સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Monday 29th June 2020 17:51 EDT
 

• અશ્વેત નર્સનાં મોતના વિરોધમાં દેખાવઃ મેરિકાના લૂઇસવિલેમાં ૨૭મીએ અશ્વેત આફ્રિકન નર્સ બ્રિયોના ટેલર (ઉં ૨૬)ના મોત મુદ્દે પોલીસે દેખાવકારો પર ૧૨ રાઉન્ડ ગોળીબાર કરતાં ૧નું મોત થયું અને ૧ને ઇજા થઇ હતી. ૧૩ માર્ચ, ૨૦૨૦એ લુઇસવિલેમાં પોલીસે ડ્રગ્સની દાણચોરીના આરોપસર બ્રિયોનાના ઘરે દરોડા પાડયા ત્યારે બ્રિયોનાના બોયફ્રેન્ડે પોલીસ પર ફાયરિંગ કર્યું. બચાવમાં પોલીસના ગોળીબારમાં બ્રિયોનાને ૮ ગોળી વાગી હતી. પોલીસને બ્રિયોનાના ઘરમાંથી કોઇ માદક દ્રવ્યો મળ્યાં નહોતા.
• સુલેમાનીનાં મોત બદલ ટ્રમ્પ સામે વોરંટ: ઈરાને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં નામે સોમવારે અરેસ્ટ વોરંટ જાહેર કરીને ઈન્ટરપોલ પાસે મદદ પણ માગી છે. ટ્રમ્પ પર આરોપ મૂક્યો છે કે કેટલાક સાથે મળીને બગદાદમાં ડ્રોન સ્ટ્રાઇક કરી તેમાં ઇરાનનાં જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે તહેરાનમાં ૨૭મીએ પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં એક વિસ્ફોટ થયો હતો વિશ્લેષકો માને છે કે ઈરાને અહીં પરમાણુ પરીક્ષણ કર્યું હોઈ શકે.
• ઈમરાન સરકાર ખતરામાંઃ રાજકીય પક્ષ તહેરિકે ઈન્સાફમાં જ વિખવાદ શરૂ થયો છે. પક્ષમાં જ ઈમરાન ખાનનો વિરોધ વધતો જાય છે. એ જ રીતે પાકિસ્તાન સરકારમાં પણ અસંતોષ સર્જાય છે. સિનિય પ્રધાનો જ સરકારની સામે નિવેદનો આપતા થયા છે. બીજી તરફ આર્મીના મહત્ત્વના લશ્કરી અધિકારીઓ એક પછી એક સરકારના મહત્ત્વના વિભાગોમાં પ્રભાવ વધારતા જાય છે.
• આતંકી સાજિદ મીરને ISIનું રક્ષણઃ પાકિસ્તાન ભારત પરના હુમલાખોરોને મદદ કરે છે તેવો આક્ષેપ અમેરિકન સ્ટેટ વિભાગે કર્યા પછી પાકિસ્તાન લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને મળતું ફન્ડિંગ અટકાવવામાં નિષ્ફળ ગયું હોવાનું જણાવીને એફએટીએફે પાકિસ્તાનને તેના ગ્રે લિસ્ટમાં જ મૂક્યું છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને આ અહેવાલનો ફગાવ્યાં છતાં મીડિયા રિપોર્ટ્સ મુજબ પુલવામા હુમલાના કાવતરાખોર મસૂદ અઝહર અને મુંબઈમાં ૨૬-૧૧ના હુમલાના ભેજાંબાજ સાજિદ મીરને પાકિસ્તાનમાં આઈએસઆઈનું રક્ષણ હોવાના અહેવાલ છે.
• ગિલગિટ, બાલ્ટિસ્તાનમાં ચૂંટણી: ભારતના બે ભાગ ગિલગિટ અને બાલ્ટિસ્તાનમાં ઓગસ્ટ મહિનાની ૧૮મી તારીખે વિધાનસભા ચૂંટણી યોજવાની પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં છૂટ આપી હતી. જોકે ભારતે આ ચૂંટણી યોજવાના પાકિસ્તાન સરકારના નિર્ણયનો આક્રમક રીતે વિરોધ કર્યો હતો. ભારતે કહ્યું કે, જે વિસ્તારોમાં ચૂંટણી યોજાઈ રહી છે તે ગેરકાયદે અને બળજબરીથી પચાવી પાડવામાં આવેલો પ્રાંત છે જેના પર સંપૂર્ણપણે ભારતનો અધિકાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter