કોલંબોઃ શ્રીલંકા ૨૦ વર્ષ પછી સૌથી મોટી વીજકટોકટીનો સામનો કરી રહ્યો છે. સોમવાર સવારથી જ સમગ્ર દેશમાં વીજકાપ જાહેર કરાતાં પાણીપુરવઠો, પરિવહન સેવાઓ, ઇન્ટરનેટ, ફોન વગેરે સેવા ઠપ્પ થઇ ગઇ હતી. શ્રીલંકામાં વીજઉત્પાદનમાં એટલી ઘટ પડી છે કે નેશનલ ગ્રિડને જ બંધ કરી દેવાની ફરજ પડી હતી. ફરી ચાલુ પણ ના કરાઈ, કારણ કે રાતે વીજપુરવઠો પૂરો પાડી શકાય તેટલો પણ વીજપુરવઠો બચ્યો હતો. વીજકાપને કારણે ૧૩મીએ રાતે પૂરા દેશમાં અંધારપટ રહેવાની સ્થિતિમાં દેશની સુરક્ષા માટે સૈન્યને સાબદું રહેવા સૂચના આપી છે. ગયા મહિને પણ દેશમાં આવી સ્થિતિ સર્જાઈ હતી. અગાઉ ૧૯૯૬માં પણ દેશમાં આવી સ્થિતિ સર્જાઈ હતી. તે વખતે ચાર દિવસ સુધી દેશમાં અંધારપટ રહ્યો હતો.