સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 08th September 2020 16:32 EDT
 

સાંડેસરાની ઓઇલ એસેટ્સ જપ્ત કરવા કેસ: ભારતની બેન્કોને રૂ. ૧૫૬૦૦ કરોડનો ચૂનો લગાડીને વિદેશ ભાગી ગયેલા સાંડેસરા કુટુંબ અને સાંડેસરા ગ્રૂપની નાઇજિરિયામાં આવેલી ઓઇલ એસેટ્સ જપ્ત કરવા બેન્કોએ કેસ કરવાનું અને કાનૂની કાર્યવાહી હાથ ધરવાનું નક્કી કર્યું છે. બેન્કો દ્વારા આ માટે લિગલ કાઉન્સેલની નિયુક્તિ કરવામાં આવી છે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાનાં વડપણ હેઠળની બેન્કોની સિન્ડિકેટ દ્વારા સાંડેસરા ગ્રૂપની નાઇજિરિયામાં આવેલી ઓઇલ મિલકતો ટાંચમાં લેવા કોર્ટ રિસિવર નીમવામાં આવશે. જે સાંડેસરા ગ્રૂપની નાઇજિરિયા ખાતેની ઓઇલ એક્સપ્લોરેશન કંપની Seepcoની મિલકતો જપ્ત કરશે.
ભારતીયો વિશે નિક્સનની વાંધાજનક ટિપ્પણીઃ વિશ્વના ઈતિહાસમાં સૌથી વધુ ચર્ચિત કૌભાંડમાંથી એક વોટરગેટ સ્કેન્ડલ બાદ પ્રમુખપદેથી હાંકી કઢાયેલા રિચાર્ડ નેક્સનની જૂની ટેપ મળી છે તે ચર્ચામાં છે. તેમણે આ ટેપમાં કહ્યું છે કે, ભારતીયો ગટરના કીડા છે. ભારતીય મહિલાઓ સૌથી કદરૂપી અને સેક્સલેસ હોય છે. ખબર નહીં તેમને બાળકો કેમના થાય છે? આ એ જ રિચાર્ડ છે કે જેમણે ભારતને ડરાવવા માટે ૧૯૭૧માં બંગાળના અખાતમાં પોતાના જહાજ મોકલ્યા હતા.
જ્યોર્જિયાના એસજીવીપી મંદિરમાં શ્રીજીને ભોગઃ અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા એસજીવીપી સ્વામીનારાયણ મંદિરમાં ગણેશજીને ૧૧૧૧૧ લાડુનો ભોગ તાજેતરમાં ધરાવાયો હતો. મંદિરના સંત કનુ ભગતના જણાવ્યા અનુસાર, અમેરિકામાં આવેલું મંદિર સનાતન હિન્દુ ધર્મનું છે. જ્યોર્જિયા સ્ટેટના સવાના સિટીમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી અને વેદાંતસ્વરૂપદાસજી સ્વામી અને કૃષ્ણજીવનદાસજી સ્વામીની આગેવાની હેઠળ સંતોની ઉપસ્થિતિમાં ૧૦ દિવસ સુધી ગણપતિ ઉત્સવ ઊજવવામાં આવ્યો હતો. હજારો ગણેશ ભક્તોએ આ દર્શનનો ઓનલાઇન લહાવો લીધો હતો.
તિબેટ-નેપાળ વચ્ચે ચીન રેલવે લાઈન નાંખશે: ભારત – ચીન વચ્ચે તકરારની સ્થિતિ વચ્ચે ચીન નેપાળની મદદથી ભારતની મુશ્કેલી વધારી શકે છે. અહેવાલો છે કે ચીન નેપાળમાં એક મોટી રેલવે લાઇન નાંખી રહ્યું છે જે ભારતની સરહદ પાસેથી પસાર થઇ શકે છે. જેને પગલે તિબેટ બાદ હવે નેપાળ સરહદે પણ ચીનની ચહલપહલ વધી જશે.
બાંગ્લાદેશની મસ્જિદનાં છ એસીમાં વિસ્ફોટઃ બાંગ્લાદેશની રાજધાની ઢાકાની પાસે નારાયણગંજ રિવર પોર્ટ ટાઉનમાં આવેલી બૈતુલ સલાત મસ્જિદમાં ચોથીએ રાતે ૯ વાગ્યે ગેસ લીકથી ૬ એસીમાં વિસ્ફોટ થયા હતા. આ ઘટનામાં એક બાળક સહિત ૧૭ નમાઝીઓનાં મોત થયાં છે અને આશરે ૨૫ લોકો ઘાયલ થયા છે તેમ ફાયર અધિકારીઓએ જણાવ્યું હતું.
જાધવ માટે વકીલની નિમણૂકની તકઃ ઈસ્લામાબાદ હાઈ કોર્ટે પાકિસ્તાન સરકારને નિર્દેશ આપ્યા છે કે તે પાકિસ્તાનમાં કેદ અને મૃત્યુદંડની સજા પામેલા ૫૦ વર્ષીય ભારતીય નેવીના નિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ માટે વકીલની નિમણૂક કરવા ભારત સરકારને વધુ એક તક આપે. જાસૂસી અને આતંકના આરોપમાં પાકિસ્તાનની સૈન્ય કોર્ટે એપ્રિલ ૨૦૧૭માં જાધવને ફાંસીની સજા આપી હતી. એટર્ની જનરલ ખાલિદ જાવેદ ખાને જણાવ્યું કે, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના આદેશનું પાલન કરીને પાકિસ્તાને ભારતને કોન્સ્યુલર એસેસની મંજૂરી આપી છે.
બાંગ્લાદેશમાં હિન્દુ વિધવાને ન્યાયઃ ખુલના જિલ્લામાં ૧૯૯૬માં અવિમન્નુના મોત પછી તેમની જમીન તેમની પત્ની ગૌરી દાસના નામે નોંધાતા અવિમન્નુના નાના ભાઈ જ્યોતિન્દ્રનાથે જમીન રેકોર્ડને કોર્ટમાં પડકાર્યો હતો. બાંગ્લાદેશની હાઈ કોર્ટે હિન્દુ વિધવાની તરફેણમાં ચુકાદો આપતાં બાંગ્લાદેશમાં સૌપ્રથમ વખત સ્ત્રીને તેના પતિની કૃષિ સહિતની મિલકતોમાં હિસ્સો મળશે.
યુએનમાં પાકિસ્તનની નિષ્ફળતાઃ પાકિસ્તાનને સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એક વખત ભારત વિરુદ્વ ષડયંત્ર રચવાની ચાલમાં નિષ્ફળતા મળી છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન બે ભારતીયોને આંતકી જાહેર કરવામાં નિષ્ફળ રહ્યું છે. પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રની પરિષદની ૧૨૬૭ અલકાયદા પ્રતિબંધ સમિતિને ભારતીય અંગારા અપ્પાજી અને ગોવિંદ પટનાયકના નામ આંતકવાદી જાહેર કરવા માટે મોકલ્યા હતા. જોકે, પરિષદમાં અપ્પાજી અને પટનાયકને આંતકી જાહેર કરવા માટે પાકિસ્તાનના પ્રયાસનો અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને બેલ્જિયમે વિરોધ કર્યો હતો. આ બંનેનાં નામ આંતકીની યાદીમાં નાંખવાની માગ તો પાકિસ્તાને કરી પણ બંને આતંકી હોવાના કોઇ પુરાવા પાકિસ્તાન આપી શક્યું નહોતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter