કોલંબો: શ્રીલંકાની એક કોર્ટે સોમવારે મહિન્દ્રા રાજપક્સાના વડા પ્રધાન તરીકે કામ કરવા પર સ્ટે મૂક્યો છે. કોર્ટનો આદેશ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેના માટે મોટો આંચકો છે જેમણે વિક્રમસિંઘેની જગ્યાએ તેમના જૂના હરીફ રાજપક્સાને વડા પ્રધાન પદના શપથ અપાવ્યા હતા. કોર્ટે રાજપક્સા અને તેમની સરકાર વિરુદ્ધ વચગાળાનો આદેશ આપતાં વડા પ્રધાન તરીકે તથા કેબિનેટના કામ કરવા પર સ્ટે મૂકી દીધો છે. આ આદેશ રાજપક્સા અને તેમની સરકાર વિરુદ્ધ ૧૨૨ સાંસદો દ્વારા દાખલ કરેલી અરજી બાદ આવ્યો છે. શ્રીલંકામાં ૨૬ ઓક્ટોબરે રાજકીય ઊથલ પાથલ શરૂ થઈ હતી કારણ કે રાષ્ટ્રપતિ સિરિસેનાએ વિક્રમસિંઘેને બરતરફ કરીને રાજપક્સાને નવા વડા પ્રધાન બનાવ્યા હતા. સિરિસેનાએ એ પછી સંસદ ભંગ કરીને મધ્યવર્તી ચૂંટણીની જાહેરાત પણ કરી હતી. તેમણે ચૂંટણી જાહેર કરી ત્યારે વર્તમાન સરકારના કાર્યકાળના લગભગ ૨૦ મહિના બાકી હતા.