અજમાન (યુએઇ)ઃ યુએઇમાં આકસ્મિક નિધન થયાના લગભગ ૭૨ કલાક બાદ શ્રીદેવીનો પાર્થિવ દેહ ભારત પહોંચ્યો. જોકે, વિદેશમાં નિધન બાદ શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લઇ જવા અનેક સત્તાવાર ઔપચારિકતાઓ પૂરી કરવાની હતી ત્યારે એક માણસ એવો છે જેણે શ્રીદેવીને ભારત લાવવામાં મદદ કરી હતી. આ માણસનું નામ અશરફ શેરી.
દુબઈમાં સત્તાવાર દસ્તાવેજોમાં તેનું નામ માત્ર ‘અશરફ’ લખ્યું છે, પણ તેનું આખું નામ છે અશરફ ‘શેરી’ થમારાસેરી. આ ૪૪ વર્ષીય ભારતીય યુએઇમાં મૃત્યુ પામનારા વિદેશીઓ માટે ફેરીમેન બને છે. મૂળ કેરળના વતની થામારાસેરીએ અત્યાર સુધીમાં દુનિયાના ૩૮ દેશોમાં ૪,૭૦૦ મૃતદેહ લઈ જવામાં મદદ કરી છે.
થમારાસેરીનું માનવું છે કે આ કામ એક ઉમદા જવાબદારી સમાન છે. વિદેશમાં કોઈ વ્યકિતનું મૃત્યુ થાય છે ત્યારે તેમના સંબંધીઓને ખ્યાલ નથી હોતો કે તેમણે મૃતદેહને પોતાના દેશમાં લઈ જવા માટે કઈ કાનૂની પ્રક્રિયાઓને અનુસરવું. આથી હું આ કામ કરું છું. અહીંના સત્તાવાળાઓ માટે ધનિક અને ગરીબ બધા જ એક સરખા છે.
શ્રીદેવીના પાર્થિવ દેહને ભારત લઈ જવા માટેની સત્તાવાર કાર્યવાહી કરી તે જ દિવસે મેં અન્ય ત્રણ મૃતદેહોને પણ તેમના દેશ પહોંચાડવા માટેના દસ્તાવેજની કાર્યવાહી કરી હતી, જેમાંથી કેટલાક ગરીબ પણ હતા.