• જો યુએઇમાં મંદિર બને તો પાક.માં કેમ નહીં?: પાકિસ્તાનમાં હિન્દુ કાઉન્સિલે મંદિરોની ઉપેક્ષા અંગે કટ્ટરપંથીઓ પર નિશાન તાકીને ૨૧મીએ કહ્યું કે, જો યુએઇ જેવો મુસ્લિમ દેશ તેમના દેશમાં મંદિર બનાવવાની મંજૂરી શકે તો પાકિસ્તાનમાં મંદિર કેમ ન બને?
• તાઈવાન પ્રમુખને મારી નાખવાની ધમકીઃ અમેરિકાના વિદેશ મંત્રાલયના ઉચ્ચ અધિકારી કિથ ક્રાચે ૧૭મીએ તાઈવાનની મુલાકાત લીધી. ૧૮મીએ કિથ ક્રાચે તાઈવાનના પ્રમુખ ત્સાઈ ઈંગવેન સાથે શુભેચ્છા ભોજન લીધું હતું. એ વખતે ચીને વિરોધ નોંધાવ્યા પછી ચીનીઅખબાર ગ્લોબલ ટાઈમ્સના અહેવાલમાં તાઈવાનના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
• ચીનમાં ૮૦ લાખ ઉઈઘુર મુસ્લિમો કેદઃ ચીને પોતાના ડિટેન્શન કેન્દ્રમાં શિનજિયાંગ પ્રાંતના ૮૦ લાખ ઉઇઘુર મુસ્લિમોને કેદ રાખ્યાના દસ્તાવેજ મળ્યાં છે. ધ સનના અહેવાલ મુજબ શિનજિયાંગમાં છાવણીઓમાં ચીન રાજકીય અસંતોષને દબાવવા ઉપરાંત ઉઈઘુર મુસ્લિમોનું દમન કરાય છે.
• પત્નીની હત્યા બદલ ભારતીયને જેલઃ માનસિક બીમાર ભારતીય કૃષ્ણન રાજુ (૫૩)ને સિંગાપોરમાં ૧૦ વર્ષ જેલ થઈ છે. પત્ની કોઈક સાથે આડા સંબંધ ધરાવતી હોવાની શંકામાં નવેમ્બર ૨૦૧૬માં રાજુએ પત્નીની હત્યા કરી હતી.
• UNમાં ભારત મહિલા પંચનો સભ્ય દેશઃ સંયુક્ત રાષ્ટ્રમાં ચીનને પછાડી ભારત યુનાઇટેડ નેશન્સ કમિશન ઓન સ્ટેટસ ઓફ વુમનના સભ્ય તરીકે ચૂંટાયાનું સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ જણાવ્યું હતું.
• NSAની બેઠકમાં ડોભાલનો વોકઆઉટઃ શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સભ્ય દેશોની તાજેતરમાં યોજાયેલી સમિટમાં નેશનલ સિક્યોરિટી એડવાઈઝર્સની બેઠકમાં પાકિસ્તાને જાણી જોઈને વિવાદિત સરહદી નકશો રજૂ કરતાં ભારતીય પ્રતિનિધિ અજિત ડોભાલ મિટિંગ છોડી ચાલ્યા ગયા હતા.
• નેપાળના પાઠ્યપુસ્તકોમાં વિવાદાસ્પદ નક્શોઃ ભારત નેપાળ વચ્ચે મે મહિનામાં શરૂ થયેલા સીમાવિવાદ પછી તાજેતરમાં નેપાળે નવું ગતકડું કર્યું છે. નેપાળ સરકારે શાળાના પાઠ્યક્રમમાં ભારત સાથેના સરહદી વિવાદના ઉલ્લેખ સાથે નેપાળનો નવો નકશો દર્શાવ્યો છે. આ સાથે બંને દેશોની મંત્રણા વકતે તેવી સ્થિતિ પેદા થઈ છે.
• પાક.માં જમાત-ઉદ, જૈશની સંપત્તિઓ જપ્તઃ પાકિસ્તાન સરકારે આંતકી ફન્ડિંગ અને મની લોન્ડરિંગમાં સામેલ સંગઠનો વિરુદ્વ કાર્યવાહી હેઠળ પ્રતિબંધિત સંગઠન જમાત-ઉદ-દાવા અને જૈશ-એ-મોહમ્મદની કુલ ૯૬૪થી વધુ સંપત્તિઓ તાજેતરમાં જપ્ત કરી લીધી છે.
• જર્મન કંપનીને રૂ. ૧૬ હજાર કરોડનો દંડઃ યુએસમાં પ્રદૂષણ કાયદાના ભંગ બદલ મર્સિડીઝ બેન્ઝ બનાવતી જર્મન કંપની ડેમલર એજીને ૨.૨ અબજ ડોલરનો દંડ થયો છે.
• ટ્રમ્પને ઝેરી કેમિકલવાળાં કવર મોકલાયાંઃ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પને કેનેડિયન મહિલાએ રિસિન નામનાં જીવલેણ અને ખતરનાક કવર મોકલતાં યુએસ તપાસ સંસ્થાઓ દ્વારા આવા કવરોની તપાસ કરાઈ રહી છે.
• ટીકટોક - ઓરેકલ કરારઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ચીની એપ ટીકટોકના અમેરિકાના સંચાલન માટે ઓરેકલ અને વોલમાર્ટ કંપનીઓ વચ્ચે થનારા સંભવિત કરારની જાહેરાત કરી છે.
• રોચેસ્ટરમાં શૂટઆઉટમાં બેનાં મોતઃ ન્યૂ યોર્ક સ્ટેટના રોચેસ્ટરમાં એક મકાનમાં યોજાયેલી બેકયાર્ડ પાર્ટીમાં ૧૯મીએ મધરાત બાદ થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં એક મહિલા સહિત બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને ૧૪ને ઇજા પહોંચી હતી. પોલીસે આ મામલે તપાસ આદરી છે.
• ગાંધીજીની મૂર્તિ પાડનારને સજા કરીશુંઃ યુએસ પ્રમુખ ટ્રમ્પે ૧૯મીએ કહ્યું કે, વોશિંગ્ટન ડીસીમાં આફ્રિકી અમેરિકી જ્યોર્જ ફ્લોઈડના મોત સામે દેખાવો કરનારાએ મહાત્મા ગાંધીની મૂર્તિને તોડી હતી. આવા તોફાની તત્ત્વોને ૧૦ વર્ષની જેલ થશે.
• ગુજરાતીના ખૂનની માહિતી આપનારને ઇનામ: અમેરિકામાં વર્ષ ૨૦૧૨માં પરેશકુમાર પટેલ નામના ભારતીય નાગરિકના અપહરણ અને હત્યા માટે જવાબદાર ગુનેગારોની માહિતી આપનારને રૂ. ૧૫ હજાર ડોલરનું ઇનામ આપવાની એફબીઆઇએ જાહેરાત કરી છે.