર્ણ મંદિર છે જે અંકુશ રેખામાં આવે છે. એટલું જ નહિ, જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રવાહમાં રહેલા પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) જેવા રાજકીય પક્ષો પણ તે અંગે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
શારદા પીઠ મંદિર પાકિસ્તાનના અંકુશ હેઠળના પીઓકેમાં છે. કાશ્મીરના કુપવાડાથી આશરે ૨૨ કિલોમીટર દૂર આ મંદિર અંગે મનાય છે કે શારદા પીઠ મંદિર હિન્દુઓનું આશરે પાંચ હજાર વર્ષ જૂનું ધર્મસ્થળ છે. ઇતિહાસકારો મુજબ મહારાજ અશોકે ૨૩૭ ઇસવીસન પૂર્વે તે મંદિરનું નિર્માણ કરાવ્યું હતું.