• અમેરિકામાં ૩૨ લાખ બેકાર લોકોએ કોરોના ભથ્થાં માટે અરજીઃ કોરોનાએ ચીન પછી અમેરિકા અને યુરોપ સહિત વિશ્વમાં ભરડો લીધો છે. આ પરિસ્થિતિમાં અમેરિકાએ અર્થતંત્રને બચાવવા આર્થિક સહાયની જાહેરાત કરી છે અને મદદ મેળવવા માટે ૩૨ લાખ અરજી મળી છે. અમેરિકામાં ૩૨ લાખ લોકોએ પોતે બેકાર હોવાથી સહાય મળવી જોઈએ એવી અરજી કરી છે. અમેરિકા જેવા સક્ષમ અને જગતનું અગ્રણી અર્થતંત્ર માટે આ આંકડો ચિંતાજનક છે.
•૨૦૨૧ માટે ૬૫૦૦૦ એચ-૧બી વિઝાની કામગીરી સંપન્નઃ અમેરિકી સિટિઝન એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝે જણાવ્યું છે કે ૨૦૨૧ માટે એચ-૧બી વિઝા માટે કુલ ૬૫૦૦૦ અરજદારોને પસંદ કરવાની કામગીરી પૂરી થઈ છે. ૧ ઓક્ટોબરથી નાણાકીય વર્ષ શરૂ થશે.
• ઉત્તર કોરિયાનું પુનઃ મિસાઇલ પરીક્ષણઃ વિશ્વમાં કોરોના વાઇરસનો ભય છે ત્યારે ઉત્તર કોરિયાએ ફરી બે મિસાઇલોનું પરીક્ષણ કર્યું હોવાના ૨૯મી માર્ચે અહેવાલ જારી થયાં હતાં. ઉત્તર કોરિયાએ જે મિસાઇલોનું પરીક્ષણ કર્યું તે બેલેસ્ટિક હોવાનું કહેવાય છે. આ મિસાઇલોને તેણે પોતાના દેશની નજીકના સમુદ્રમાં છોડી હતી. કોરોનાનો કેર શરૂ થયો તે બાદ આ બીજી વખત ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઇલ છોડી છે.
• કાબુલમાં ગુરુદ્વારા પર હુમલામાં ૧ બાળક સહિત ૨૭નાં મૃત્યુ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકીઓએ ૨૫મી માર્ચે સવારે ૭.૩૦ વાગ્યે ફિદાયીન હુમલો કર્યો હતો. શીખ સમુદાયના શ્રદ્ધાળુઓ બહોળી સંખ્યામાં આ સમયે પ્રાર્થના માટે એકઠા થયા હતા. બ્લાસ્ટમાં ૧ બાળક સહિત ૨૭ શ્રદ્ધાળુઓનાં મોત થયાં છે અને ૧૮ને ઈજા થઈ છે. હુમલા પછી સુરક્ષાદળોએ ગુરુદ્વારાને ઘેરાબંધી કરીને કાર્યવાહી કરી હતી તેમાં ૪ આતંકી ઠાર મરાયા હતા. ૪૦થી વધારે શ્રદ્ધાળુઓ આ હુમલામાં ફસાયા હતા. અફઘાનમાં લગભગ ૩૦૦ શીખ પરિવાર રહે છે. તેમની સંખ્યા કાબુલ અને જલાલાબાદમાં વધુ છે. આ બે શહરોમાં ગુરુદ્વારા પણ છે.