કોલંબોઃ શ્રીલંકામાં મંગળવારે તૂટી પડેલા મુશળધાર વરસાદના કારણે સર્જાયેલી હોનારતનો મૃત્યુઆંક ૪૫ થઇ ગયો છે, જ્યારે ૧૫૦થી વધુ લોકો લાપત્તા છે. આશરે ૩૦ ફૂટના કાદવના થર નીચે દટાઈ ગયેલાં ૧૫૦ લોકો જીવિત હોવાની આશા બહુ જ ધૂંધળી છે. ભારે વરસાદને કારણે ઊભી થયેલી જળબંબાકાર જેવી સ્થિતિથી બચવા શ્રીલંકામાં આશરે ત્રણ લાખ લોકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી છે. આ દરમિયાન ચાલુ વરસાદ રાહત અને બચાવકાર્યને અવરોધી રહ્યો છે. મોસમના પહેલા જ વરસાદે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યો છે.
બચાવ અને રાહતકાર્યનું સુકાન સંભાળી રહેલા મેજર જનરલ સુદાન્થા રણસિંઘેએ જણાવ્યું હતું કે પહાડી વિસ્તારમાં આરણ્યક ગામ નજીક હજી ૧૫૦ જેટલાં લોકો લાપતા છે, જે કાદવના થર નીચે દટાઈ ગયાં છે. આરણ્યક ગામ આવેલું છે તે કેગાલે જિલ્લામાં ભારે વરસાદે સૌથી વધુ તબાહી સર્જી છે. અહીં પહાડો પર બે સ્થળે મોટાપાયે ભેખડો ધસી પડી હતી.
માત્ર બૌદ્ધમંદિર બચ્યું
પહાડની તળેટીમાં આવેલાં આરણ્યક ગામમાં બધું જ તારાજ થઇ ચૂક્યું છે, બચ્યું છે માત્ર બૌદ્ધમંદિર. લોકો તેને ચમત્કાર જ ગણે છે. પહાડો પર ભેખડો તૂટવાના અવાજ સાંભળીને જે લોકો વહેલાં ભાગ્યાં તેટલાં જ બચી શક્યાં છે. પહાડ પરથી શિલાઓ ગગડવા લાગી હતી. વરસાદી પાણીના મારા વચ્ચે આ ખડકો ઊભા મકાનોની દિવાલો સાથે અફળાયા હતા. શ્રીલંકાના પ્રમુખ મૈત્રીપાલ સિરિસેનાએ બુધવારે દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. મંગળવારે મોડી રાતે આ વિસ્તારનાં ત્રણ ગામો પર આફત તૂટી પડી હતી.