• કાબુલમાં ગુરુદ્વારા પર હુમલો કરનાર આઈએસ આતંકી ઝડપાયોઃ અફઘાનમાં આવેલી ગુરુદ્વારા પર આઇએસ દ્વારા તાજેતરમાં કરાયેલા હુમલામાં એક બાળક સહિત ૨૭ શીખોનાં મોત થયાં હતાં. આઈએસે હુમલાની જવાબદારી લીધા પછી હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનમાં આઇએસના અફઘાની કમાન્ડર અને આ હુમલા પાછળ જવાબદાર આતંકી અસલમ ફારુકીની ધરપકડ કરાઈ છે.
• પાક.માં અપહ્યત હિન્દુ કિશોરી પર દુષ્કર્મઃ બહાવલપુરનો મુનીર અહમદ ત્યાંની જ ૧૫ વર્ષની હિન્દુ કિશોરીનું ૧૩મી માર્ચે અપહરણ કરીને ફૈસલાબાદ લઈ ગયો પછી સગીરા પર દુષ્કર્મ ગુજારી તેનું ધર્માંતરણ કરાવીને કિશોરી સાથે લગ્ન કર્યાંના અહેવાલ છે. કિશોરીની માતાને ડર છે કે મુનીર તેની બાળકી સિવાયના પાંચ બાળકો અને તેની પર પણ જુલમ ગુજારશે તેથી માતા તેના સંબંધીને ઘરે રહેવા જતી રહી છે. ખેતી કરીને ગુજરાન ચલાવતી વિધવા માતાએ કહ્યું કે, મુનીરે દીકરીને છોડવા રૂ. ૪ લાખ ખંડણી માગી હતી. માતાના ભત્રીજાએ હિન્દુ સમુદાય પાસેથી પૈસા ભેગા કર્યાં અને મુનીરને આપ્યા છતાં દીકરીને મુનીર છોડતો નથી.
• કુવૈતમાં ભારતીયોની ચિંતાઃ અખાતી દેશ કુવૈતમાં કોરોનાના આશરે ૩૧પથી વધુ કેસ નોંધાયા છે અને કેસ ધીરે ધીરે વધતા જાય છે. તેવા સંજોગોમાં કુવૈતમાં ફસાયેલા ૨૪ ભારતીયોના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. એપ્રિલ મહિનામાં અત્યાર સુધી કોરોના વાઈરસના નવા ૨૮ કેસ નોંધાયા છે. તે પૈકી તેમાંથી ૨૫ ભારતીય, બે બાંગ્લાદેશી અને ૧ નેપાલી છે. જોકે કોવિડ ૧૯નો સામનો કરવા કુવૈતના સત્તાવાળાઓએ સત્તાવાર દસ્તાવેજો વિના જ વસવાટ કરી રહેલાઓને પણ રાહત આપવાનો નિર્ણય કર્યો છે.
• ભારતીય મહિલા કેશિયરને કોરોના થતાં શાક માર્કેટ બંધઃ ભારતથી પરત ગયેલાં મહિલા કેશિયરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા દક્ષિણ આફ્રિકાની સરકારે સમગ્ર મ્યુનિસિપલ ફ્રૂટ અને શાકભાજી બજાર બંધ કરાવી દીધું હતું. નેશનલ ઇન્સ્ટીટયૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસિસીઝના આદેશને પગલે દક્ષિણ આફ્રિકાની સરકારે આ કાર્યવાહી કરી છે. જો કે સેનેટાઇસ્ડ કર્યા પછી આ બજાર ફરીથી ખોલી દેવામાં આવ્યું હતું પણ છેલ્લા કેટલાક દિવસથી ગ્રાહકો આ બજારમાં જવાનું ટાળી રહ્યાં છે.