• પાકિસ્તાનમાં ઝેરી ગેસ લીક થતાં ૬નાં મોતઃ પાકિસ્તાનના કરાચી બંદરે કરાચીના કેમારી વિસ્તારમાં ૧૭મી ફેબ્રુઆરીએ સામાન ઉતારતી વખતે ઝેરી ગેસ લીક થતાં ૬ લોકોનાં મૃત્યુ થયાં હતાં અને ૧૦૦થી વધુને તુરંત સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.
• પાકિસ્તાનની કસ્ટડીમાંથી મસૂદ લાપતાઃ પાકિસ્તાનના નિવેદન મુજબ ભારતમાં ૨૦૧૧માં સંસદ પર તેમજ પુલવામા પરનો હુમલાખોર જૈશનો વડો મસૂદ અઝહર અને એહલાનુલ્લા એહસાન લાપતા છે. પાકિસ્તાનને ડર છે કે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં તે નિષ્ફળ રહેશે તો એફએટીએફ બેઠકમાં તેને બ્લેક લિસ્ટમાં મુકાશે તેથી પાકિસ્તાને હાફિઝ સઈદને ૧૧ વર્ષની સજાનું નાટક કર્યું છે. હવે બે આતંકીઓ લાપતા હોવાનું જણાવ્યું છે. જોકે ભારતે કહ્યું કે, એફએટીએફ બેઠકમાં પાકિસ્તાનની પોલ ખોલશે. ભારતને આશંકા છે કે મસૂદ, તેનો પરિવાર અને તેના સાથી આઈએસની મદદથી રાવલપિંડી નજીક ઇસ્લામાબાદ બોર્ડર પરના ચકશાહઝાદમાં છુપાયા છે.
• ઇકબાલ મિર્ચીના પુત્રની બનાવટી કંપનીઃ મની લોન્ડરિંગના કેસના મૃત કૌભાંડી ઈકબાલ મિર્ચીની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ૧૬મીએ જાહેર કર્યું છે કે, ઈકબાલનાં દીકરા જુનૈદ મેમણે પણ કેટલીક ભારતીય કંપનીઓ અને બોલિવૂડ સેલીબ્રિટીઓની જેમ યુકેની તેની ૧૫ પ્રોપર્ટીનો વહીવટી કરવા બ્રિટિશ વર્જિન ટાપુ પર કંપની સ્થાપી છે. કન્ટ્રી પ્રોપર્ટી લિમિટેડ નામની આ બનાવટી કંપની પનામાની લો કંપની મોસ્સાક ફોન્સેકા દ્વારા સ્થાપાઈ છે.
• કાશ્મીર અમારું, તૂર્કી રાષ્ટ્રપતિ જ્ઞાન વધારેઃ તૂર્કી પ્રમુખ રિસેપ તૈયપ એર્દોગાને ૧૪મીએ પાકિસ્તાની સંસદના બંને ગૃહોને સંબોધતાં કહ્યું કે, ભારત સાથેના સંબંધો ભલે ખરાબ થાય, પણ કાશ્મીરમાં જુલમ થાય છે તેથી ચૂપ નહીં રહું. એર્દોગાનને ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે જડબાતોડ જવાબ આપતાં કહ્યું કે, કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તૂર્કી રાષ્ટ્રપતિ પોતાનું જ્ઞાન વધારે. યોગ્ય હશે કે, તૂર્કી રાષ્ટ્રપતિ ભારતના આંતરિક મામલામાં દખલગીરીના કરે.