• હવે ચીનની જેમ ભારતીય કરન્સી પણ અમેરિકી વોચલિસ્ટમાંઃ અમેરિકાએ અન્ય દેશોની સાથે ભારતને પણ કરન્સીનાં વોચલિસ્ટમાં મૂક્યો છે. અમેરિકાને શંકા છે કે ભારત કરન્સીને ખોટી રીતે મેનેજ કરીને વેપારમાં લાભ ઉઠાવી રહ્યો છે. આ લિસ્ટમાં સામેલ દેશોની કરન્સીના વિનિમયદર પર અમેરિકાનું નાણામંત્રાલય દેખરેખ રાખશે. આ લિસ્ટમાં ભારત ઉપરાંત ચીન, જર્મની, જાપાન, કોરિયા અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે.ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ ૨૩ અબજ ડોલર છે.
• યુએસમાં પાકિસ્તાની અધિકારીઓને ૪૦ કિમીમાં રહેવું પડશેઃ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના બગડતા સંબંધોને ધ્યાનમાં રાખીને અમેરિકાએ પાકિસ્તાનના વોશિંગ્ટન સ્થિત ડિપ્લોમેટ્સ ઉપર શહેર છોડવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. ૪૦ કિલોમીટરની બહાર જવું હશે તો પાકિસ્તાનના રાજદ્વારીઓએ અમેરિકાની પરવાનગી લેવી પડશે. અમેરિકાએ તાજેતરમાં એવું નિવેદન આપ્યું હતું કે, પાકિસ્તાન આતંકનો અડ્ડો છે. ત્યારથી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો તંગ બન્યા હતા.
• યુનાઈટેડ આરબ અમીરાત પણ ટ્રાન્ઝિસ્ટિંગ વિઝા આપશેઃ પ્રવાસન ઉદ્યોગને વેગ આપવા યુનાઇટેડ આરબ અમીરાત કેબિનેટે દેશમાંથી પસાર થઈ રહેલા પ્રવાસીઓને ટ્રાન્ઝિસ્ટિંગ વિઝા આપવાનો નિર્ણય લીધો છે. અમીરાતમાં ટોચનાં ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં દુબઈના બુર્જ ખલીફા, અબુધાબીના અમીરાત પેલેસ સહિતનાં સ્થાનોનો સમાવેશ થાય છે. સાત રાજવી કુળનાં રાજ્યો મળીને અમીરાત બને છે. તેમાં અબુધાબી (પાટનગર), અજમન, ફ્યુજાઇરાહ, શારજાહ, દુબઈ, રસ-અલ, ખૈમાહ અને ઉમ-અલ-કાઇવાનનો સમાવેશ થાય છે. ખાલિજ ટાઇમ્સે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં યુએઈ એરપોર્ટ સુધી પહોંચતાં ૭૦ ટકા પ્રવાસી ટ્રાન્ઝિટ પ્રવાસી હોય છે. ગયા મહિને દુબઈ એરપોર્ટ પર ટ્રાન્ઝિટ વિઝા આપવાની શરૂઆત કરી હતી.
• બાંગ્લાદેશમાં હિન્દુ મહિલાને પતિની બાજુમાં દફનાવાશેઃ બાંગ્લાદેશની સુપ્રીમકોર્ટે એક હિન્દુ મહિલાને મૃત્યુનાં ૪ વર્ષ બાદ તેના પતિની કબર પાસે દફનાવવા માટે આદેશ કર્યો છે. આ મહિલાએ ધર્મપરિવર્તન કરી ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો. તેણે ૨૦૧૩માં હુમાયુ લાજુ સાથે લગ્ન કરી હુશ્ન આરા નામ રાખ્યું હતું. પરંતુ બંને પરિવારના વિરોધને કારણે ૨૦૧૪માં હુમાયુએ આપઘાત કરી લીધો હતો. તેના બે મહિના પછી હુશ્ન આરાએ પણ જીવન ટૂંકાવી દીધું હતું. ત્યારથી તેના શબને અગ્નિદાહ આપવો કે દફનાવવો તેનો વિવાદ ચાલતો હતો અને મૃતદેહ શબગૃહમાં સાચવી રખાયો હતો.
• પાકિસ્તાનમાં લઘુમતી પર અત્યાચાર વધ્યોઃ એક સ્વતંત્ર સંસ્થા માનવ અધિકાર કમિશને જારી કરેલા પોતાના વાર્ષિક રિપોર્ટમાં તાજેતરમાં જણાવ્યું હતું કે પાક.માં હિંદુઓની મહિલાઓ પર રેપ, બળજબરીથી ધર્મપરિવર્તન કરાવવા વગેરેનું પ્રમાણ વધ્યું છે. માનવ અધિકાર કમિશને પોતાનો આ વખતનો રિપોર્ટ પાક.ના મહિલા એક્ટિવિસ્ટ આસ્મા જહાંગીરને સમર્પિત કર્યો હતો. આ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે પાકિસ્તાનમાં હિંદુઓ પર અત્યાચાર વધી રહ્યા છે. આ ઉપરાંત બિનઈસ્લામિક લોકોને પણ નિશાન બનાવાઈ રહ્યા છે. ખ્રિસ્તી, શીખ, અહમેદીસ અને હઝારાના લોકોને પણ અનેક ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી વધુ ખરાબ સ્થિતિ હિંદુઓ અને ખ્રિસ્તીઓની છે.
• દુબઈમાં બે ભારતીયોને ૫૧૭ વર્ષની જેલની સજાઃ દુબઈમાં ૨૦ કરોડ ડોલરના ફેક ઇન્વેસ્ટમેન્ટ રેકેટ દ્વારા હજારો રોકાણકારો સાથે ઠગાઈ કરવા બદલ ગોવાના આરોપીઓ સિડની લેમોસ (૩૭) અને તેના સિનિયર એકાઉન્ટ્સ સ્પેશિયાલિસ્ટ રાયન ડીસોઝા (૨૫)ને દુબઈ મિસ્ડિમીનર કોર્ટે ૫૧૭ વર્ષની જેલની સજા ફટકારી છે. સિડની લેમોસે પોતાની કંપનીના માધ્યમથી રોકાણકારને એવી લાલચ આપી હતી કે ઓછામાં ઓછું ૨૫ હજાર ડોલરના રોકાણ પર તેમને ૧૨૦ ટકા સુધીનું વાર્ષિક રિટર્ન મળશે. તેની કંપનીએ શરૂઆતમાં રોકાણકારોને સારું વળતર આપ્યું પણ ખરું પરંતુ માર્ચ, ૨૦૧૬ બાદ કંપનીએ રોકાણકારોને રિટર્ન આપવાનું બંધ કરી દીધું હતું. કંપનીની ઓફિસ પણ બંધઓ કરી દેવાઈ હતી.