દેશ-વિદેશમાં બનેલી ઘટનાઓનું વિહંગાવલોકન...
• મોદી-શાહ સામેનો કેસ યુએસ કોર્ટે ફગાવ્યોઃ અમેરિકાની એક અદાલત દ્વારા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સામે કરવામાં આવેલા ૧૦ કરોડ ડોલરના એક કેસને ફગાવી દીધો છે. એક અલગાવવાદી કાશ્મીર-ખાલિસ્તાન જૂથ અને અન્ય બે વ્યક્તિઓ દ્વારા સંયુક્ત રીતે આ કેસ થયો હતો. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અરજદારો કેસની સુનાવણી દરમિયાન બે વખત ગેરહાજર રહેતા કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી અને કેસ ફગાવી દીધો હતો. હ્યુસ્ટનમાં ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ યોજવામાં આવેલા હાઉડી મોદી કાર્યક્રમ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં કલમ ૩૭૭ રદ કરવાના સંસદ અને ભારત સરકારના નિર્ણય સામે વળતરની માગ કરાઇ હતી.
• એર ઇંડિયાના સોદા માટે ચક્રો ગતિમાનઃ એર ઇન્ડિયાના ૨૦૯ કર્મચારીઓએ ખાનગી ફાઈનાન્સરની ભાગીદારીમાં એર ઇન્ડિયાની ૫૧ ટકા ભાગીદારી ખરીદવા દરખાસ્ત (એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ) રજૂ કરી છે. તેનું નેતૃત્વ એર ઇન્ડિયામાં હાલ કોમર્શિયલ ડિરેકટર તરીકે કાર્યભાર સંભાળી રહેલા મીનાક્ષી મલિક કરી રહ્યા છે. મલિકે જોકે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં રજૂ થયેલી દરખાસ્ત અને તે દરખાસ્ત કોની ભાગીદારી સાથે રજૂ કરી છે તેની જ વિગતો આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નાણાકીય ભાગીદાર સંસ્થાઓનું સમર્થન હોવાથી ૫૧ ટકા ભાગીદારી ખરીદવા પ્રત્યેક કર્મચારીએ એક લાખ રૂપિયાનો ફાળો આપવો પડશે. બીજી તરફ એર ઇન્ડિયા માટે ટાટા ગ્રૂપ ઉમેદવારી નોંધેવી તેવી પણ શક્યતા જાહેર થઈ હતી.
• ૧૦૪ વિદ્યાર્થી સંક્રમિત થતા IIT મદ્રાસ બંધઃ આઈઆઈટી-મદ્રાસમાં ૧૦૦થી વધુ લોકો કોરોના સંક્રમિત મળી આવતા સંસ્થા બંધ કરી દેવાઈ છે. તમિલનાડુના આરોગ્ય સચિવ જે. રાધાકૃષ્ણને કહ્યું કે ૧૦૪ વિદ્યાર્થી સંક્રમિત થયા છે. તેની સંખ્યા હજી વધવાની શક્યતા છે. અત્યાર સુધીમાં ૪૪૪ સેમ્પલની ચકાસણી કરાઈ છે. તમામની કિંગ્સ ઈન્સ્ટિટ્યૂટમાં સારવાર ચાલી રહી છે. તમામની હાલત સ્થિર છે. સંક્રમણ ફેલાવાનું કારણ સંસ્થાની મેસ હોવાનું મનાય છે. મેસના કેટલાક કર્મચારીને સંક્રમણ થયું હોવાનું બહાર આવ્યું હતું. હાલ તમામ વિભાગ અને લેબોરેટરી બંધ કરાયા છે.