• રશિયામાં પ્રમુખ પુતિન સામે દેખાવોઃ રશિયાના દક્ષિણપૂર્વ શહેર ખબરોવ્સ્કમાં હજારો લોકો ૨૬મી જુલાઈએ રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. ચીનની સરહદ નજીક આવેલા આ શહેરના ગવર્નરની હત્યાના આરોપમાં ધરપકડ કરીને જેલમાં ધકેલાતાં લોકો બે સપ્તાહથી વિરોધ દેખાવો કરી રહ્યા છે. શહેરના ગવર્નર સર્જેઇ ફુલગલને ૯ જુલાઈના રોજ મોસ્કોની જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને રશિયાના પ્રમુખ પુતિને તેમના સ્થાને નવા ગવર્નરની વરણ પણ કરી છે. જોકે લોકોનું કહેવું છે કે સર્જેઇ વિરુદ્ધ કોઈ આધાર પુરાવા વિના આરોપ લગાવાયા છે. દેખાવકારો માગ કરી રહ્યા છે કે સર્જેઇને ખબરોવ્સ્ક લાવીને સુનાવણી હાથ ધરાવી જોઈએ.
• એક્ટ્રેસ ઓલિવિયા હેવિલેન્ડનું નિધનઃ ‘ગોન વિથ ધ વિન્ડ’ સહિતની અનેક ફિલ્મોમાં કામ કરી ચૂકેલા હોલિવૂડનાં હિરોઈન ઓલિવિયા દ હેવિલેન્ડનું ૨૭મી જુલાઈએ ૧૦૪ વર્ષની વયે નિધન થયું હતું. ૧૯૩૫થી લઈને ૨૦૦૯ સુધીમાં તેમણે ૪૯ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. પેરિસમાં તેમના નિવાસસ્થાને જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું મોત કોઈપણ પ્રકારની બીમારી વગર કુદરતી રીતે જ થયું હતું.
• પાકિસ્તાનનો ગિલગિટમાં યુદ્વાભ્યાસઃ પૂર્વ લદ્દાખમાં એલએસી નજીક ભારત-ચીનના સૌનિકોની ખેંચતાણ વચ્ચે પાકિસ્તાની એરફોર્સ તેના કબજા હેઠળના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં યુદ્વાભ્યાસ શરૂ કર્યાંના અહેવાલ ૨૫મી જુલાઈએ હતા. આ યુદ્વાભ્યાસ સ્કર્દુ ક્ષેત્રમાં કાદરી એરફોર્સ બેઝ પર શરૂ કરાયો હતો. અહીં યુદ્વાવિમાન જએફ-૧૭ પણ તહેનાત કરાયા છે. આ વિસ્તાર લદ્દાખ સાથે જોડાયેલો છે. તેને ભારત વિરુદ્વ યુદ્વની તૈયારી મનાય છે.
• નેપાળમાં ચિફ જસ્ટિસ વિરુદ્ધ દેખાવઃ નેપાળમાં વર્ષ ૨૦૧૨માં પત્ની ગીતાની હત્યાના દોષિત ડીઆઇજીને નીચલી અદાલતે આજીવન કેદની સજા સંભળાવી હતી અને વડી અદાલતે પણ તે સજા યથાવત્ રાખી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ચોલેન્દ્ર શમશેર રાણાએ દોષિત ડીઆઇજીની બાકી સજાને માફ કરતાં તેમને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યા હતા. કહેવાય છે કે ડીઆઇજી રંજન કોઇરાલા મુખ્ય ન્યાયમૂર્તિના મિત્ર છે.
• રશિયાનું નવું હથિયારઃ રશિયાએ અવકાશમાં ઉપગ્રહ તોડી પાડી શકાય એ માટે નવા પ્રકારના હિથયારનું પરીક્ષણ ૨૪મી જુલાઈએ કર્યું હતું. અમેરિકા-બ્રિટને આક્ષેપ મૂક્યો છે કે રશિયાએ પોતાના જ ઉપગ્રહ વડે બીજો પોતાનો ઉપગ્રહ તોડી પાડીને નવા હિથયારનું પરીક્ષણ કર્યું છે. અમેરિકા-બ્રિટને રશિયાના આ પગલાંની ટીકા કરી તેને અવકાશી શાંતિમાં ખલેલ પહોંચાડનારું ગણાવ્યું હતું.
• સાઉદીની સરકારી સંપત્તિ વેચવા વિચારણાઃ સાઉદી અરબ પોતાના અર્થતંત્ર માટે કાચા તેલ પર નિર્ભર રહ્યો છે. હાલમાં ક્રૂડ તેલના ભાવો ગગડતાં સાઉદી અર્થવ્યવસ્થા પણ હાલકડોલક બની રહ્યો છે. સાઉદી અરબ વીતેલા ૩૦ વર્ષના સૌથી મોટા આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. આર્થિક સંકટનો સામનો કરવા સાઉદી અરબે હવે સરકારી અસ્કયામતો વેચવા નિર્ણય લીધો છે.