• ઝારખંડમાં બીજા તબક્કામાં મતદાનઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજી તબક્કામાં હિંસા વચ્ચે ૨૦ બેઠકો પર ૬૩.૩૬ ટકા મતદાન ૭મીએ થયું હતું. આ વખતે મતદાન ગત ચૂંટણીથી ઓછું થયું છે. ગત વખતે આ બેઠકો પર ૬૮.૦૧ ટકા મતદાન થયું હતું. માહિતી અનુસાર ગુમલા જિલ્લામાં મતદાન કેન્દ્ર પર પહોંચેલા ઉપદ્રવીઓ પાસેથી હથિયાર ઝૂંટવી લેવા માટે સુરક્ષાદળોએ ગોળીબાર કર્યો હતો. તેમાં એક ગ્રામીણનું મૃત્યુ થયું. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી વિનય કુમાર ચૌબેએ કહ્યું કે ઘટના બાદ કેન્દ્ર પર મતદાન અટકાવી દેવાયું અને તપાસ ચાલુ છે.
• અફઘાનમાં ૩૧ આતંકીઓનું આત્મસમર્પણઃ અફઘાનિસ્તાન સરકારે પાંચમી ડિસેમ્બરે દાવો કર્યો હતો કે ઇસ્લામિક સ્ટેટના ૩૧ આતંકીઓએ ૬૨ મહિલાઓ અને બાળકો સાથે અફઘાન સૈન્ય સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે.
• ૬૨૯ પાકિસ્તાની છોકરીઓ દેહવ્યાપારમાંઃ લાહોરના એક પોલીસ મથકે એક પછી એક ૬૨૯ લગભગ સરખી ફરિયાદોમાં તારણ નીકળ્યું છે કે, યુવતીઓને ચીનના પુરુષો સાથે પરણાવી દેવાયા પછી છોકરીઓને ચીન લઈ જવાઈ અને એ પછી છોકરીઓને દેહવ્યાપારમાં ધકેલાઈ છે.
• અમેરિકાની તાલિબાન સાથે ફરી વાતચીતઃ અમેરિકાએ તાલિબાન સાથે કતારની રાજધાનીમાં ફરી એકવાર વાતચીત શરૂ કરી છે. સપ્ટેમ્બર, ૨૦૧૯માં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે આતંકી હુમલા પછી અચાનક રાજદ્વારી પ્રયાસો બંધ કર્યાં હતાં. એક વર્ષથી ચાલી રહેલી મંત્રણાઓ કોઈ પરિણામ સુધી પહોંચે એ પહેલાં યુએસ તરફથી ચોંકાવનારા પ્રવાસ શરૂ થયા છે. અહેવાલો પ્રમાણે દોહામાં અમેરિકા-અફઘાન વચ્ચે ચર્ચાનો મુખ્ય મુદ્દો હિંસા ઘટાડવા અને બે દાયકાથી ચાલતા યુદ્વોનો અંત લાવીને યુદ્વવિરામ તરફ આગળ વધવાનો રહેશે.
• અમેરિકામાં ભારતીય દ્વારા બળાત્કારઃ અમેરિકામાં લુસિયાના રાજ્યમાં ૩૬ વર્ષના એક કેબ્રે નાઇટ ક્લબ કામસૂત્રના માલિક વિશાલ મોટવાણી સામે ૧૬ વર્ષની સગીરાએ આરોપ મૂક્યો છે કે વિશાલે તેને ફોસલાવીને પોતાની હવસનો ભોગ બનાવી હતી. વિશાલ સામેનો ગુનો સાબિત થઈ જશે તો ૨૫ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે.
• કમલા હેરિસ ઉમેદવારી પાછી ખેંચીઃ ભારતીય અમેરિકન સેનેટર કમલા હેરિસે ૨૦૨૦ની અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવારની રેસમાં પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. પ્રમુખની ચૂંટણી લડવા માટે પૈસા ન હોવાનું કારણ ધરીને કમલાએ આ રેસમાંથી પાછી પાની કરી છે.
• ‘અમે અપરાધી નથી’: શશિ થરૂરે ઓક્ટોબરમાં લખેલા એક પત્રના જવાબમાં ફારૂક અબ્દુલ્લાએ વળતો પત્ર લખ્યો હતો. થરૂરનો આભાર માનતા ફારૂકે લખ્યું હતું કે, અમે કંઈ અપરાધી નથી કે અમારા પર નજર રખાઈ રહી છે. મને મેજિસ્ટ્રેટ તરફથી પત્ર વિલંબથી મળ્યો તે દુર્ભાગ્યપૂર્ણ છે. સરકાર અને વહીવટીતંત્ર મારા પત્રો પણ મારા સુધી સમયસર નથી પહોંચાડી રહ્યા.
• નાણા પ્રધાન પી ચિદમ્બરમને જામીનઃ સુપ્રીમ કોર્ટે પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને ઇડીએ દાખલ કરેલા આઇએનએકસ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં જામીન આપી દીધા છે. ૧૦૫ દિવસ પછી ચિદમ્બરમ તિહાર જેલમાંથી બહાર આવી ગયા છે. જો કે સુપ્રીમ કોર્ટે કેટલીક શરતનો આધીન ચિદમ્બરમને જામીન આપ્યા છે. તેઓ કોર્ટની મંજૂરી વગર વિદેશ જઇ શકશે નહીં.
• વડા પ્રધાને અરુણ શૌરીના ખબર પૂછ્યાઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્ણની એક હોસ્પિટલમાં દાખલ કરાયેલા પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ શૌરીની ૭મી ડિસેમ્બરે મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે શૌરી મોદીના આકરા ટીકાકાર છે. તેમણે રાફેલ મુદ્દે સુપ્રીમમાં અરજી પણ કરી હતી.
• આઈટીબીપી જવાનનો ગોળીબારઃ છત્તીસગઢના બસ્તર રેન્જના આઈટીબીપી જવાન મસુદુલ રહેમાને ચોથીએ સવારે ૮ વાગ્યે સાથીઓ પર અચાનક ગોળીબાર કરી દીધો. તેમાં ચાર જવાનો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા અને ત્રણ ઘવાયા હતા. જેમાં એક સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો. એ માહિતી મળી નથી કે રહેમાને ખુદને ગોળી મારી કે તેના સાથીઓએ વળતી કાર્યવાહીમાં તેને ઠાર કર્યો.
• જમ્મુ-કાશ્મીરમાં પોલીસ ભરતીઃ જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી પોલીસની ભરતી માટે ૨૩૦૦૦ લોકોએ અરજી કરી હતી. પોલીસદળમાં જોડાવા માટે મોટી સંખ્યામાં યુવતીઓ પણ ભરતી કેમ્પમાં આવી પહોંચી હતી.