• ભાજપના નેતા કુલદીપ સેંગર દુષ્કર્મ માટે ગુનેગારઃ ઉન્નાવમાં કિશોરી ઉપર ૨૦૧૭માં ગોંધી રાખી રેપ કરનારો ભાજપનો પૂર્વ ધારાસભ્ય કુલદીપ સિંહ સેંગર ૧૬મી ડિસેમ્બરે દોષિત ઠર્યો છે. હવે તેની સજા મુદ્દે સુનાવણી થશે. બળાત્કાર વખતે પીડિતા સગીર વયની હતી એટલે પોક્સો હેઠળ કુલદીપ સેંગર દોષિત હોવાથી તેને આજીવન કેદ ફટકારવાની માગણી કરાઇ છે. ૨૦૧૭માં સેંગરે ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા પર બળાત્કાર કર્યો હતો. આ કેસમાં એક વર્ષ સુધી આરોપનામું દાખલ કેમ ન કરાયું તેનો ખુલાસો કરવાનું કોર્ટે સીબીઆઈને કહ્યું હતું.
• પાન-આધારને ૩૧ સુધીમાં લિંક કરવું ફરજિયાતઃ આવકવેરા વિભાગે એક જાહેર સંદેશમાં જણાવ્યું છે કે ૩૧ ડિસેમ્બર સુધીમાં પાન નંબરને આધાર સાથે લિંક કરવાનું સૌના માટે ફરજિયાત છે. ઉજ્જ્વળ ભવિષ્ય માટે તેમજ આવકવેરાની સેવાઓના અવિરત લાભ મેળવવા માટે આ જરૂરી છે. તેમ આઈટી વિભાગે કહ્યું હતું. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી) દ્વારા પરમેનન્ટ એકાઉન્ટ નંબરને આધાર સાથે લિન્ક કરવાની ડેડલાઈન સપ્ટેમ્બર મહિનામાં ૩૧ ડીસેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.
• ૪૮ કલાકમાં ઉદ્ધવે પ્રધાનોનાં વિભાગ બદલ્યાઃ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા બાદ ૧૫ દિવસે ઉદ્ધવ ઠાકરેએ ખાતાઓની વહેંચણી કરી હતી પણ આંતરિક સાઠમારીના કારણે તેમણે માત્ર ૪૮ કલાકમાં ૧૫મીએ પ્રધાનોના વિભાગો બદલવાનો વારો આવ્યો હતો. નાણાં પ્રધાન જયંત પાટિલને જળ સંસાધન અને ક્ષેત્રિય વિકાસ વિભાગ છગન ભુજબળ પાસેથી લઈને સોંપવામાં આવ્યો છે. ૨૮ નવેમ્બરે શપથ લીધા બાદ ૧૫ દિવસ બાદ થયેલી ખાતા વહેંચણીથી નાણા પ્રધાન જયંત પાટિલ નારાજ હતા. કારણ કે તેમનો ઓછા મહત્ત્વપૂર્ણ ખાતા સોંપવામાં આવ્યાં હતાં. આથી તેમણે પોતાની નારાજી પણ વ્યક્ત કરી હતી. આ નારાજી બાદ બે દિવસમાં ઉદ્ધવ ઠાકરેએ વિભાગોમાં બદલાવ કરી દીધો હતો.
• લેફ. જનરલ મનોજ મુકુંદ નરવણે નવા આર્મી ચીફઃ આર્મીના ડેપ્યુટી ચીફ લે. જનરલ મનોજ મુકુંદ નવરણે દેશના નવા આર્મી ચીફ હશે. વર્તમાન આર્મી ચીફ બિપીન રાવતનું તેઓ સ્થાન લેશે. રાવત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થઇ રહ્યાં છે. કેન્દ્ર સરકારએ ૩ અધિકારીઓના યાદી મોકલાઇ હતી. નવરણે
ઉપરાંત નોર્ધન કમાન્ડના લે. જનરલ રણબીરસિંહ અને સર્ધન કમાન્ડના લે.જન સતીન્દર સૈનીનો સમાવેશ થતો હતો.
• પાક. ફાયરિંગમાં એક ભારતીય જવાન શહીદઃ
પાકિસ્તાને સોમવારે ગુરેઝ સેક્ટરમા લાઇન ઓફ કંટ્રોલ નજીક બાંદીપોર જિલ્લાની સરહદે ફાયરિંગ કર્યું હતું. જેમાં ભારતીય સેનાના એક જવાન શહીદ થઇ ગયા. પાકિસ્તાને રહેવાસી વિસ્તારો લક્ષ્ય બનાવતા ગ્રામીણોએ ઘરમાં પૂરાઇ રહેવું પડ્યું હતું જોકે, ભારતીય સેનાએ પણ પાક.ને જડબાતોડ જવાબ આપ્યો હતો.
• યુએસમાં ૨૦૧૮માં ૧૦ હજાર ભારતીયોની ધરપકડઃ વિદેશીઓની ધરપકડ મુદ્દેના તાજેતરના અહેવાલ મુજબ અમેરિકામાં સરકારી એજન્સીઓએ વર્ષ ૨૦૧૮માં ૧૦૦૦૦થી વધુ ભારતીયોની ધરપકડ કરી હતી. એજન્સીએ તમામની રાષ્ટ્રીય સુરક્ષા કે જનસુરક્ષા માટે ખતરા જેવા મુદ્દે ધરપકડ કરી હોવાનું જણાવ્યું હતું. આ સરકારી રિપોર્ટ મુજબ ધરપકડ કરાયેલા ૧૦૦૦૦ ભારતીયોમાંથી ૮૩૧ને દેશનિકાલ અપાયો છે. ધરપકડ, કસ્ટડી, બહાર મોકલવા અને જનસંખ્યા સાથે જોડાયેલા મુદ્દાના શીર્ષક ધરાવતા આ રિપોર્ટ સરકારી એજન્સી દ્વારા તૈયાર કરાયો છે. અમેરિકા ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટ દ્વારા કસ્ટડીમાં લેવાયેલા ભારતીયોની સંખ્યા ૨૦૧૫થી ૨૦૧૮ની વચ્ચે બે ગણી થઇ છે.