કોલંબોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાએ ૨૮મીએ મોડી સાંજે વડા પ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને બરતરફ કરી મહિંદા રાજપક્ષેને વડા પ્રધાનપદના શપથ ગ્રહણ કરાવ્યા હતા, પરંતુ વિક્રમાસિંઘેએ વડા પ્રધાનપદ છોડવાનો ઇનકાર કરતાં શ્રીલંકામાં બંધારણીય કટોકટી સર્જાઈ છે. રાનિલ વિક્રમાસિંઘેએ રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને પત્ર પાઠવી જણાવ્યું હતું કે, હું હજુ વડા પ્રધાનના હોદ્દા પર છું. જેથી ૨૯મીએ સિરિસેનાએ સંસદને સસ્પેન્ડ કરી નાખતાં દેશમાં રાજકીય વિગ્રહ વધુ ઉગ્ર થયો હતો. શ્રીલંકન સંસદના અધિકારીઓએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ સિરિસેનાએ ૧૬મી નવેમ્બર સુધી ૨૨૫ સાંસદો ધરાવતી સંસદની તમામ બેઠકો રદ કરી દીધી છે. રાષ્ટ્રપતિ દ્વારા વડા પ્રધાનપદેથી બરતરફ કરાયેલા રાનિલ વિક્રમાસિંઘેએ પોતાની બહુમતી પુરવાર કરવા સંસદનું સત્ર બોલાવ્યું હતું.