ફાન્સમાં વિદેશી ઇમામ-મુસ્લિમ શિક્ષકોના આગમન પર પ્રતિબંધઃ ફ્રાન્સ સરકારે વિદેશી ઇમામોના દેશમાં આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનના જણાવ્યા મુજબ સરકારે આ નિર્ણય કટ્ટરપંથ અને ભાગલાવાદને રોકવા માટે લીધો છે રાષ્ટ્રપતિ મેક્રોને એ પણ સ્પષ્ટ કર્યું કે ફ્રાન્સમાં જે ઇમામ પહેલાંથી છે તેમને સ્થાનિક ભાષા એટલે કે ફ્રેન્ચ શીખવી પડશે. તેમણે જણાવ્યું કે ફ્રાન્સમાં રહેનારાએ અહીંના કાયદાનું કડકપણે પાલન કરવું પડશે.
૨૦૧૯માં ૭૭૨૦ ભારતીયો યુએસમાં ઘૂસતા ઝડપાયાઃ વર્ષ ૨૦૧૯માં અમેરિકામાં ઘૂસણખોરી કરવાના પ્રયાસમાં કુલ ૮,૫૧,૫૦૮ વિદેશી નાગરિકો ઝડપાયા હતા. તેમાં ૭૭૨૦ ભારતીય નાગરિકોને અધિકારીઓએ ઝડપી લીધા હતા. પકડાયેલાં ભારતીયોમાં ૨૭૨ મહિલાઓ અને ૫૯૧ બાળકોનો પણ સમાવેશ થતો હતો. નોર્થ અમેરિકન પંજાબી એસોસિએશને માહિતી અધિકારના કાયદા અંતર્ગત સરકાર પાસેથી માહિતી મેળવી હતી.
આંતકીઓની મદદ કરતું પાક. ગ્રે લિસ્ટમાં જ રહેશેઃ આતંકીઓને ફંડિંગ રોકવામાં નિષ્ફળ જવાના આધારે એફએટીએફના પેટા ગ્રૂપ ઇન્ટરનેશનલ કો-ઓપરેશન રિન્યૂ ગ્રુપે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાની ભલામણ કરી છે. એફએટીએફની બેઠક પહેલા પાકે. મુંબઈ હુમલાના આરોપી હાફિઝ શરીફને આતંકવાદના બે કેસમાં ૧૧ વર્ષની સજા ફરમાવી હતી. એવું મનાય છે કે ગ્રે લિસ્ટમાંથી બહાર આવવા પાકે. આ પગલું ભર્યું છે.