કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ સંસદ ભંગ કરીને ૨૫ એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. શ્રીલંકન સંસદ પોતાની નિર્ધારિત સમયાવધિના છ મહિલા પહેલાં જ ભંગ કરાઈ છે. સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિએ ૩જી માર્ચે મધરાતે સંસદ બરખાસ્ત કરવાના આદેશ ઉપર હસ્તાક્ષર કર્યાં હતાં. વર્તમાન સંસદની રચના એક સપ્ટેમ્બર ૨૦૧૫ના દિવસે કરાઈ હતી. શ્રીલંકામાં સંસદને ભંગ કરવા માટે એ જરૂરી છે કે તેના સાડા ચાર વર્ષનો સમયકાળ પૂરો થયો હોવો જોઈએ.
અધિસૂચના મુજબ ૨૫ એપ્રિલે ચૂંટણી યોજના સાથે નવી સંસદનું પહેલું સત્ર ૧૪ મેના દિવસે શરૂ થશે. રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવાર ૧૨થી ૧૯ માર્ચ દરમિયાન ઉમેદવારી પત્ર નોંધાવી શકે છે. ૧.૬૨ કરોડ લોકો ૧૯૬ સંસદ સભ્યોની ચૂંટણી કરશે. શ્રીલંકાની સંસદની કુલ સભ્યસંખ્યા ૨૨૫ છે. ગયા વર્ષે યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિજય બાદ ગોટબાયાએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને કાર્યવાહક પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા હતા.