• ભારતે તૂર્કીને હેસિયત બતાવીઃ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં અગાઉ કરેલા સંબોધનમાં જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ ૩૭૦ નાબૂદ કરવાના ભારત સરકારના નિર્ણયની તૂર્કીના રાષ્ટ્રપતિ તૈયિપ એર્દોગને ટીકા કરી હતી. તે ઉપરાંત પેરિસ ખાતે છેલ્લા ૩ દિવસ ચાલેલી ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પણ તુર્કીએ પાકિસ્તાનને સમર્થન આપી બ્લેક લિસ્ટમાં સામેલ થતાં બચાવ્યો હતો. કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન આપનાર તૂર્કીની બે દિવસીય સત્તાવાર મુલાકાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રદ કરી નાંખી છે.
• મેક્સિકોએ ૩૧૧ ભારતીયોને સ્વદેશ મોકલી દીધાઃ અમેરિકા તરફથી વધતા દબાણને પગલે મેક્સિકોએ ગેરકાયદે પોતાની સરહદમાં ઘૂસતા લોકો પર રોક લગાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. તાજેતરમાં મેક્સિકોના ઈમિગ્રેશન અધિકારીઓએ પ્રથમ વખત એક મહિલા સહિત ૩૧૧ ભારતીયોને સ્વદેશ મોકલી દીધા છે.
• ભારતીય વેપારીનું કેદીઓને વતન આવવા ટિકિટનું દાનઃ પાકિસ્તાન, અફઘાન, ચીન અને બાંગ્લાદેશ સહિતના ૧૩ કેદીઓ તાજેતરમાં જેલમાંથી મુક્ત થયા હતા. તેમની પાસે ઘરે જવાના નાણા નહોતા. આ જાણ થતાં દુબઈસ્થિત ઈન્ડિયન બિઝનેસમેન જોગીન્દર સિંહ સેલારિયાએ કેદ મુક્ત થયેલાઓને ઘરે મોકલવા વન વે ટિકિટો ખરીદી આપી હતી.
• લદ્દાખમાં ચિનચેન પુલનું રાજનાથ સિંહ દ્વારા ઉદ્ઘાટનઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લદ્દાખમાં દૂરબુક અને દોલતબેગ ઓલ્ડી વચ્ચે તૈયાર થયેલા ચિનચેન પુલનું ૨૧મીએ ઉદ્ઘાટન કર્યું હતું. ભારત માટે વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવતો આ પુલ ચીન સરહદે વાસ્તવિક નિયંત્રણ રેખા (એલઓસી)થી ૪૦ કિમી.ના અંતરે આવેલો છે. શ્યોક નદી પર ૧૪,૬૫૦ ફૂટની ઊંચાઈએ પુલ બનેલો છે.
• જમ્મુ-કાશ્મીર બેંકમાં રૂ. ૧૧૦૦ કરોડનું કૌભાંડ ઝડપાયુંઃ જમ્મુ અને કાશ્મીર બેંકમાં રૂ. ૧૧૦૦ કરોડના કૌભાંડનો એન્ટી કરપ્શન બ્યુરોએ પર્દાફાશ કર્યો છે. જમ્મુ-કાશ્મીર બેંક દ્વારા રાઈસ એસ્પોર્ટ્સ ઈન્ડિયા (આરઈઆઈ) એગ્રો લિ.ને આગોતરી રકમ તરીકે રૂ. ૧૧૦૦ કરોડની ચૂકવણી કરવામાં આવી હતી. એસીબી દ્વારા એફઆઈઆર નોંધાયા પછી જમ્મુ-કાશ્મીર બેંકના પૂર્વ ચેરમેન મુશ્તાક અહેમદ શેખના કાશ્મીરમાં નવ, જમ્મુમાં ચાર અને દિલ્હીમાં ત્રણ સહિત ૧૬ પરીસરો પર એસીબીએ દરોડા પાડયા હતા.