બાઇક રેસ - કાર રેસ કે બળદગાડાની રેસ વિશે તો આપણે સહુએ સાંભળ્યું છે, પરંતુ રિક્ષાની રેસ?! યે બાત કુછ હજમ નહીં હુઇ... જોકે શ્રીલંકામાં તાજેતરમાં રિક્ષાઓની રેસ એટલે કે ટુક ટુક રેસિંગ યોજાઇ ગઇ. આશરે ૧૩૦ કિમી લાંબી આ રેસમાં ૨૦૦ ટીમે ભાગ લીધો હતો. દરેક રિક્ષામાં ત્રણ લોકો સવાર હતા. જેમાં એક રેસર અને બે ક્રૂનો સમાવેશ થતો હતો. રેસમાં રિક્ષા ડ્રાઇવરોએ જંગલ, નહેર, કાદવ-કીચડના મેદાનો અને પહાડી વિસ્તારમાંથી પસાર થવાનું હતું. આ રેસમાં અનેક સ્થળે તેઓ ફસાઇ જતા પણ જોવા મળ્યા હતા. જોકે દરેક ટીમ પોતાની રિક્ષાને બહાર કાઢીને પૂરપાટ આગળ ભાગતી હતી. આ રેસમાં નાનીમોટી દુર્ઘટનાઓ પણ થતી હોય છે, પરંતુ સદનસીબે આ વર્ષે કોઇ જાનહાની નથી થઇ. આ રેસમાં જીત હાંસલ કરનારી ટીમને પ્રાઇસ મની સાથે ટ્રોફી પણ આપવામાં આવે છે. ટુક ટુક રેસિંગ શ્રીલંકામાં અત્યંત લોકપ્રિય છે.