કોલંબોઃ શ્રીલંકામાં રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરાયાના ૫૧ દિવસ બાદ ફરી તેમને વડા પ્રધાન બનાવાયા છે. બરતરફ કરનારા રાષ્ટ્રપતિ સિરિસેનાએ જ તેમને રવિવારે ફરી શપથ અપાવ્યા હતા. પાંચમી વખત તેમણે રાષ્ટ્રપતિ સચિવાલયમાં પદના શપથ લીધા હતા. સચિવાલય બહાર તેમના સેંકડો સમર્થકો હાજર રહ્યા હતા. તેની સાથે જ બે મહિનાથી ચાલી રહેલા રાજકીય સંકટ સમાપ્ત થયાની આશા વ્યક્ત કરાઈ છે. સત્તારૂઢ યુનાઇટેડ નેશનલ પાર્ટીના નેતા વિક્રમસિંઘને સિરિસેનાએ ૨૬ ઓક્ટોબરે બરતરફ કર્યા હતા. મહિન્દ્રા રાજપકસેને નવા વડા પ્રધાન બનાવ્યા હતા. તેના અમુક દિવસ બાદ જ સંસદ ભંગ કરી સામાન્ય ચૂંટણીની જાહેરાત કરી દેવાઈ હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે સંસદ ભંગને ગેરબંધારણીય ગણાવ્યું અને રાજપક્સેને કામ કરતાં અટકાવતાં સ્થિતિ બદલાઈ ગઈ. જેના લીધે ૧૫મીએ રાજપક્સેએ રાજીનામું આપી દીધું હતું.