સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 18th August 2020 17:15 EDT
 

• પાક.ના પૂર્વ પ્રમુખ ઝરદારી લાંચકેસમાં દોષીઃ પોતાની કંપનીઓને લોન આપવા માટે સત્તાવાળાઓ પર પોતાની વગનો ઉપયોગ કરવાના આરોપસર પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફઅલી ઝરદારીને પાકિસ્તાનની એક ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે ૧૧મી ઓગસ્ટે દોષિત ઠેરવ્યા હતા. માંદગીના કારણે ઝરદારી કોર્ટમાં હાજર રહી ન શકતા વીડિયો લિંકથી કેસ ચલાવી તેમને દોષિત ઠેરવાયા હતા. પાકિસ્તાન કોર્ટના ઈતિહાસમાં પહેલી જ વાર આ રીતે આરોપીને દોષિત ઠેરવાયો હતો.
• સ્માર્ટ ફોન બનાવતી ૨૪ કંપનીની પસંદ ભારત: સમાચાર સંસ્થા બ્લૂમબર્ગના અહેવાલ પ્રમાણે સ્માર્ટફોન બનાવતી ૨૪ એવી કંપનીઓ છે જે ચીનમાં મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કરે છે, પણ ચીની વલણથી ત્રાસીને હવે ભારતમાં આવવા તૈયાર છે. આ કંપનીઓ હાલ ભારત સરકાર સાથે વાટાઘાટો કરી રહી છે. આ કંપનીઓ આવશે તો ૧૧૨ અબજ રૂપિયાથી વધારેનું રોકાણ થઈ શકે છે. ભારત સરકારે થોડા સમય પહેલા જ ભારતમાં ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ ઉત્પાદનનો પર વિશેષ લાભ અને છૂટછાટની જાહેરાત કરી હતી. પરિણામે એપલ જેવી જાયન્ટ કંપનીઓ સહિતના કોર્પોરેટ્સ ભારતમાં આવવા રાજી થયા છે.
• માનવરહિત ગગનયાનનું લોન્ચિંગ અટક્યું: કોરોના વાઈરસને કારણે ભારતનું માનવરહિત અવકાશયાન ‘ગગનયાન’નું લોચિંગ ડિસેમ્બર, ૨૦૨૦માં શક્ય નહીં બને. ડિસેમ્બર ૨૦૨૧માં ગગનયાન યોજના હેઠળ ભારતના પ્રથમ માનવરહિત અવકાશયાનને છોડવાનું આયોજન આ વર્ષના અંતે કરાયું હતું, પરંતુ તેની પહેલાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ઈસરો દ્વારા છોડાનારા બે યાનનો આ એક ભાગ હતો. જે પ્રોજેક્ટ હાલમાં મોકૂફ રખાયો છે.
• રાજ્યસભા-લોકસભા સાથે નહીં ચાલે: કોરોના વાઇરસના પગલે સંસદનું આ વખતનું ચોમાસુ સત્ર નહીં ચાલે. ૧૯૫૨ બાદ ૬૮ વર્ષના સંસદીય ઇતિહાસમાં પહેલી વાર રાજ્યસભા અને લોકસભા ગૃહ જુદા-જુદા સમયે ચાલશે. સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઇ શકે તે માટે રાજ્યસભાના સાંસદો લોકસભામાં અને દીર્ઘાઓમાં પણ બેસશે. લોકસભા માટે પણ આ જ વ્યવસ્થા અપનાવાશે. તે માટે સંસદમાં હાલ જોરશોરથી કામ ચાલે છે.
• છૂટાછેડાનો સમાન નિયમ રાખવા સુપ્રીમમાં માગ: દેશમાં છુટાછેડા માટે વિવિધ ધર્મના લોકોના કાયદા પણ અલગ અલગ છે, જોકે હવે ભાજપના નેતા અને વકીલ અશ્વિની કુમાર ઉપાધ્યાયે સુપ્રીમ કોર્ટમાં એક પીઆઈએલથી માગ કરી છે કે ભારતમાં છુટાછેડા માટે દરેક માટે એક સમાન નિયમ લાગુ પડવો જોઇએ. પીઆઇએલમાં માગ કરાઇ છે કે આંતરરાષ્ટ્રીય સમજૂતીને ધ્યાનમાં રાખીને દેશના દરેક નાગરિકો માટે ડિવોર્સ માટેનો સમાન આધાર એટલે કે યુનિફોર્મ ગ્રાઉન્ડ્સ ઓફ ડિવોર્સ છે તે લાગુ કરી દેવો જોઇએ.
• યુવતીઓની લગ્નની ઉંમર ૨૧ કરવા વિચારણા: ભારતમાં યુવતીઓની લગ્નની લઘુત્તમ વયમાં ફેરફાર કરવા અંગે કેન્દ્ર સરકાર વિચારણામાં છે. સરકારે યુવતીઓનાં લગ્ન માટે લઘુત્તમ વય ૧૮થી વધારીને ૨૧ કરવા અંગે એક સમિતિની રચના કરી છે. આ સમિતિનો રિપોર્ટ આવ્યા પછી આ સંદર્ભમાં નિર્ણયની જાહેરાત કરાશે તેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૬મીએ એક નિવેદનમાં સંકેત આપ્યા હતા.
• ચીની દલાઈ લામાની જાસૂસી કરાવતો: સીબીડીટી અને અન્ય કેન્દ્રીય એજન્સીઓ દ્વારા ૧૦૦૦ કરોડના હવાલા કૌભાંડમાં ૧૧ ઓગસ્ટે મોડી રાત્રે દિલ્હીમાંથી ચીની નાગરિક ચાર્લી પેંગની ધરપકડ કરાઈ હતી. તેણે આ ઉપરાંત તિબેટીયનોનું પણ એક જૂથ ઊભું કર્યું હતું અને તેમને લાંચ આપીને જાસૂસી કરાવવાનું કામ કરતો હતો. તે દિલ્હીના મજનૂ કા ટીલા વિસ્તારમાં રહેતા કેટલાક તિબેટિયનો અને લામાઓને પેકેટમાં પૈસા પહોંચાડતો અને તેના બદલામાં દલાઈ લામા તથા તેમના અનુયાયીઓની જાસૂસી કરાવતો હતો.
• જયપુરમાં ૧૦ કલાકમાં ૧૦.૭ ઇંચ વરસાદ: આસામ, બિહાર, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર પછી રાજસ્થાનના જયપુરમાં પણ વરસાદે માઝા મૂકી હતી. ૧૪મી ઓગસ્ટે રાજસ્થાનના જયપુરમાં ૧૦ કલાકમાં ૧૦.૭ ઇંચ વરસાદ ખાબક્યો હતો. અતિ વરસાદથી જયપુરમાં ૪ લોકોનાં મોત થયાં હતાં. હજારો લોકો અસરગ્રસ્ત થયાં હતાં. વૃક્ષો ધરાશાયી થયાં હતાં અને મકાનો ધસી પડ્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter