• આમિરખાન તુર્કીના પ્રમુખની પત્નીને મળતાં વિવાદઃ ભારતીય ફિલ્મ અભિનેતા આમિર ખાને તુર્કીના રાષ્ટ્રપ્રમુખનાં પત્ની એમિન એર્દોગન સાથે તાજેતરમાં મુલાકાત કરી હતી. એમિને આમિર સાથેનો ફોટો ટ્વિટ કર્યા પછી સોશિયલ મીડિયા પર આમિર બહુ ટ્રોલ થયો હતો. ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવાઈ તેના વિરોધ સહિત તુર્કી ખુલ્લેઆમ પાકિસ્તાનના ભારતવિરોધી પગલાંનું સમર્થન પણ કરે છે.
• પંડિત જસરાજનું નિધનઃ શાસ્ત્રીય સંગીતકાર - ગાયક પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મશ્રી પંડિત જસરાજનું સોમવારે અમેરિકામાં ન્યૂ જર્સીમાં નિધન થયું હતું. મેવાતી ઘરાનાના ૯૦ વર્ષીય પંડિત જસરાજના પરિવારજનોએ જણાવ્યું કે, હૃદયરોગના હુમલાને લીધે પંડિતજીએ વહેલી સવારે ૫.૧૫ કલાકે અંતિમ શ્વાસ લીધા હતા. પંડિતજી ઘણા સમયથી પરિવાર સાથે અમેરિકામાં જ રહેતા હતા.
• કાશ્મીરમાં આતંકી હુમલામાં ૩ જવાન શહીદ, બે આતંકી ઠારઃ
જમ્મુ કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ક્રિર વિસ્તારમાં એક નાકા પર તૈનાત ભારતીય જવાનો પર આતંકીઓએ ૧૭મીએ આંધળો ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના બે જવાન અને એક પોલીસકર્મી શહીદ થયાં હતાં. જવાનોએ પણ વળતો જવાબ આપતાં બે આતંકીઓ ઠાર મરાયા હતા.
• ભારતની પ્રથમ ‘આત્મનિર્ભર’ મિસાઇલ તૈયારઃ સંરક્ષણ ઉત્પાદન મામલે ભારતની ખાનગી ક્ષેત્રની પ્રથમ મિસાઈલ હૈદરાબાદની વીઈએમ ટેક્નોલોજીએ તૈયાર કરી છે. ૧૮ કિલોની આ મિસાઈલનું સરળતાથી વહન થઈ શકે છે. તેના વજનમાં ૬ કિલોનું લોન્ચ યુનિટ છે. આ મિસાઈલ થર્મોગ્રાફિક કેમેરાથી સજ્જ છે. તેનું ઈન્ફ્રારેડ સીકર કોઈ પણ એક્સપ્લોઝિવ રિએક્ટર આર્મર પ્રૂફ વાહનને પણ નષ્ટ કરી શકે છે. તેની રેન્જ ૨.૫ કિમીની છે.
• પાકિસ્તાન ચીન પાસેથી શસ્ત્રો ખરીદશેઃ ભારત સાથે તણાવ વચ્ચે પાકિસ્તાને હવે નવું ષડયંત્ર રચ્યું છે. જમ્મુ - કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂષણખોરી માટે પાકિસ્તાન હવે ચીન પાસેથી શસ્ત્રસામગ્રી અને હથિયારની ખરીદી કરી રહ્યો છે જેથી ભારતીય સુરક્ષાદળોને નિશાન બનાવી શકાય.
• ઇમરાને પાક.ના સ્વતંત્રતા દિને કાશ્મીર રાગ આલાપ્યોઃ પાકિસ્તાનના સ્વતંત્ર દિને - ૧૪મીએ વડા પ્રધાન ઇમરાન ખાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો હતો. ઇમરાને ૧૪મીએ એક નહીં અનેક ટ્વિટ કરીને કહ્યું હતું કે, પાકિસ્તાનના લોકોને આઝાદી મુબારક, કાશ્મીરના લોકોની સાથે પાકિસ્તાન હંમેશા ઉભું છું અને તેને દરેક પ્રકારની મદદ પણ કરવા માટે કટિબદ્ધ છે. ઇમરાન ખાને કાશ્મીરીઓને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો.
• બેલારુસમાં સત્તા વિરુદ્ધ પ્રદર્શનઃ બેલારુસમાં ચૂંટણીમાં વિજયી રાષ્ટ્રપતિ એલેકઝેન્ડર લુકાશેંકો સામે રાજધાની મિંસ્કમાં રવિવારે ઉગ્ર વિરોધ થયો હતો. લગભગ ૨ લાખ લોકોએ રસ્તા પર આવી લુકાશેંકોના રાજીનામાની માગ કરી હતી. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે લુકાશેંકોએ ચૂંટણીમાં ગડબડી કરીને સત્તા હાંસલ કરી છે. બેલારુસમાં હજારો દેખાવકારોને જેલમાં ધકેલાયા છે.
• ગુજરાત કેડરના રાકેશ અસ્થાના BSFના ડીજી બન્યાઃ ગુજરાત કેડરના ૧૯૮૪ની બેચના આઈપીએસ વિવાદાસ્પદ આઈપીએસ અધિકારી રાકેશ અસ્થાનાની બીએસએફના ડીજી નિમાયા છે.