• શોપિયામાં બે આંતકી ઠારઃ જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લાના રેબનમાંથી સોમવારે સુરક્ષા દળો સાથેની અથડામણમાં બે આંતકી ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આતંકીઓ પાસેથી વિસ્ફોટકો અને હથિયારો મળ્યા છે. બીજી તરફ, અવંતીપોરામાં પોલીસે આંતકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દિનને મદદ કરતા પાંચને ઝડપી લીધા છે.
• કાશીમાં પંચમુખી ગણેશનું પ્રાચીન મંદિર મળ્યુંઃ કાશીમાં વિશ્વનાથ ધામના નિર્માણ માટે મકાનોને ધરાશાયી કરવાનું કામ ચાલે છે. દરમિયાન એક ઘરમાંથી અદભુત જૂનું મંદિર મળ્યું છે. આ મંદિર ઢૂંઢીરાજ ગણેશ મંદિરની નજીક છે.
• જમ્મુ કાશ્મીરમાં અલતાફ બુખારીએ નવો પક્ષ રચ્ચોઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટ્યા પછી રાજકારણ ગરમાયું છે. પૂર્વ નેતા અને રાજ્યના પૂર્વ નાણા પ્રધાન અલ્તાફ બુખારીએ રવિવારે નવા પક્ષ જમ્મુ-કાશ્મીર અપની પાર્ટી (જેકેએપી)ની જાહેરાત કરી. એમાં કોંગ્રેસ, પીડીપી સહિત અન્ય પક્ષોના ૩૦ નેતા જોડાયા છે.
• પૂર્વ કેન્દ્રીય પ્રધાન હંસરાજ ભારદ્વાજનું નિધનઃ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય કાયદા પ્રધાન હંસરાજ ભારદ્વાજનું ૮મી માર્ચે ૮૩ વર્ષની વયે અવસાન થયું છે. તેઓ ૨૦૦૯થી ૨૦૧૪ સુધી કર્ણાટકના રાજ્યપાલ હતા. ૨૦૧૨થી ૨૦૧૩ સુધી તેમની પાસે કેરળના રાજ્યપાલનો વધારાનો હવાલો પણ હતો.
• ૧૯૮૫ના દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં ૩૦ આરોપી દોષમુક્તઃ વર્ષ ૧૯૮૫ના ટ્રાન્ઝિસ્ટર બોમ્બ વિસ્ફોટ કેસના ૫૯ આરોપીઓ પૈકી ૩૦ આરોપીઓને દિલ્હીની કોર્ટે મુક્ત કરતા જણાવ્યું કે, આ કેસમાં તપાસ દોષપૂર્ણ અને અયોગ્ય છે અને તેમાં વિવિધ ખામી છે.
• રૂ. ૧૦ કરોડના બેંક કૌભાંડના ભાગેડુનું ભારત પ્રત્યાર્પણઃ વર્ષ ૨૦૧૮ના રૂ. ૧૩,૫૦૦ કરોડના પંજાબ નેશનલ બેંક કૌભાંડ કેસ પછી આ જ બેંક સાથેના એક બીજા કૌભાંડ કેસના ભાગેડુ સન્ની કાલરાનું મસ્તકથી ભારત પ્રત્યાર્પણ કરાયું છે.
• નીરવ મોદીની વસ્તુઓની હરાજીઃ પીએનબી સાથે રૂ. ૧૪ હજાર કરોડની છેતરપિંડી કરીને લંડન ભાગી ગયેલા નીરવ મોદીની સંપત્તિની છઠ્ઠીએ હરાજી કરાતાં ઈડીને રૂ. ૫૧ કરોડ ઉપજ્યા છે.
• નિર્ભયાના દુષ્કર્મીઓની અંતિમ અરજી ફગાવાઇઃ નિર્ભયાના ચારેય દોષિતોને ફાંસી પર લટકાવવા માટે પટિયાલા હાઉસ કોર્ટે ૨૦ માર્ચની સવારે ૫-૩૦ વાગ્યાનો સમય નક્કી કર્યો છે.
• પાકિસ્તાનમા ભારે વરસાદમાં ૨૭નાં મોતઃ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં ૪ માર્ચથી પડી રહેલા વરસાદમાં અકસ્માતોમાં ૨૭ મૃત્યુ પામ્યા છે જ્યારે ૫૬ લોકો ઘવાયા છે.
• સાઉદી પ્રિન્સ સલમાનના વિરોધી ચોથા પ્રિન્સની પણ ધરપકડઃ સાઉદી અરેબિયામાં રાજવી પરિવારમાં પ્રિન્સ મહંમદ બિન સલમાનને સમર્થન ન આપી રહેલા ચોથા પ્રિન્સ અને સૈન્ય ગુપ્તચર દળના પૂર્વ વડા પ્રિન્સ નાયેફ બિન અહમદની પણ સાતમીએ ધરપકડ થઈ હતી. એક દિવસ પહેલાં પ્રિન્સ અહમદની પણ તેમના ભત્રીજા મહમંદ બિન નાયેફ અને પ્રિન્સ નવાફ બિન નાયેફ સાથે ધરપકડ કરાઈ હતી.
• આતંકી અશ્માવીને ફાંસી અપાઈઃ ઉત્તર આફ્રિકા ખાતે આવેલા દેશ મિસર (ઈજિપ્ત)ની સેનાએ ટોચના ઈસ્લામિક આતંકી હિશમ અશ્માવીને ૭મીએ ફાંસી આપી છે. સુરક્ષા દળો પર હુમલા મામલે દોષી ઠેરવાયેલા હિશમને બેવડી ફાંસીની સજા ફટકારાઈ હતી
• હવે સરકારે રૂ. ૮૭,૩૮૮ કરોડની બીપીસીએલ વેચવા કાઢીઃ કેન્દ્ર સરકાર દ્વારા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો સંપૂર્ણ ૫૨.૯૮ ટકા હિસ્સો વેચવા માટે બિડ મગાવ્યા છે. બીપીસીએલનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૮૭,૩૮૮ કરોડ છે અને હાલનાં બજાર ભાવે સરકારનાં હિસ્સાનું મૂલ્ય રૂ. ૪૬,૦૦૦ કરોડ થવા જાય છે.
• બિમલ જુલ્કાએ મુખ્ય માહિતી કમિશનરપદે શપથ લીધાઃ રાષ્ટ્રપતિ ભવનની તાજેતરની યાદીમાં જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે છટ્ઠીએ બિમલ જુલ્કાને મુખ્ય માહિતી કમિશનર પદના શપથ લેવડાવ્યા હતા. ૧૧મી જાન્યુઆરીએ સુધીર ભાર્ગવ નિવૃત્ત થયા પછી માહિતી પંચ મુખ્ય માહિતી કમિશનર વિના જ કાર્યરત હતું.
• દર્દીઓને પ્રતિબંધિત દવાઓ આપ્યાની કબુલાત: અમેરિકામાં વર્જિનિયાના ફેરફેક્સમાં રહેતા ભારતીય ગુરપ્રીત સિંહ બાજવા પર આરોપ હતો કે તેણે અફીણના બંધાણી સહિત છ દર્દીઓને પ્રતિબંધિત દવાઓ આપી હતી. જેનો ભારતીય ડોક્ટરે સ્વીકાર કર્યો હતો. ઓવરડોઝના કારણે અફીણના બંધાણીનું મૃત્યુ પણ થયું હતું.
• ઈરાકમાં આઈએસ સાથેની ટક્કરમાં બે અમેરિકી સૈનિકોના મોત: ઇરાકી દળોની સાથોસાથ રહીને કરાયેલી લશ્કરી કાર્યવાહી દરમિયાન ઇરાકસ્થિત ઇસ્લામિક સ્ટેટ (આઇએસ) જૂથ સાથે લડતાં બે અમેરિકી સૈનિકોના મોત થયાં છે, એમ જેહાદી વિરોધી સાથી-દળોએ નવમીએ જણાવ્યું હતું.
• નેતન્યાહૂ ઇઝરાયેલના વડા પ્રધાન રહેવા પ્રતિબદ્ધઃ એક જ વર્ષમાં ઇઝરાયેલમાં ત્રીજી વાર યોજાયેલી ચૂંટણીમાં પણ નેતન્યાહૂ પોતાના કટ્ટરપંથી સહયોગી પક્ષો સાથે બહુમતી પુરવાર કરવામાં ફરી નિષ્ફળ રહેવા જઈ રહ્યા હોવા છતાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે, તેઓ ક્યાંય જવાના નથી અને વડા પ્રધાન પદ પર ચાલુ રહેશે.
• વેનેઝુએલા રાષ્ટ્રપતિની અપીલ, સ્ત્રીઓ ૬ બાળકોને જન્મ આપેઃ વેનેઝુએલામાં તાજેતરના વર્ષોમાં આર્થિક સંકટના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ગયા છે. જેથી રાષ્ટ્રપતિ નિકોલસે દેશને મજબૂત બનાવવા માટે દેશની મહિલાઓને અપીલ કરી છે. જન્મની વિવિધ પદ્ધતિઓનો પ્રચાર કરવા માટે ટીવી પર પ્રસારિત એક કાર્યક્રમમાં નિકોલસે કહ્યું કે, દેશની મહિલાઓ ઓછામાં ઓછા ૬ બાળકોને જન્મ આપે.