• બ્રાઝિલમાં બસ-ટ્રક સાથે ટકરાઈ, ૧૧નાં સ્થળ પર મોતઃ દક્ષિણ પૂર્વ બ્રાઝિલના મિનાસ ગૈરેસ રાજ્યમાં રવિવારે મળસ્કે પીરાપોરા શહેરની પાસે સ્ટેટ હાઇવે પર રોંગ સાઇડથી આવતી એક બસ અને ટ્રક ભટકાતાં ૧૧ લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ૧૭ જણા ઈજાગ્રસ્ત થયાં છે.
• ક્રોએશિયામાં ૫.૩ની તીવ્રતાનો ભૂકંપઃ ક્રોએશિયાના ઝાગરેબમાં ૨૨મીએ ભૂકંપને કારણે ૧૫ વર્ષનાં બાળકનું મોત થયું હતું અને સંખ્યાબંધ લોકોને ઈજા પહોંચી હતી. યુરોપિન સિસ્મોલોજિકલ એજન્સી ઇએમએસઇએ જણાવ્યું હતું કે, દેશના પાટનગર ઝાગરેબમાં ૨૨મીએ સવારે ૬.૨૩ના સુમારે ૫.૩ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
• સીરિયાના સંરક્ષણ પ્રધાન અલી અબ્દુલ્લા પર પ્રતિબંધઃ અમેરિકાએ સીરિયાના યુદ્ધગ્રસ્ત ઈદલિબ પ્રાંતમાં સંઘર્ષવિરામના પ્રયત્નોમાં અડચણરૂપ બનવાના આરોપસર સીરિયાના સંરક્ષણ પ્રધાન અલી અબ્દુલ્લા અય્યુબ પર પ્રતિબંધ લાગુ કર્યો છે. અમેરિકાના વિદેશ મંત્રાલયે અય્યુબ પર તમામ પ્રકારના પ્રતિબંધોની જાહેરાત કરતી વખતે અય્યુબના કારણે ઉત્તરી સીરિયાના અશાંત એવા ઈદલિબ પ્રાંતમાં સંઘર્ષવિરામ સફળ ન બન્યાનો દાવો કર્યો હતો. અય્યુબની અમેરિકાની સંપત્તિઓ જપ્ત કરી લેવામાં આવી છે.
• આઈએસના નવા પ્રમુખનું નામ બ્લેકલિસ્ટમાંઃ અમેરિકાએ ઈસ્લામિક સ્ટેટ જૂથના નવા પ્રમુખનું નામ પોતાના આતંકવાદીઓના બ્લેક લિસ્ટમાં સામેલ કર્યું છે અને તેનું નામ આમિર મોહમ્મદ અબ્દુલ રહમાન અલ-માવલી રાખ્યું છે.
• ૪૩ સુધારા સાથેનું નાણાબિલ પસાર: કોરોના વાઇરસના પ્રકોપ વચ્ચે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નું નાણાંબિલ સોમવારે લોકસભામાં ચર્ચા વિના જ ધ્વનિમતથી પસાર થઇ ગયું. નાણા પ્રધાન નિર્મલા સીતારામને નાણાબિલ પસાર કરવા માટે ગૃહમાં રજૂ કર્યું હતું, જેમાં સરકારના ૪૩ સુઘારાને મંજૂરી પણ મળી ગઇ. જોકે વિપક્ષના સુધારા પ્રસ્તાવોને ફગાવી દેવાયા.
• નિર્ભયા કેસના ચારેય દોષિતને ફાંસીઃ દિલ્હીમાં ૧૬મી ડિસેમ્બર, ૨૦૧૨ના રોજ પેરામેડિકલની વિદ્યાર્થિની પર બળાત્કાર પછી તેને ગંભીર ઈજાઓનાં કારણે સિંગાપોરમાં દાખલ કરાઈ હતી. આ કેસમાં કુલ છ જણાની ધરપકડ કરાઈ હતી જેમાંથી એક સગીરને જુવેનાઈલ હોમમાં રાખીને પછી છોડાયો હતો અને એક રામ સિંહે જેલમાં આત્મહત્યા કરી હતી. બાકી રહેલા ચારે ફાંસીથી બચવાના અનેક રસ્તા અપનાવ્યા જે નિષ્ફળ રહેતાં અક્ષય ઠાકુર, વિનય શર્મા, પવન ગુપ્તા, મુકેશ સિંહને ૨૦મી માર્ચે ફાંસી અપાઈ હતી.
• તેજસ જેટ્સ માટે ડીલ થશેઃ સંરક્ષણ મંત્રાલયે ૧૮મી માર્ચે આશરે રૂ. ૩૮ હજાર કરોડના સંરક્ષણ સોદાઓને મંજૂરી આપી હતી. આ સોદામાં આશરે ૮૩ જેટલા તેજસ જેટ્સની ખરીદી કરાશે જેનાથી સૈન્યની તાકાત વધશે. આ ૮૩માંથી ૪૦ જેટ્સ માટે એચએએલની સાથે કરારો થયા છે. આ ખરીદીથી મેક ઇન ઇન્ડિયાને પણ પ્રોત્સાહન મળશે તેવો દાવો સરકારે કર્યો હતો કેમ કે મોટા ભાગના જેટ્સનું ઉત્પાદન ભારતમાં જ થશે.