• વિઝા ફ્રોડમાં ભારતીય અમેરિકનને એક વર્ષની કેદઃ વિઝા છેતરપિંડી કેસમાં ભારતીય અમેરિકન રમેશ વેંકટ પોથુરુ (ઉં. ૪૪)ને ન્યૂ યોર્કની કોર્ટે એક વર્ષની કેદ ૨૮મી એપ્રિલે ફટકારી છે. રમેશ પર આરોપ હતો કે, ભારતના કામદારો માટે એચ-૧ બી વિઝા અને ગ્રીન વિઝા કાર્ડ માટે ગેરકાયદે ફાઈલિંગ ફી તરીકે તેણે ૩ કરોડ રૂપિયાથી વધુની વસૂલાત કરી હતી.
• ગુજરાતી અમેરિકનનો વીમા કંપનીઓને લાખો ડોલરનો ચૂનોઃ શિકાગો શહેર નજીકના પરામાં વસેલા ગુજરાતી ડો. પ્રણવ પટેલ પર દર્દીઓની બનાવટી સારવાર દર્શાવીને ખાનગી વીમા કંપની પાસેથી ૧૦ લાખ ડોલર પડાવી લેવાના આરોપો મુકાયા હતા. પાલોસ મેડિકલ કેરનું સંચાલન કરતા પ્રણવ પટેલ પર તપાસ એજન્સીઓ દ્વારા મુકાયેલા આરોપોમાંથી ૧૨ આરોપ સાબિત થયા હતા. પ્રણવ પટેલે વીમા કંપનીમાં દર્દીઓના મેડિકલ ટેસ્ટ અને નિદાન કરવાના ખોટા દાવા રજૂ કર્યા હતા. પ્રણવ પટેલે દર્દીઓની કોઈ સારવાર જ કર્યા વિના મેડિકલ દાવાના નાણાં વીમા કંપની પાસેથી મેળવ્યા હતા.
• કેન્યામાં પૂર આવતાં ૨૦નાં મોતઃ કેન્યાના અનેક શહેરોમાં પૂરને કારણે સ્થિતિ વિકટ બની ગઈ છે. ૨.૧ લાખ લોકો વિસ્થાપિત થયા છે અને સુરક્ષિત સ્થળે ખસી જવા મજબૂર થયા છે. રેડક્રોસ સોસાયટીએ રાહતદળ સાથે પીડિતોની મદદ માટે તેના કાર્યકર્તા પણ મોકલ્યા છે. જોકે સતત વરસાદને કારણે રાહતકાર્યમાં મુશ્કેલી નડી રહી છે. હજુ સુધી ૨૦ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે.
• ગુજરાતી યુવાન પર અઢી લાખ ડોલરના ફ્રોડનો આરોપઃ ન્યૂ જર્સીમાં રહેતા ગુજરાતી યુવાન નિકેત શાહ પર એક પોન્ઝી સ્કીમ મારફત ૨,૫૦,૦૦૦ ડોલરથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. બ્રૂકલીનની ફેડરલ કોર્ટમાં થયેલી ફરિયાદ મુજબ, નિકેત શાહે સ્પાર્ક ટ્રેડિંગ ગ્રૂપને નફાકારક કંપની ગણાવીને રોકાણકારોને હજારો ડોલરના રોકાણ માટે લલચાવ્યા હતા. તેણે સ્પાર્ક ટ્રેડિંગના નાણાકીય સ્ટેટમેન્ટ સાથે ચેડાં પણ કર્યા હતા.
• ભારતે બાંગ્લાદેશને યુદ્ધનાં સ્મૃતિ અવશેષો આપ્યાંઃ ભારતે બાંગ્લાદેશને એમ-૧૪ હેલિકોપ્ટર અને બે પીટી-૭૬ ટેન્ક સોંપી છે. ૧૯૭૧ના યુદ્ધોની સ્મૃતિ સાથે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે
ગત વર્ષે બાંગ્લાદેશની મુલાકાત વખતે આ નિર્ણય લીધો હતો. આ ભેટ બાંગ્લાદેશ સેના અને વાયુ સેનાના સંગ્રહાલયોમાં પ્રદર્શિત કરાશે.
• પ. બંગાળની પંચાયતી ચૂંટણીમાં તૃણમૂલની જીત: પશ્ચિમ બંગાળમાં પંચાયત ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસે ૨૭ ટકા જેટલી બેઠકો બિનહરીફ જીતીને વિક્રમ સર્જ્યો છે. અગાઉ ૨૦૦૩માં ડાબેરી મોરચાનો ૧૧ ટકા બેઠકો પર બિનહરીફ જીતનો રેકોર્ડ હતો. જોકે વિરોધપક્ષનો આક્ષેપ છે કે તૃણમૂલે હિંસક માર્ગે વિરોધપક્ષના ઉમેદવારોને ઉમેદવારીપત્રો ભરતાં અટકાવીને જીત મેળવી છે.
• ભારતની ૩૫ પેદાશની વિદેશ નિકાસના કરારઃ ભારતે અમેરિકા, કેનેડા, આફ્રિકા સહિતના આઠ દેશો સાથે ખેતીના પાકોના નિકાસ માટે કરારો કર્યા છે. સરકારે કહ્યું કે, ભારતની ૩૫ ખેતપેદાશોને ડઝનથી વધુ દેશોમાં માર્કેટ મળે તેના પ્રયાસ ચાલે છે.