કાલંબોઃ શ્રીલંકાનું અર્થતંત્ર ડામાડોળ છે ત્યારે અહીં ફ્યૂઅલનું સંકટ પણ દિવસે ને દિવસે બેકાબુ થઈ રહ્યું છે. શ્રીલંકાએ જુલાઈ-ઓગસ્ટમાં પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે 58.7 કરોડ ડોલર એટલે કે આશરે 21,126 કરોડ શ્રીલંકન રૂપિયા જેવી ભારે રકમ ઓઈલ કંપનીઓને ચૂકવવાની છે.
શ્રીલંકાના ઊર્જા મંત્રી કંચના વિજેસેકરાએ રવિવારે આ જાહેરાત કરતા કહ્યું હતું કે અમને આશા છે કે, એકાદ સપ્તાહમાં ઇંધણની અછત નહીં રહે. આ મહિને ડીઝલના ત્રણ કન્ટેઈનર સહિત અન્ય ઇંધણની પણ ચાર કન્ટેઈનર આવવાની શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે ડીઝલની ખેપ 8-9 જુલાઈ, 11-14 જુલાઈ અને 15-17 જુલાઈએ શ્રીલંકા પહોંચશે. શ્રીલંકા સરકાર રશિયા પાસેથી ઓછા દરે ઓઈલ ખરીદવાના વિકલ્પો પણ વિચારી રહી છે. નાદારીના આરે જઇ પહોંચેલા શ્રીલંકા માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનો નિર્ણય ખૂબ જ લાભકારક સાબિત થઇ શકે એમ છે કેમ કે અન્ય દેશોના પ્રતિબંધના કારણે રશિયા બહુ નીચા દરે ઓઇલ વેચી રહ્યું છે.