• કુલદીપ સેંગરને સગીરા પર રેપના કેસમાં આજીવન કેદઃ ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં સગીરા પર બળાત્કાર ગુજારવાના કેસમાં ભાજપમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગરને દિલ્હીની અદાલતે ૨૦મીએ આજીવન કેદ ફટકારી હતી. કોર્ટે કુલદીપને રૂ. ૨૫ લાખનો દંડ ફટકાર્યો છે. તે ઉપરાંત પીડિતાની માતાને વળતર પેટે વધારાના રૂ. ૧૦ લાખ આપવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે પીડિતા અને તેના પરિવાર પર તોળાઈ રહેલી ધમકીની દર ૩ મહિને સમીક્ષા કરી પૂરતું સંરક્ષણ આપવા અને પીડિત પરિવારને એક ઘર ફાળવવા સીબીઆઈને આદેશ આપ્યો હતો. કોર્ટે સેંગર સાથે આ અપરાધમાં સહઆરોપી શશિ સિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકી હતી.
• જયપુર બ્લાસ્ટ કેસના ચાર દોષિતોને ફાંસીઃ જયપુરની વિશેષ અદાલતે ૨૦મીએ વર્ષ ૨૦૦૮માં જયપુરમાં થયેલા બોમ્બ વિસ્ફોટોના ચારેય દોષિતો સરવર આઝમી, મોહમ્મદ સૈફ, સૈફ ઉર્ફે સેફુર્રહમાન અને સલમાનને ફાંસીની સજા ફટકારી છે. જયપુરમાં થયેલા શ્રેણીબદ્ધ ૮ બોમ્બ વિસ્ફોટમાં ૭૧ લોકો માર્યા ગયા હતાં જ્યારે ૧૭૦થી વધુ લોકો ઘાયલ થયા હતાં. કોર્ટે આ કેસમાં અન્ય એક શાહબાઝ હુસેનને શંકાનો લાભ આપી આરોપ મુક્ત કર્યો હતો.
• રાંચીની નિર્ભયાને ૩ વર્ષે ન્યાયઃ ઝારખંડની રાજધાની રાંચીમાં બીટેકની વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ કરીને તેની નિર્મમ હત્યા કેસમાં આરોપી રાહુલ રોયને ફાંસીની સજા ફટકારાઈ છે. ૧૫-૧૬ ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે આરોપીઓએ વિદ્યાર્થિનીની સાથે દુષ્કર્મ કરી તેને સળગાવીને મારી નાંખી હતી. આ કેસના મુખ્ય આરોપી રાહુલને સીબીઆઈની વિશેષ અદાલતે ૨૦મીએ દોષિત ઠેરાવ્યો હતો. બીજા દિવસે અદાલતે સજા ફટકારી હતી.
• આનંદ મહિન્દ્રા એમએન્ડએમનું પ્રમુખપદ છોડશેઃ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ કરેલી જાહેરાત મુજબ એક એપ્રિલ, ૨૦૨૦થી ૬૪ વર્ષીય આનંદ મહિન્દ્રા એક્ઝિકયુટિવ ચેરમેનમાંથી નોન એક્ઝિક્યટિવ ચેરમેન બની જશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે એક એપ્રિલ, ૨૦૨૦થી મેનેજિંગ ડાયરેક્ટર પવનકુમાર ગોયેન્કાને ચિફ એક્ઝિકયુટિવ ઓફિસર (સીઇઓ)ની વધારાની જવાબદારી સોંપાશે. કંપનીએ આપેલી માહિતી મુજબ બે એપ્રિલ, ૨૦૨૧થી અનિશ શાહને મેનેજિંગ ડાયરેક્ટર બનાવાશે. તેઓ ગોયેન્કાનું સ્થાન લેશે.
• અખનુરમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર: પાકિસ્તાની સૈનિકોએ પલ્લનવાલા અને અખનુર તથા કન્જલવાન સેક્ટરમાં આવેલી આગળની હરોળની ચોકીઓ પર ૨૪મીએ ભારે ફાયરિંગ અને ગોળીબાર કર્યું હતું. નિલમઘાટીમાં પણ પાકિસ્તાને ફાયરિંગ કર્યું હતું. બટાલા વિસ્તારમાં પણ પાકિસ્તાને ૨૪મીએ બપોરે ૧૧.૩૦ વાગ્યાથી ફાયરિંગ શરૂ કર્યું હતું. ભારતે વળતા પ્રહારમાં ગોળીબારમાં બે પાકિસ્તાની સૈનિકો ઠાર મરાયા હતા. તેમના મૃતદેહ સવારે એલઓસી પર જોવા મળ્યા હતા. ગોળીબારને કારણે પાકિસ્તાન મૃતદેહ લઇ શક્યું નહોતું. જો કે આ કાર્યવાહી દરમિયાન એક ભારતીય જવાન પણ શહીદ થયો હતો.
• ભીમ આર્મીનાં ચંદ્રશેખર આઝાદની ધરપકડઃ દિલ્હી પોલીસ દ્વારા ભીમ આર્મીનાં ચીફ ચંદ્રશેખર આઝાદની ૨૧મીએ ધરપકડ કરવામાં આવી. પોલીસે મોડી રાત્રે જ ચંદ્રશેખર આઝાદને કસ્ટડીમાં લીધો હતો. ચંદ્રશેખરે ખુદ ટ્વિટ કરીને કહ્યું હતું કે જો દિલ્હી પોલીસ વાતચીત કરવા માગે છે તો દિલ્હી ગેટથી ધરપકડ કરવામાં આવેલા અમારા સાથીઓને મુક્ત કરો. ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર ૨૦મીએ બપોરે દિલ્હીની જામા મસ્જિદની બહાર થયેલા પ્રદર્શનમાં સામેલ થવા પહોંચ્યા હતા.
• મહારાષ્ટ્રમાં ખેડૂતોના રૂ. બે લાખની લોન માફઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના ખેડૂતોની રૂ. બે લાખ સુધીની લોનને માફ કરવાની જાહેરાત વિધાનસભામાં કરી હતી. આ કર્જમાફી બધા ખેડૂતો માટે છે અને એમાં કોઈ શરતો
લાગુ નથી.