લંડનઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામી મહારાજ ૧૩ ઓગસ્ટે અક્ષરનિવાસી થયા બાદ બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સ, અમેરિકામાં યુએસ પ્રમુખપદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર હિલેરી ક્લિન્ટન અને લંડનના મેયર સાદિક ખાન સહિત સમગ્ર વિશ્વની દિગ્ગજ હસ્તીઓએ તેમને શ્રદ્ધાંજલિ આપીને તેમના કાર્યોને બિરદાવ્યા હતાં.
અમેરિકી પ્રમુખપદના ડેમોક્રેટિક ઉમેદવાર હિલેરી ક્લિન્ટને સ્વામીનારાયણ સંપ્રદાયના ગુરુ પ્રમુખસ્વામીને વૈદિક આસ્થામાં વૈશ્વિક વિશ્વાસ ઊભો કરનારા અને વૈદિક મૂલ્યો પર આધારિત સમાજની સ્થાપના કરનારા મહાન પુરૂષ ગણાવ્યા હતા. હિલેરીએ શુક્રવારે નિવેદનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામીએ ફક્ત ધર્મ અને સદાચારની શિક્ષા જ નથી આપી પરંતુ સમગ્ર જીવનમાં તેનું આચરણ પણ કર્યું હતું. તેમનો આ જ ગુણ તેમને લાખો શ્રદ્ધાળુઓના ગુરુ બનાવે છે. ન્યૂ જર્સીના અક્ષરધામ મંદિરથી લઈને અમેરિકાના અગણિત મંદિરોને પ્રમુખસ્વામીએ ધન્ય બનાવ્યા છે અને એક વૈશ્વિક વિશ્વાસ ઊભો કર્યો છે અને વૈદિક મૂલ્યો પર આધારિત સમાજનું નિર્માણ કર્યું છે.
બ્રિટિશ રાજવી પ્રિન્સ ચાર્લ્સે પત્ર દ્વારા જણાવ્યું કે ‘પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના સ્વધામગમન વિષે જાણીને મને અત્યંત દુઃખ થયું છે. સેન્ટ જેમ્સ પેલેસની મુલાકાત અને આંતરધર્મ સંવાદિતા અને વિશ્વશાંતિ વિશે તેઓની સાથે વાર્તાલાપની સુંદર સ્મૃતિઓ મને યાદ છે. અત્યંત સુંદર અને પારંપરિક હિંદુ મંદિર નીસડન મંદિરના સ્વરુપમાં પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપેલ નોંધપાત્ર ભેટનો હું અત્યંત ચાહક રહ્યો છું. વૈદિક સ્થાપત્યકળાના સિદ્ધાંતો અને પંરપરાને અનુસરીને અક્ષરધામ નિર્માણના મંત્રમુગ્ધ કરી દેનારા પુરુષાર્થથી હું વિશેષ પ્રભાવિત થયો હતો. તેઓની પ્રેરણાથી તેઓના જીવનમંત્ર ‘બીજાના સુખમાં આપણું સુખ’નું પાલન કરતા મૂલ્યનિષ્ઠ અને પવિત્ર જીવન જીવતો સમાજ આંદોલિત થાય છે. પરમ પૂજ્ય સ્વામીજીની વિશેષ સ્મૃતિ સાથે હું મારી હૃદયપૂર્વકની પ્રાર્થનાઓ પાઠવું છું.’