ટોરોન્ટોઃ વર્ષોપહેલાં ખોવાઈ ગયેલી વસ્તુ અચાનક મળી જતાં લોકો આશ્ચર્યચકિત થઇ જતાં હોય છે. પણ કેનેડાની શૈટલર નામની મહિલાને તો સમુદ્રની પાસે સફાઈ કરતાં 34 વર્ષથી પાણીમાં તરતી બોટલ મળી આવી હતી. શૈટલરે પોતાને મળેલી બોટલની સ્ટોરી સોશિયલ મીડિયામાં શેર કરી છે.
શૈટલરને આ બોટલની અંદરથી એક ચિઠ્ઠી પણ મળી આવી છે, જેમાં એક મેસેજ લખ્યો હતો. આ મેસેજ સાથે તેને લખવાની તારીખ 29 મે 1989હોવાનું પણ મળી આવ્યું છે. શૈટલરના જણાવ્યા અનુસાર, તે ઘણા વર્ષોથી ઈચ્છતી હતી કે તેને જૂની પણ યાદગાર વસ્તુ મળી આવે.
હવે તેની ઇચ્છા સાકાર થઇ છે. 34 વર્ષ પહેલા દરિયામાં નાંખવામાં આવેલી બોટલ અનેક કિલોમીટરનો સફર ખેડીને તેના હાથમાં આવી છે. આ બોટલની અંદર એટલો જ મેસેજ લખેલો હતો કે ‘આજનો દિવસ સારો છે, પણ આજે પવન નથી’. શૈટલર બોટલના માલિક સુધી પહોંચવામાં સફળ રહી હતી. તેના જણાવ્યા અનુસાર, બોટલના માલિકનું બે વર્ષ પહેલા મૃત્યુ થયું છે. આ જાણકારી તેમના પુત્રએ શૈટલરને આપી હતી.