સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Wednesday 20th September 2017 10:05 EDT
 

• સુષ્મા સ્વરાજ યુએસ મુલાકાતેઃ ભારત, અમેરિકા અને જાપાનના વિદેશ પ્રધાનો ન્યૂ યોર્કની પેલે હોટેલમાં યોજાયેલી ત્રિપક્ષીય બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ભારતના સુષ્મા સ્વરાજ, અમેરિકાના રેક્સ ટિલરસન, તથા જાપાનના વિદેશ પ્રધાન તારો કોનો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રણેય વિદેશ પ્રધાનોએ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેમાં તે દેશના પ્રતિનિધિ મંડળના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતાં.
• અમેરિકાનો ઉત્તર કોરિયાને આકરો જવાબ: ઉત્તર કોરિયાના પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ બાદ અમેરિકા ઉત્તર કોરિયા પર દબાણની તૈયારી કરી રહ્યો છે, અમેરિકાએ સોમવારે જ ફાઇટર જેટ અને બે બોમ્બર વિમાનો કોરિયન પેનિનસુએલા પરથી ઉડાડયાં હતાં. દક્ષિણ કોરિયાનાં સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન બહાર પાડી જણાવ્યું કે ચાર એફ-૩૫બી ફાઇટર જેટ અને બે બી-૧બી બોમ્બરે ઉડ્ડયન કર્યું હતું. ઉત્તર કોરિયા પરમાણુ અને મિસાઇલ પરીક્ષણ દ્વારા અમેરિકા અને દક્ષિણ કોરિયાને સતત ધમકી આપી રહ્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયા આ ધમકીઓને વશ થવાના નથી.
• નવાઝ શરીફનાં પત્ની કુલસૂમની લાહોરની પેટા ચૂંટણીમાં જીતઃ પનામા પેપર્સ કૌભાંડમાં સંડોવણી બદલ બરતરફ કરવામાં આવેલા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફની બીમાર પત્ની અને પીએમએલ-એનના ઉમેદવાર કુલસૂમે લાહોર લોકસભાની પેટા ચૂંટણી જીતી લીધી છે.
• નાઈજિરિયામાં બોટ ડૂબતાં ૩૩નાં મૃત્યુઃ ક્ષમતા કરતાં વધુ પ્રવાસીઓને લઈ જઈ રહેલી બોટે નાઈજિરિયામાં પલટી ખાતાં ૩૩ લોકો ડૂબી ગયા હતાં. ઈમર્જન્સી એન્જસીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે કેબ્બી ખાતેના અંતરિયાળ વિસ્તારમાં દુર્ઘટના સર્જાઈ હતી. દૂર્ઘટના પછી ૩૩ મૃતદેહો મળીઆવ્યા છે જ્યારે હજી ૩ લોકો લાપતા છે તમામ લોકો પણ મૃત્યુ પામ્યા હોવાની ધારણા થઈ રહી છે.
• ડેરાના મોસ્ટ વોન્ટેડની યાદી જાહેરઃ રિયાણા પોલીસે ગયા મહિને ડેરા સચ્ચા સોદાના અનુયાયીઓ દ્વારા થયેલી હિંસાના કેસમાં સોમવારે મોસ્ટ વોન્ટેડની યાદી જાહેર કરી હતી. યાદીમાં ડેરાના વડા ગુરમીત રામરહીમસિંહની નિકટતમ અનુયાયી હનીપ્રીત કૌરનું નામ મોખરે છે. જોકે હનીપ્રીત ફરાર છે અને નેપાળ સહિતના દેશોમાં શોધ ચલાવાઈ રહી છે. ડેરાના ફરાર પ્રવકતા આદિત્ય ઇન્સાનની પણ તપાસ જારી છે. હરિયાણા પોલીસની વેબસાઈટ પર આ મોસ્ટ વોન્ટેડ યાદી ઉપરાંત મોટાપાયે હિંસા ઉશ્કેરણી કરવા માટે જવાબદાર ૪૩ શકમંદોની તસવીરો પણ છે. પંચકુલામાં ઘટના સમયના વીડિયો ફુટેજ, સીસીટીવી કેમેરા તેમજ પોલીસ વીડિયોની મદદથી તસવીરો મૂકી છે.
• ભારતમાં ૪૦,૦૦૦ રોહિંગ્યા શરણાર્થીઃ રોહિંગ્યા મુસ્લિમો દેશની સુરક્ષા સામે ગંભીર જોખમ છે એવા ભારતીય સરકારી નિવેદન વચ્ચે ૨૦૧૨થી રોહિંગ્યા મુસ્લિમોએ ભારતમાં આવવાનો પ્રારંભ કર્યો હતો. ભારતમાં પ્રવેશેલા રોહિંગ્યા શરણાર્થીઓની સંખ્યા ૪૦,૦૦૦ પર પહોંચી છે. અત્યારે સૌથી વધુ રોહિંગ્યા મુસ્લિમ જમ્મુમાં આશ્રય લઇ રહ્યાં છે, તે ઉપરાંત હૈદરાબાદ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી-એનસીઆર અને રાજસ્થાનમાં તેમની હાજરી છે.
• તામિલનાડુમાં ૧૮ ધારાસભ્યોને અયોગ્ય ઠેરવાયાઃ તામિલનાડુમાં સ્પીકર પી. ધનપાલે એઆઈએડીએમકેના દિનાકરન જૂથના સમર્થક ૧૮ ધારાસભ્યોને સોમવારે અયોગ્ય ઠેરવ્યા હતા. સ્પીકરે પક્ષપલટા કાયદા અંતર્ગત આ કાર્યવાહી કરી છે. આ ૧૮ ધારાસભ્યોએ મુખ્ય પ્રધાનના પાલનીસામી વિરુદ્ધ વિદ્રોહ કર્યો હતો.
• ડોન દાઉદના ભાઈ ઇકબાલ કાસકરની ધરપકડઃ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ભાઈ ઈકબાલ કાસકરની સોમવારે રાત્રે થાણે એન્ટી એક્સ્ટોર્શન સેલે ધરપકડ કરી હતી. ૧૧૩ એન્કાઉન્ટર કનાર એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ પ્રદીપ શર્માએ ઇકબાલ કાસકર અને બીજા ચાર લોકોની ધમકી આપવા અને ખંડણી ઉઘરાવવાના કેસમાં ધરપકડ કરી હતી. એક સિનિયર પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઇકબાલ કાસકરે બિલ્ડર પાસેથી ખંડમીરૂપે ચાર ફ્લેટ પડાવ્યા હતા. જોકે, તેણે વધારે ફ્લેટની ડિમાન્ડ કરતાં બિલ્ડરે આખરે એન્ટી એકસ્ટોર્શન સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પ્રદીપ શર્માએ તેની ધરપકડ કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter