કોલંબોઃ છેલ્લા કેટલાક દિવસોથી અશાંત શ્રીલંકામાં પહેલી એપ્રિલના રોજ લાગૂ કરાયેલી ઇમર્જન્સીને પાછી ખેચવાની રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ જાહેરાત કરી છે. દેશની આર્થિક મોરચે મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અગાઉ ઇમર્જન્સી લાદવાનો નિર્ણય કર્યો હતો. જોકે આ નિર્ણયને રદ કરાયો છે. રાજપક્ષેએ મંગળવારે રાત્રે ગેઝેટેડ નોટીફિકેશનમાં જણાવ્યું હતું કે ઇમર્જન્સીને લગતો અધ્યાદેશ પાછો ખેંચવામાં આવે છે.
પહેલી એપ્રિલ, 2022ના રોજ દેશમાં ઇમર્જન્સી લાદવા માટે જે અધ્યાદેશ જાહેર કરવામાં આવ્યો હતો તે 05 એપ્રિલ 2022, મંગળવારની મધ્યરાત્રે સ્થગિત કરવા સાથે ઇમર્જન્સીને પાછી ખેંચવામાં આવે છે. રાષ્ટ્રપતિએ એમ પણ જણાવ્યું છે કે દેશમાં અગાઉ જે સ્થિતિ બગડી હતી તેને ધ્યાનમાં રાખીને ઇમર્જન્સી લાદવાનો નિર્ણય કર્યો હતો, પણ હવે આ નિર્ણયને રદ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેના નેતૃત્વમાં શ્રીલંકાના સત્તારૂઢ ગઠબંધનને મંગળવારે ત્યારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કે જ્યારે નવનિયુક્ત નાણાંમંત્રી અલી સાબરીએ તેમના પદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતું. આ ઉપરાંત અનેક સાંસદોએ પણ સત્તારૂઢ ગઠબંધન છોડી દીધુ હતું. દેશને આર્થિક તેમજ રાજકીય સંકટમાંથી ઉગારવા રાષ્ટ્રપતિએ તમામ પક્ષોને સરકારમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું.
મોદીને મદદરૂપ થવા અનુરોધ
બીજી તરફ શ્રીલંકાના વિપક્ષના નેતા સાજિથ પ્રેમદાસાએ દેશને સંકટમાંથી ઉગારવા તેમજ શક્ય તે તમામ મદદ કરવા ભારતનાં પીએમ મોદીને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અમને યથાશક્તિ મદદ કરો. આ અમારી માતૃભૂમિ છે તેને બચાવવા અમને મદદ કરો.
દેશવ્યાપી વિરોધ પ્રદર્શન
બીજી બાજુ આર્થિક સંકટના સમયમાં દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ રાજપક્ષેએ તેમના ભાઈ બાસિલ રાજપક્ષેને પદ પરથી હટાવ્યા બાદ સાબરીની નિમણૂંક કરી હતી. બાસિલ એ સત્તારૂઢ શ્રીલંકા પોદુજાના પોરામુના (SLPP) ગઠબંધનની અંદર વિરોધનું મુખ્ય કારણ હતા.
સર્વપક્ષીય સરકારની શક્યતા
શ્રીલંકામાં સ્થિતિ ઘણી ખરાબ હોવાની માહિતી મળી છે. મોંઘવારી અસહ્ય છે અને લોકોમાં ખૂબ જ નારાજગી છે. ડીઝલ તથા આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોએ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવે જ્યારે પ્રધાનમંત્રીની સંપૂર્ણ કેબિનેટે રાજીનામુ આપી દીધુ છે ત્યારે એવી શક્યતા દર્શાવાવમાં આવે છે કે શ્રીલંકામાં એક સર્વપક્ષીય સરકાર બની શકે છે, જ્યાં વિપક્ષના નેતાઓની પણ સક્રિય ભાગીદારી હોઈ શકે છે.
રૂ. 54,000 કરોડથી વધુનું દેવું
શ્રીલંકાએ આગામી 12 મહિનામાં દેવા પેટે રૂ. 54,000 કરોડથી વધુ રકમ ચૂકવવાની છે. જેમાં 68 ટકા હિસ્સો ચીનનો છે. ચીનને તેણે 5 અબજ ડોલર એટલે કે 37,000 કરોડ ચૂકવવાના છે.
એર ઇન્ડિયા શ્રીલંકાની ફ્લાઇટ્સ ઘટાડશે
શ્રીલંકા ઈતિહાસના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. ભીષણ સંકટ વચ્ચે એર ઈન્ડિયાએ રવિવારે જાહેરાત કરી હતી કે તે માગમાં ઘટાડાને લીધે નવમી એપ્રિલથી ભારત-શ્રીલંકા વચ્ચેની તેની દર અઠવાડિયાની ફ્લાઈટોની સંખ્યા 16થી ઘટાડીને 13 કરશે. હાલ દિલ્હીથી દરરોજ એક ફ્લાઈટ અને ચેન્નઈથી અઠવાડિયામાં ૯ ફ્લાઈટોનું સંચાલન થાય છે. શ્રીલંકામાં પ્રવર્તમાન અશાંતિના કારણે પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો હોવાથી એર ઇંડિયાના મેનેજમેન્ટે ફ્લાઇટની સંખ્યા ઘટાડવા નિર્ણય કર્યો છે.