કોલંબોઃ શ્રીલંકાની સંસદમાં વડા પ્રધાન રાજપક્ષે વિરુદ્ધનો અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થતાં સિરિસેનાને આંચકો લાગ્યો હતો તો શ્રીલંકાની સંસદમાં રાજપક્ષે અને વિક્રમાસિંઘેના ટેકેદારો વચ્ચે છુટ્ટા હાથની મારામારીનાં દૃશ્યો સર્જાયાં હતાં. વડા પ્રધાનપદ માટે બાખડેલા બંને પૂર્વ વડાના ટેકેદારો વચ્ચે લાતંલાત અને મુક્કાબાજીનો વરસાદ વરસ્યો હતો. શ્રીલંકામાં રાજપક્ષેની સરકારને સંસદમાં વિશ્વાસનો મત નહીં મળતાં સંસદનાં સ્પીકર દ્વારા હટાવવામાં આવ્યા પછી રાજકીય સંકટ વધુ ઘેરું બન્યું છે. હાલ ત્યાં કાયદેસર રીતે કોઈ વડા પ્રધાન નથી. આ પદ પરથી હટાવવામાં આવેલા રાજપક્ષેએ દાવો કર્યો છે કે વડા પ્રધાનની નિયુક્તિ કે હટાવવાનો અધિકાર સ્પીકરને નથી, આ પછી રાજપક્ષેના ટેકેદારોએ સ્પીકર પર પાણીની બોટલો અને પુસ્તકો ફેંક્યાં હતાં. ૨૬ ઓક્ટોબરે રાષ્ટ્રપ્રમુખ સિરિસેના દ્વારા વડા પ્રધાન પદ પરથી વિક્રમાસિંઘેને હટાવીને રાજપક્ષેને વડા પ્રધાન બનાવાયા ત્યારથી રાજકીય સંકટ ઘેરું બન્યું છે.