સંક્ષિપ્ત સમાચાર (દેશ વિદેશ)

Tuesday 20th October 2020 16:05 EDT
 

• ન્યૂ ઝીલેન્ડમાં જેસિન્ડા આર્ડન ફરી વડાં પ્રધાનઃ ન્યૂ ઝીલેન્ડમાં સામાન્ય ચૂંટણીઓમાં વડાં પ્રધાન જેસિન્ડા આર્ડને વિજય હાંસલ કર્યો હતો. ૮૭ ટકા મતની ગણતરી કરાઈ હતી. ત્યારે જેસિન્ડાની લેબર પાર્ટીને ૪૯ ટકા ટેકો મળી ગયો હતો. દેશમાં ૨૫ વર્ષ બાદ જંગી બહુમતીની સરકાર રચાશે. વિરોધ પક્ષ નેશનલ પાર્ટીને ૨૭ ટકા મત મળ્યા હતા જે ૨૦૦૨ પછીનો સૌથી ખરાબ દેખાવ છે.
• અમેરિકા SGVPમાં પાટોત્સવઃ અમેરિકાના જ્યોર્જિયામાં આવેલા એસજીવીપી ગુરુકુળ મંદિરમાં તાજેતરમાં ઓનલાઇન પાટોત્સવની ઉજવણી થઈ હતી. આ પ્રસંગે ગંગાજળ, તમામ ઔષધિઓનાં રસ, ફળોના રસ, પંચગવ્ય વગેરેની દેવોને અભિષેક કરાયો હતો. પાટોત્સવ પ્રસંગે ખાસ ફલકુટોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો. જેમાં સનાતન મંદિરમાં સનાતન ધર્મની ૧૮ મૂર્તિઓ સમક્ષ ૧૧૦૦ કિલો અનાનસ, ૫૦૦ કિલો કેળાં, ૧૦૦ કિલો દ્રાક્ષ, ૧૦૦ કિલો તરબૂચ તેમજ કિવી, ચેરી, સ્ટ્રોબેરી વગેરે મળી ૨૮૦૦ કિલો ફળો ધરાવી પાટોત્સવ પ્રસંગ ઉજવ્યો હતો.
• ઈતિહાદની પ્રથમ કમર્શિયલ ફ્લાઇટ ઇઝરાયલ પહોંચીઃ ઈતિહાદ એરવેઝની ફ્લાઈટ બોઈંગ ડ્રીમલાઈનર સોમવારે મોડી સાંજે ઈઝરાયેલ પ્રવાસન પ્રધાન અને એક પ્રતિનિધિ મંડળ સાથે રવાના થઈ હતી અને ઈઝરાયલના સ્થાનિક સમય પ્રમાણે સોમવારે સવારે લગભગ ૭.૦૦ વાગ્યે બેન-ગુરિઆન એરપોર્ટ પર ઉતરી હતી. સંયુક્ત આરબ અમિરાતની આ પ્રથમ કમર્શિયલ ફ્લાઈટે ઈઝરાયેલના એરપોર્ટ પર ઉતરાણ કર્યા સાથે જ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનતા જતા હોવાના સંકેતો મળ્યા હતા.
• મરિયમ નવાઝના પતિ કેપ્ટન સફદરની ધરપકડઃ પાકિસ્તાનમાં વિરોધ પક્ષના નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ તથા તેના પરિવાર વિરુદ્ધ આકરી કાયદેસર કાર્યવાહી થઈ રહી છે. મુસ્લિમ લિગ નવાઝ (પીએમએલ-એન)ની નેતા મરિયમ અને નવાઝ શરીફની પુત્રીના પતિની ધરપકડ કરાઈ છે. રવિવારે મરિયમે સરકાર વિરોધી રેલીમાં ભાષણ આપ્યું હતું. તેના ગણતરીના કલાકમાં જ આ કાર્યવાહી થઈ હતી.
• વડા પ્રધાન ઓલી - પ્રચંડ પર લાંચનો આક્ષેપઃ નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને તેમના સામ્યવાદી પક્ષના અધ્યક્ષ પુષ્પ કમલ દહલ ઉર્ફે ‘પ્રચંડ’એ ચીની કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યાના બદલામાં રૂપિયા ૯ અબજની લાંચ લીધી હોવાના આક્ષેપ નેપાળના પૂર્વ વડા પ્રધાન બાબુરામ ભટ્ટરાયે કરતાં કહ્યું કે, નેપાળી સામ્યવાદી પાર્ટી અને વિરોધપક્ષ નેપાળી કોંગ્રેસના સંખ્યાબંધ નેતાએ બુઢી ગંડકી હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ચીની કંપનીને આપ્યાની અવેજમાં રૂ. ૯ અબજની લાંચ લીધી હતી.
• પાકિસ્તાનમાં સેનાના કાફલા હુમલાઃ પાકિસ્તાનમાં ૧૬મીએ સાંજે સેનાના બે કાફલા પરના આંતકવાદી હુમલામાં ૨૦ સૈનિકો માર્યા ગયા હતા. બલૂચિસ્તાનના ગ્વાદર જિલ્લા અને ખૈબર પખ્તુનવામાં નોર્થ વજિરિસ્તાન જિલ્લામાં એમ બે જગ્સાએ સેનાના કાફલાને નિશાન બનાવાયાં હતાં, જોકે પાકિસ્તાનની સરકારે ગ્વાદરમાં થયેલા હુમલાની વિગતો છુપાવી હોવાનું કહેવાય છે.
• અફઘાનમાં બે હેલિકોપ્ટર ટકરાતાં ૯ સૈનિકોનાં મોતઃ દક્ષિણ હેલમંદ પ્રાંતમાં તાલિબાનોના હુમલાઓમાં ઘાયલ અફઘાની સૈનિકોને અન્યત્ર લઈ જતા બે હેલિકોપ્ટરો ૧૪મીએ ટેકઓફ વખતે જ અથડાતાં તેમાં સવાર નવ સૈનિકો માર્યા ગયા હતા.
• પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધ વખતનો બોમ્બ ફાટ્યોઃ પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધમાં વપરાયેલો સૌથી મોટો બોમ્બ નેવીના ડાઇવર્સ ડિફ્યુઝ કરવાનો પ્રયાસ કરતાં હતા ત્યારે તે પાણીની અંદર ફાટ્યો હતો. બ્રિટનના રોયલ એર ફોર્સ દ્વારા વપરાયેલો ટોલબોય બોમ્બ જ્યાંથી મળ્યો હતો એની નજીકના વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. બોમ્બનું વજન ૫૪૪૩ કિલો હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter