શું પતિ-પત્ની વચ્ચે આવી શકે છે રોબોટ? વિજ્ઞાન કહે છે - ‘હા’

દુનિયાભરના વૈજ્ઞાનિકો હ્યુમનોઇડ્સ રોબોટને મનુષ્યની નજીક લાવવા મથી રહ્યાા છે

Tuesday 03rd September 2024 10:04 EDT
 
 

એમ્સ્ટર્ડમઃ શું હ્યુમનોઇડ્સ રોબોટ રોમાન્ટિક સંબંધો, માનવીય સંવેદનાઓ કે પછી પતિ-પત્નીનું સ્થાન લઇ લેશે? આ સવાલ તો કંઇક એવો છે કે જેને વ્યવહારુ રૂપે તો નકારી દેવાના હજાર કારણ છે પરંતુ વૈજ્ઞાનિકોએ આ વાતને મૂર્તિમંત કરવા દિવસ-રાત એક કરી રહ્યા છે.
તેમનું કહેવું છે કે આગામી બે દસકામાં - એટલે કે માત્ર 20 જ વર્ષમાં લોકો પોતાની મનપસંદ મહિલા કે પુરુષ રોબોટ સાથે અંતરંગ સંબંધ કેળવશે અને લગ્ન પણ કરશે.
નેધરલેન્ડમાં માસ્ટ્રીચ યુનિવર્સિટીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) ક્ષેત્રે સંશોધન કરતા ડો. ડેવિડ લેવીએ એક સંશોધનમાં જણાવ્યું છે કે વર્ષ 2050 સુધીમાં અમેરિકાનું મેસેચ્યુસેટ્સ મનુષ્ય અને રોબોટના લગ્નને કાયદાકીય માન્યતા આપનારું પહેલું રાજ્ય બની ગયું હશે. લેવીએ તેમની થીસિસ ‘ઇન્ટિમેટ રિલેશનશિપ્સ વીથ આર્ટિફિશિયલ પાર્ટનર્સ’ (કૃત્રિમ ભાગીદારો સાથે અંતરંગ સંબંધ)માં લખ્યું છે કે આ રોબોટ દેખાવમાં, કામગીરીમાં અને વ્યક્તિત્વના મામલે અદ્દલ મનુષ્ય જેવા જ થઇ ગયા હશે.
અમેરિકા-જાપાનમાં રોબોટ પર નિર્ભરતા વધી
હ્યુમનોઇડ્સ એઆઇ રોબોટ આજે ખેતીકામ, ફેક્ટરીઓમાં કામગીરી, મકાનનિર્માણ, ભોજન બનાવવું, ઘરમાં કચરાં-પોતાં., બાળકોને ભણાવવા અને મનોરંજન સહિતના કામો કરી રહ્યા છે. ચીન અને જાપાનમાં તો નર્સ રોબોટ દર્દીઓની સંભાળ લે છે. માનવીય સંબંધોમાં જે પ્રકારે રોબોટનો પગપેસારો વધી રહ્યો છે તે જોતાં કંઇ અશક્ય જણાતું નથી.
મહિલા રોબોટમાં કૃત્રિમ ગર્ભાશય માટે થઇ રહ્યું છે સંશોધન
બોસ્ટન ડાયનેમિક્સ નામની કંપની સૌથી શ્રેષ્ઠ અને પ્રખર બુદ્ધિકૌશલ્ય ધરાવતા હ્યુમનોઇડ્સ રોબોટ ડિઝાઇન કરી રહી છે. કંપનીમાં વૈજ્ઞાનિકો મહિલા રોબોટમાં આઇવીએફની જેમ કૃત્રિમ ગર્ભ વિકસાવવા માટે દિવસ-રાત કામે લાગ્યા છે.
તેઓ વાસ્તવિક ગર્ભાશયની જેમ જ કૃત્રિમ ગર્ભાશય વિકસાવી રહ્યા છે. આમાં બોડી ટેમ્પરેચરની સાથે સાથે કેટલાય પ્રકારના હોર્મોન્સ પર પણ પ્રયોગ થઇ રહ્યા છે.
મનુષ્ય-રોબોટ સંબંધોની તરફેણમાં તર્ક
વૈજ્ઞાનિકોના મતે મહિલા કે પુરુષ રોબોટ વગર રજાએ ચોવીસેય કલાક સેવામાં હાજર રહેશે. લોકો તેમના સપનાનાં પાત્રને - પછી તે સ્ત્રી હોય કે પુરુષને - જરૂરિયાત અનુસાર પ્રોગ્રામ કરી શકે છે. રોબોટ પતિ કે પત્ની ક્યારેય બીમાર કે વૃદ્ધ નહીં થાય. વળી, તમે પ્રેમી કે પ્રેમિકાના રૂપમાં રહેલા રોબોટનો એકનો એક ચહેરો જોઇને કંટાળી ગયા હો તો ઇચ્છો તેવો બીજો ચહેરો પણ ડિઝાઇન કરાવી શકશો.
મનુષ્ય-રોબોટ સંબંધોની વિરોધમાં તર્ક
સમાજશાસ્ત્રી રોબોટ અને મનુષ્ય વચ્ચે સંબંધોની તરફેણમાં નથી. તેમનું કહેવું છે કે મશીન ક્યારેય માનવીય થઇ શકે જ નહીં. પરિવારમાં પતિ-પત્ની, સંતાનો સાથેના સંબંધોમાં જે ઉષ્મા - આત્મીયતા હોય છે તે રોબોટમાંથી ક્યાં મળવાની હતી? જે લોકોના લગ્ન નથી થયા તેમનું જીવન કંઇક અંશે રોબોટ આસાન કરી શકે છે, પરંતુ પારિવારિક સુખ તો કદાચ જ આપી શકશે. વિજ્ઞાન દરેક વખતે સૃષ્ટિને પડકારે છે કે વારંવાર ખોટું પુરવાર થાય છે. મનુષ્ય-રોબોટ સંબંધોના મામલે શું થશે એ તો આગામી સમય જ કહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter