• ઓગસ્ટા વેસ્ટલેન્ડ સોદોઃ દિલ્હી કોર્ટે ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કેસમાં કહેવાતા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની જામીન અરજી ફગાવી દીધી હતી. સીબીઆઈ અને ઈડી દ્વારા દાખલ થયેલા કેસમાં વિશેષ ન્યાયમૂર્તિ અરવિંદકુમારે મિશેલની જામીન અરજીને ફગાવી દેતાં જણાવ્યું હતું કે રાહત આપવા માટે પૂરતી ભૂમિકા બંધાતી નથી. દુબઈથી ભારતને પ્રત્યર્પણ થતાં ઈડીએ ગયા વર્ષે ૨૨ ડિસેમ્બરના રોજ મિશેલની દુબઈથી ધરપકડ કરી હતી. ઈડી કેસમાં ક્રિશ્ચિયન મિશેલને પાંચ જાન્યુઆરીના રોજ ન્યાયકીય કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
• ભારતીય દંપતી - વિજ્ઞાનીનાં બોટ દુર્ઘટનામાં મોતઃ અમેરિકાના કેલિફોર્નિયામાં લેબર ડે નિમિત્તેની ત્રણ દિસની રજામાં સ્કૂબા ડાઈવિંગનો શોખ પૂરો કરવા નીકળેલા એક ગ્રૂપની બોટમાં તાજેતરમાં મધરાતે આગ લાગતાં ૩૪ જણાનાં મૃત્યુ થયાં હતાં. કનેક્ટિકટમાં રહેતા ભારતીય દંપતી કૌસ્તુભ નિર્મલ અને સંજીરી દેવપૂજારી પણ મૃતકોમાં સામેલ છે.
• ‘અમે દેશમાંથી ઘૂસણખોરોને વીણીને બહાર કાઢીશું’: આસામમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)નું અંતિમ લિસ્ટ જાહેર થયા બાદ રવિવારે રાજ્યની બે દિવસની મુલાકાતે પહોંચેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે ગુવાહાટીના કામાખ્યા દેવી મંદિરમાં પૂજા - અર્ચના કર્યા બાદ નોર્થ ઇસ્ટ ડેમોક્રેટિક અલાયન્સની બેઠકમાં હાજરી આપીને કોંગ્રેસ પર નિશાન સાધીને કહ્યું હતું કે, કોંગ્રેસે ઈશાન ભારતમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. અમે આખા દેશમાંથી ઘૂસણખોરોને વીણી વીણીને બહાર કાઢીશું.
• કમલનાથની મુશ્કેલી વધીઃ કોંગ્રેસ નેતા અને મધ્ય પ્રદેશનાં મુખ્ય પ્રધાન કમલનાથ સામે ફરી સંકટ સર્જાયું છે. કેન્દ્રનાં ગૃહ મંત્રાલયે તેમની સામે ૧૯૮૪નો શીખ રમખાણ કેસ ફરી ખોલવા મંજૂરી
આપી છે.
• સરહદ પર આતંકીઓનો સફાયોઃ પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરી અને આતંકી હુમલા કરવાની ફિરાકમાં છે. પાકિસ્તાન તરફથી ઓગસ્ટના પહેલાં અઠવાડિયામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરાયો હતો. પાકિસ્તાની સેના બેટ એક્શનના સૈનિકોને ભારત મોકલવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય લશ્કરે સરહદે જમ્મુ- કાશ્મીરના કેરન સેક્ટરમાં ૪થી ૫ પાકિસ્તાની બેટના સૈનિકોને ઠાર કર્યાનો એક વીડિયો બહાર પાડયો છે. વીડિયોમાં ભારતીય લશ્કરના હાથે ઠાર મરાયેલા આતંકીઓ અને બેટના સૈનિકોનાં મૃતદેહો દેખાયા હતા.
• ભારત ૨.૬ કરોડ હેક્ટર બંજર જમીન ઉપજાઉ બનાવશેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કોપ-૧૪ એટલે કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ સંમેલનના આઠમા દિવસે કહ્યું હતું કે, ભારત ૨૦૩૦ સુધી ૨.૬ કરોડ હેક્ટર વેરાન જમીન ઉપજાઉ બનાવશે. પહેલા આ લક્ષ્ય ૨.૧ હેક્ટરનું હતું. વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ સુધી દેશમાં વૃક્ષ અને જંગલના દાયરામાં આઠ લાખ હેક્ટરનો વધારો થયો છે.
• એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માનું રાજીનામુંઃ એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પોલીસ અધિકારી પ્રદીપ શર્માએ આપેલું રાજીનામું રાજ્યના ગૃહ વિભાગે મંજૂર કર્યું છે. તેથી પ્રદીપ શર્માનો રાજકારણમાં પ્રવેશવાનો માર્ગ લગભગ નક્કી થઈ ગયો છે.
• સીબીઆઈ પછી ઈડી દ્વારા રોલ્સ રોયસ સામે તપાસઃ સરકાર હસ્તકની ત્રણ કંપનીઓ એચએએલ, જીએઆઈએલ અને ઓએનજીસી પાસેથી કોન્ટ્રાક્ટ મેળવવા રોલ્સ રોયસ દ્વારા એશ્મોરનાં અશોક પટણીને કમિશન આપવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટે રોલ્સ રોયસ સામે મની લોન્ડરિંગનો કેસ કરીને તપાસ હાથ ધરી છે.
• કૈલાસ-માનસરોવર યાત્રા સંપન્નઃ ઉત્તરાખંડના લિપુલેખ પાસના રૂટયુક્ત વાર્ષિક કૈલાશ-માનસરોવર યાત્રા આઠમીએ પરિપૂર્ણ થઈ છે. ૪૧ યાત્રીઓનું છેલ્લું જૂથ સવારે ૭-૩૦ વાગ્યે તિબેટથી ભારત આવી પહોંચ્યું હતું.
• મદ્રાસ હાઈ કોર્ટના સી જે વિજયાનું રાજીનામુંઃ મેઘાલય હાઇ કોર્ટમાં બદલી કરવાથી નારાજ મદ્રાસ હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ વિજયા કમલેશ તાહિર રામાણીએ રાજીનામું આપી દીધું હતું. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમની બદલી અંગે પુનઃ વિચાર કરવાનો ઇન્કાર કરતા રાજીનામું આપ્યું હતું. તેઓ દેશમાં હાઇ કોર્ટના સૌથી સિનિયર જજ છે. ઉલ્લેખનીય છે કે બિલ્કિસ બાનુ સામૂહિક કેસમાં ૧૧ આરોપીઓની આજીવન કેદની સજા તેમને યથાવત રાખી હતી.
• પાકિસ્તાને રાષ્ટ્રપતિ કોવિંદ માટે એરસ્પેસ ખોલવાની ના પાડીઃ ભારત સાથે સંબંધ સુધારવાનો દાવો કરતાં પાકિસ્તાને દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે એરસ્પેસ ખોલવાની સાતમીએ ના પાડી હતી. પાકિસ્તાનના વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું કે, હાલની સ્થિતિ ધ્યાનમાં રાખતા પાકિસ્તાન ભારતને પોતાની એરસ્પેસનો ઉપયોગ કરવાની મંજૂરી નથી આપતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે આઇસલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાની મુલાકાતે જવાના રવાના થયા હતા.
• તૃણમૂલ સાંસદ સહિત ૭ સામે અબજોની છેતરપિંડીનો કેસઃ તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય સભા સાંસદ કેડી સિંહ તથા તેમના છ સાથીઓ ઉપર લોકો સાથે ઠગાઈ કરવાના આરોપો થતાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ તમામ પર આરોપ છે કે તેમણે સાથે મળીને દેશભરમાં લગભગ ૧૫ લાખ સાથે ૨૫ હજાર કરોડ રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે.