સંક્ષિપ્ત સમાચાર (દેશ-વિદેશ)

Friday 29th May 2020 06:55 EDT
 

ભારત સહિત વિશ્વમાં વિવિધ ક્ષેત્રે બનેલી ઘટનાઓની આછેરી ઝલક

• ઓગસ્ટથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ?ઃ ભારતના નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે કે, સરકાર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવા પ્રયત્નશીલ છે. ઓગસ્ટ પહેલાં નોંધપાત્ર સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઇટ શરૂ કરવાનો પ્રયાસ કરાશે. હાલમાં સરકાર જોશે કે ડોમેસ્ટિક ફ્લાઇટના ઓપરેશન કેવી રીતે ચાલે છે અને કેટલાં સફળ રહે છે. તેના આધારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો નિર્ણય લેવાશે. 

• અમેરિકાએ ભારતને આતંકી સોંપ્યોઃ અમેરિકાએ અલ કાયદાના ટોચના આતંકવાદી મોહમ્મદ ઇબ્રાહિમ ઝુબૈરને ભારતને હવાલે કર્યો છે. તેને ૧૯ મેના રોજ ભારત લાવવામાં આવ્યો છે અને પંજાબના અમૃતસર સ્થિત એક ક્વોરેન્ટાઇન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે. હૈદરાબાદનો નિવાસી ઝુબૈર અલ કાયદામાં નાણાકીય ફન્ડિંગનું કામ જોતો હતો. તેને અમેરિકાની કોર્ટે આતંકવાદી ઘટનાઓમાં દોષી ઠેરવ્યો હતો.
• પહેલી જૂનથી ટ્રેન દોડશેઃ ભારતીય રેલવેએ પહેલી જૂનથી ૨૦૦ ટ્રેન દોડાવવા નિર્ણય કર્યો છે. રેલવે બોર્ડના ચેરમેને જણાવ્યું હતું કે, કેટલાક પ્રવાસીઓ ટ્રેન ઊપડવાના થોડા સમય પહેલાં જ ટિકિટ કેન્સલ કરાવે છે. તેથી હવે રેલવેએ પહેલી જૂનથી શરૂ થનારી ૨૦૦ સ્પેશિયલ ટ્રેન માટે વેઇટિંગ લિસ્ટને પરવાનગી આપી છે.
• મહારાષ્ટ્રમાં સાધુની હત્યાઃ પાલઘર ખાતે બે સાધુની હિચકારી હત્યાનો વિવાદ હજી શમ્યો નથી ત્યાં મહારાષ્ટ્રનાં નાંદેડનાં ઉમરી તાલુકાનાં નાગઠાણા ખાતે આવેલા આશ્રમમાં લિંગાયત સમાજના સાધુની હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. હત્યાનો આરોપ લિંગાયત સમાજના એક શખ્સ પર જ મૂકાયો છે. શનિવારે રાત્રે શિવાચાર્ય રૂદ્ર પશુપતિ મહારાજ નામનાં સાધુની તીક્ષ્ણ હથિયારથી ગળું કાપીને ક્રૂર હત્યા કરવામાં આવી હતી. સાધુ પશુપતિ મહારાજ ઉપરાંત અન્ય એક વ્યક્તિનો મૃતદેહ આશ્રમથી થોડે દૂર મળી આવતા રહસ્ય ઘેરાયું હતું. બીજા મૃતકનું નામ ભગવાન રામ શિંદે હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે હત્યારા સાઈનાથને તેલંગણથી પકડી લીધો છે.
• પાક. સેના પ્રમુખે નિષ્ફળતા કબૂલીઃ પાકિસ્તાનનાં આર્મી પ્રમુખ કમર જાવેદ બાજવાએ ઈદનાં તહેવાર પર્વે એલઓસી સ્થિત પૂના સેક્ટરની મુલાકાત લીધી. તેમણે કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા કહ્યું કે પાકિસ્તાન કશ્મીરને એક વૈશ્વિક મુદ્દો બનાવવામાં અસફળ રહ્યું છે. જ્યારે ભારત વિશ્વને પોતાની વાત રજૂ કરવામાં સફળ રહ્યું છે. જેથી વૈશ્વિક સમુદાયનું ધ્યાન કાશ્મીરમાં માનવઅધિકારનાં ઉલ્લંઘન અને હિંસાથી દૂર થયું છે. કાશ્મીર એક વિવાદિત ક્ષેત્ર છે અને જો કોઈએ રાજનીતિક અને સૈન્ય રૂપે પડકાર આપ્યો તો તેમને જવાબ અપાશે.
• સિક્કીમને પડોશી દેશ દર્શાવાતા હોબાળો: દિલ્હી સરકાર દ્વારા અપાયેલી ભરતીની એક જાહેરાતમાં સિક્કીમને પડોશી દેશ દર્શાવાતા હોબાળો મચી ગયો હતો. સિક્કીમ સરકારે તેના સામે સખત વાંધો ઉઠાવીને જાહેરાત પાછી ખેંચવા માગ કરી હતી. આ પછી દિલ્હી સરકારે જાહેરાત પાછી ખેંચીને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કરી દીધો છે. દિલ્હી સરકાર તરફથી સિવિલ ડિફેન્સ કોરમાં કાર્યકર્તાઓની ભરતી માટે જાહેરાત અપાઇ હતી.

• નોર્થ કોરિયા અણુ શસ્ત્રોમાં ઉમેરો કરવા તત્પરઃ નોર્થ કોરિયાની સરકારની મીડિયા એજન્સીના અહેવાલો અનુસાર સરમુખત્યાર કિમ જોંગ ઉને એક મિલીટરી મીટિંગ યોજી હતી. જેમાં સૈન્યના ઉચ્ચ અધિકારીઓ સાથે પરમાણુઓ હથિયારોમાં વધારો કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સરહદ પર સૈન્યને હાઇ એલર્ટ પર રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ચીન સાથે તંગદિલી વધતા અમેરિકા ૨૮ વર્ષ બાદ અણુ પરીક્ષણ કરવાની તૈયારીઓ કરી રહ્યું હોવાની ચર્ચા અત્યારે વિશ્વભરમાં ચાલી રહી છે. આ સમયે કિમ જોંગ ઉને પણ જાહેરમાં આવીને પરમાણુ હથિયારો મુદ્દે નિર્ણયો લીધા છે. ઉલ્લેખનીય છે કે સ્વાસ્થય અંગેની ચર્ચાઓ વચ્ચે  છેલ્લાં વીસ દિવસમાં કિમ જોંગ ઉન બીજી વાર જાહેરમાં દેખાયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter