• ઇન્ડોનેશિયામાં પૂર ભૂસ્ખલનઃ રાજધાની જાકાર્તામાં પૂર અને ભૂસ્ખલનમાં ૨૧નાં મોત થયાના અહેવાલ બીજી જાન્યુઆરીએ હતા. આ આફતમાંથી લગભગ ૩૦ હજાર લોકોને રાહત શિબિરોમાં ખસેડાયા હતા.
• મોગાદિશુમાં કાર બોમ્બ બ્લાસ્ટ ૯૦નાં મોતઃ સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ૨૮ ડિસેમ્બરે ભયાનક કાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં ૯૦ લોકો માર્યા ગયા હતા. જે લોકો માર્યા ગયા છે તેમાં મોટા ભાગના યુનિ.ના વિદ્યાર્થીઓ હતા.
• મોદી દેશના અગ્રણી ઉદ્યોગપતિઓને મળ્યાંઃ સામાન્ય બજેટ પૂર્વે વડા પ્રધાન મોદીએ સોમવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી, ટાટા ગ્રૂપના ચેરમેન રતન તાતા, ભારતી એરટેલના સુનિલ ભારતી, અદાણી જૂથના ગૌતમ અદાણી, મહિન્દ્રા ગ્રૂપના ચેરમેન આનંદ મહિન્દ્રા, વેદાંત જૂથના અનિલ અગ્રવાલ, ટાટા સન્સના ચેરમેન ચંદ્રશેખરન, ટીવીએસ ચેરમેન વેણુ શ્રીનિવાસન, એલએન્ડટીના એએમ નાયક તથા જિંદાલ ગ્રૂપના સજ્જન જિંદાલ સાથે મુલાકાત કરીને ભારતની ઈકોનોમીને અસર કરતાં મુદ્દાઓની ચર્ચા કરી હતી.
• દિલ્હી વિધાનસભાની ચૂંટણી જાહેરઃ મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ દિલ્હીની ચૂંટણીની જાહેરાત કરતાં સાતમીએ કહ્યું હતું કે, દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ૮મી ફેબ્રુઆરીએ થશે અને ૧૧ ફેબ્રુઆરીએ પરિણામો જાહેર થશે. તમામ ૭૦ બેઠકો પર એકી સાથે ચૂંટણી થશે. ૨,૬૮૯ સ્થળે મતદાન થશે અને ૧૩, ૭૫૭ સ્થળે મતદાન કેન્દ્રો ઊભા કરાશે.
• રૂ. ૧૦૦૦ કરોડનું કાળું નાણું હોંગકોંગ મોકલાયુંઃ દેશમાંથી રૂ. ૧,૦૩૮ કરોડનું કાળું નાણું હોંગકોંગ મોકલવાના આરોપમાં સીબીઆઈએ ૪૮ કંપની અને ત્રણ વ્યક્તિ સામે એફઆઈઆર નોંધી છે.
• વૈકુંઠ એકાદશીએ તિરુપતિમાં સુવર્ણ રથયાત્રાઃ આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં વૈકુંઠ એકાદશીના અવસરે સોમવારે ભગવાન વ્યંકટેશ્વરની સુવર્ણ રથયાત્રા નીકળી હતી. તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે જણાવ્યું કે તેમાં આશરે દોઢ લાખ લોકો ઉમટ્યા હતા.
• અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે જમીનઃ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં મસ્જિદ બનાવવા ૫ એકર જમીન શોધવાનું કામ પૂરું થયું છે. શક્યતઃ સુન્ની વકફ બોર્ડને ૧૫ જાન્યુઆરી સુધીમાં જમીન સોંપાશે. જમીન માટે ૫ સ્થળનો વિકલ્પ છે. તે જગ્યા મલિકપુરા મિર્ઝાપુર-શમસુદ્દીનપુર, ચાંદપુર ગામમાં છે. તમામ જગ્યા અયોધ્યાથી નીકળતા અને અલગ-અલગ શહેરોને જોડતા મુખ્ય માર્ગે આવેલી છે. બધી જમીન પંચકોસી પરિક્રમા પરિઘથી બહાર છે.
• ઉદ્ધવ કેબિનેટમાં પવાર પાવરઃ મહારાષ્ટ્રના ગવર્નર ભગતસિંહ કોશયારીએ રવિવારે પ્રધાનોને ખાતાની ફાળવણીની યાદીને મંજૂરી આપી હતી. રાજ્યમાં શિવસેના-એનસીપી અને કોંગ્રેસની મહાવિકાસ અઘાડી સરકારની રચનાના એક મહિના પછી કેબિનેટના વિસ્તરણ અને ખાતાઓની ફાળવણી થઈ છે. કેબિનેટમાં સૌથી વધુ લાભ શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને થયો છે. નાણાં અને ગૃહ સહિતના રાજ્યના સૌથી મહત્ત્વના મંત્રાલયો એનસીપીના ખાતામાં ગયાં છે.
• સ્વિસ બેંકોમાં પૈસા રાખનાર ૩૫૦૦ને નોટિસ: ટેક્સ હેવન તરીકે જાણીતી સ્વિસ બેંકોએ ૩,૫૦૦ ભારતીયોને નોટિસ આપીને ૭નાં નામો જાહેર કર્યાં છે. નોટિસ અનુસાર કેટલાક કારોબારીઓ સહિત એવા વ્યક્તિઓ અને કંપનીઓને કહેવાયું છે કે જો તેઓ ભારત સાથેની બેંક વિગતો શેર કરવાની વિરુદ્ધ અપીલ કરવા માગતા હોય તો તેઓ તેમના પ્રતિનિધિની નિમણૂક કરે.
• જોધપુર હોસ્પિ.માં ડિસેમ્બરમાં ૧૪૬ બાળમોતઃ રાજ્યના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતના વતન જોધપુરની મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ડિસેમ્બર મહિનામાં જ ૧૪૬ બાળકોનાં મોત થયાં હોવાનો અહેવાલ સામે આવ્યો છે.
• નેવીના જહાજ-મથકે સ્માર્ટફોન પર પ્રતિબંધઃ સંવેદનશીલ સૂચનાઓ લીક કરવાના આરોપને લીધે પાકિસ્તાન સંબંધિત રેકેટમાં ૭ જવાનોની ધરપકડ બાદ નેવીએ તેમના તમામ જવાનો અને અધિકારીઓ પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. જહાજો અને નેવીના થાણા પર સ્માર્ટફોન લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે.