કોલંબોઃ શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (સીઆઈડી)ને શ્રીલંકામાં હુમલો કરાવનાર આતંકવાદી સંગઠનની તપાસ કરતી વખતે જણાયું છે કે આ સંગઠનો પાસે રૂ. ૧૪ કરોડની રોકડ સહિત કુલ રૂ. ૭૦૦ કરોડની સંપત્તિ છે. શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેનો હુમલો કરનારા આતંકીઓ આઈએસ સાથે જોડાયેલા હતા. તપાસ એજન્સીએ અડધી કેશનો કબજો લીધો હતો અને બેંક એકાઉન્ટમાં રહેલી બાકીની રકમ સીલ કરી દીધી હતી. એ સિવાયની સંપત્તિની ઓળખની પ્રક્રિયા હાથ ધરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. એજન્સીએ અત્યાર સુધી ૭૩ શકમંદોની ધરપકડ કરી લીધી છે અને એમાં ૭ મહિલાઓનો પણ સમાવેશ થાય છે.
આતંકીઓએ કાશ્મીરમાં તાલીમ લીધી હતી
શ્રીલંકાનાં આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ મહેશ સેનાનાયકે ચોથીએ જણાવ્યું હતું કે, શ્રીલંકામાં સિરિયલ બ્લાસ્ટ કરનારા આતંકીઓએ ભારતમાં કાશ્મીરમાં તાલીમ લીધી હતી. તેઓ કાશ્મીર ઉપરાંત બેંગલુરુ અને કેરળનાં કેટલાક હિસ્સામાં પણ ગયા હતા. બોમ્બ બ્લાસ્ટ માટે તેમને શ્રીલંકા ઉપરાંત વિદેશમાંથી પણ મદદ મળી હતી.
બીજી તરફ સાઉદી અરેબિયાએ શ્રીલંકા બોમ્બ બ્લાસ્ટના કાવતરાખોરો સાથે સંપર્ક ધરાવતા બે શકમંદોની ધરપકડ કરી છે. જેમાં મૌલાના રિલા નામના માણસ આઈએસઆઈએસનાં આતંકી અને હોટેલ શાંગ્રિલામાં બ્લાસ્ટ કરનાર મુખ્ય આતંકી ઝાહરાન હાશિમનો સાળો છે જ્યારે બીજો મૌલાના રિલાનો સાગરીત છે જેનું નામ શાહનવાઝ છે. ભારતની બાતમીને આધારે બંનેની ધરપકડ કરાઈ છે. હાશિમ શ્રીલંકામાં સક્રિય આતંકી સંગઠન નેશનલ તૌહીદ જમાતનો નેતા હતો અને કટ્ટરવાદી સલાફી ગ્રૂપનો ચીફ ક્રાંતિકારી હતો. તેણે ઈસ્ટરનાં દિવસે શ્રીલંકામાં ૮ સિરિયલ બ્લાસ્ટ કરીને આતંક મચાવ્યો હતો. જેમાં ૨૫૩થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
કાસરગોડ-કોઇમ્બતૂર સાથેની સાઠગાંઠ
ભારતની સુરક્ષા સંસ્થાઓનાં અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બંને શકમંદોની કેરળનાં કાસરગોડ તેમજ તામિલનાડુનાં કોઇમ્બતૂર ખાતેનાં ભારતમાં ઊભા કરવામાં આવેલા આઈએસઆઈએસનાં મોડયુલ સાથે તેમજ શ્રીલંકામાં બ્લાસ્ટ કરનારાઓ સાથે સાઠગાંઠ છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે. આ માટે એક ટીમ સાઉદી અરેબિયા મોકલવામાં આવશે.
ટ્રિગર નહીં દબાતા વિનાશ ટળ્યો
૨૧ એપ્રિલે ઈસ્ટરનાં દિવસે તાતાની માલિકીની તાજ સમુદ્રમાં પણ સ્યુસાઇડ બોમ્બર અબ્દુલ લતિફ મહોમ્મદ જમિલ બ્લાસ્ટ કરવા ગયો હતો, પણ કોઈ કારણોસર તે બોમ્બ ડિવાઇસનું બટન દબાવી શક્યો ન હતો આને કારણે તાજ સમુદ્રમાં મોટી હોનારત થતા રહી ગઈ હતી.