• અમેરિકામાં બે શહેરમાં ગોળીબારઃ અમેરિકામાં તાજેતરમાં ગોળીબારની બે અલગ અલગ ઘટનાઓ બની તેમાં કુલ સાત લોકોનાં મોત થયાં છે. કેલિફોર્નિયામાં એક ઘરમાં વીકેન્ડમાં ૩૫થી વધુ યુવાનો ઘરના પાછળના ખુલ્લા ભાગમાં પાર્ટી કરવા એકત્ર થયા હતા અને ટીવી પર સ્થાનિક ફૂટબોલ મેચ જોતા હતા. આ સમયે એક હુમલાખોરે અચાનક ઘરમાં ઘૂસીને યુવાનો પર અંધાધૂંધ ગોળીબાર કરતાં ચાર યુવાનોનાં મોત થયાં હતાં. આ ઘટનામાં મૃતકો એશિયન અમેરિકન હોવાથી વંશીય હુમલાની પોલીસે આશંકા વ્યક્ત કરી છે. બીજી એક ઘટનામાં ઓક્લાહોમના ડંકન શહેરમાં આવેલા વોલમાર્ટ સ્ટોરમાં સોમવારે ગોળીબારમાં ૩ લોકોનાં મોત થયાં હતાં.
• કેલિફોર્નિયાની હાઇસ્કૂલમાં ગોળીબારઃ કેલિફોર્નિયાની સૌગસ હાઇસ્કૂલમાં ૧૫મી નવેમ્બરે અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરાયું હતું. શાળાના એક વિદ્યાર્થીએ જ ફાઇરિંગ કર્યું હતું. એ ફાઇરિંગમાં કુલ પાંચ વિદ્યાર્થીઓને ગોળી વાગી હતી. તેમાંથી બે વિદ્યાર્થીઓનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.
• બાંગ્લાદેશમાં ડૂંગળીના ૨૬૦ ટાકાને પારઃ ભારતથી બાંગ્લાદેશમાં ડૂંગળીની નિકાસ બંધ થતાં બાંગ્લાદેશમાં કાંદાના ભાવ આસમાને છે. કાંદાનો પુરવઠો ઓછો થતાં બાંગ્લાદેશમાં ડૂંગળીનો ભાવ ૨૬૦ ટાકા (ભારતીય રૂ. ૨૨૦)થી ઉપર પહોંચી ગયો છે. કાંદાના ભાવ વધતાં બાંગ્લાદેશનાં વડાં પ્રધાન શેખ હસીનાએ તેમના ભોજનમાંથી કાંદાની બાદબાકી કરી નાંખી છે. ભારતમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ડૂંગળીના પાકને નુકસાન થતાં આ પરિસ્થિતિ સર્જાઈ છે.
• રશિયા ભારતને ટૂંક સમયમાં ડિફેન્સ સિસ્ટમ સોંપશેઃ ભારત અને રશિયા વચ્ચે એસ-૪૦૦ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમના અગાઉ કરારો પ્રમાણે ટૂંક સમયમાં જ આ સિસ્ટમ ભારતને મળશે. ભારતે રશિયાને આ ડીલ માટે ૮૫૦ મિલિયન ડોલરની ચૂકવણી કરી છે. જોકે આ રકમ કુલ રકમના ૧૫ ટકા છે. આ ડીલ ન કરવા માટે અમેરિકાએ ભારત પર ઘણું દબાણ કર્યું હતું. જોકે ભારતે સ્પષ્ટતા કરી હતી કે દેશના સંરક્ષણને લઇને કોઇ બાંધછોડ નહીં થાય. સપ્ટેમ્બર મહિનામાં જ અમેરિકાએ જે પ્રતિબંધો લગાવ્યા છે તેને બાજુમાં રાખીને બંને દેશોએ આ માટે એક માળખાની રચના કરી હતી.
• વેનિસમાં પૂરના કારણે કટોકટી જાહેરઃ ૫૦ વર્ષ પછી વેનિસમાં ભયાનક પૂરનો પ્રકોપ સર્જાયો છે. ૧૪મી નવેમ્બરે ભરાયેલું રસ્તાઓ પરનું પાંચથી છ ફૂટ પાણી પાંચેક દિવસ થયા છતાં ધીરે ધીરે ઓસરતું હતું. ઇટાલીના વડા પ્રધાન જોસેફ કાસ્ટેએ પણ આ વિસ્તારની મુલાકાત લઈને વેનિસમાં કટોકટી જાહેર કરી હતી. વેનિસમાં હાઇટાઇડના કારણે ભારે પૂર પ્રકોપ સર્જાયો છે. પૂરના કારણે આ સુંદર શહેરની કેટલીય આઇકોનિક ઇમારતોને ભારે નુક્સાન થયું છે. વેનિસના મેયરે કટોકટી જાહેર કરીને આ પૂરમાંથી ઉભરતા વર્ષો લાગી જશે એવું કહ્યું હતું.