• ‘કુવૈતના સ્ટાફે અમને ઇન્ડિયન ડોગ કહ્યાા’ ગાયક અદનાન સામીએ તાજેતરમાં ટ્વિટ કરી હતી કે, કુવૈતના એરપોર્ટ સ્ટાફે તેમને અને તેમની સાથેના લોકોને 'ઇન્ડિયન ડોગ્સ' કહ્યા હતા. સામીએ તેની ટ્વિટમાં વિદેશ પ્રધાન સુષમા સ્વરાજને ટેગ કર્યાં હતાં. સુષમા સ્વરાજે અદનાનનાં ટ્વિટના જવાબમાં લખ્યું કે, તે તેમને તરત કોલ કરે. એ પછી સામીએ ટ્વિટર પર લખ્યું કે, આપની ચિંતા માટે આભાર સુષમા સ્વરાજ.
• ઉત્તર કોરિયાએ ઘડિયાળ અડધો કલાક આગળ કરીઃ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને શાંતિ પ્રયાસોની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. કિમ જોંગે ઉને પાંચમી મેએ રાતે પોતાની દેશની ઘડિયાળોને અડધો કલાક આગળ કરીને દક્ષિણ કોરિયાના સમય સાથે મિલાવી દીધી હતી. હવેથી ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાનો ટાઈમઝોન એક જ જેવો બની ગયો છે.
• હાફિઝ સઈદનો પાકિસ્તાનમાં ચૂંટણી પ્રચાર! મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદે પાકિસ્તાનમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. હાફિઝે મિલ્લી મુસ્લિમ લિગ નામના પક્ષની રચના કરીને પાકિસ્તાનના રાજકારણમાં ઝંપલાવ્યું હતું. હાફિઝ સઇદે જમાત ઉદ દાવા નામના સંગઠનની પણ રચના કરી છે.
• પાકિસ્તાની ગૃહ પ્રધાન પર ગોળીબારઃ પાકિસ્તાનના ગૃહ પ્રધાન અહેસાન ઈકબાલ રવિવારે તેમના વતન કંજરુર તેહસૂલમાં ચૂંટણીસભા સંબોધવા આવ્યા હતા. તેમણે સભાને સંબોધન કર્યા બાદ એક અજાણ્યા માણસે હત્યાના પ્રયાસમાં તેમના પર ગોળીબાર કર્યો હતો. ઈકબાલને જમણા ખભે ગોળી વાગતાં હતી. પાકિસ્તાનના વડા પ્રધાન અબ્બાસીએ ઈકબાલની હત્યાના પ્રયાસને વખેડ્યો હતો. તે બીજી ગોળી ચલાવે તે પહેલાં જ તેની ધરપકડ કરાઈ હતી. હુમલાનું કારણ જાણી શકાયું નથી.
• ઓસ્ટ્રેલિયન બેન્કનો ડેટા ગુમઃ ઓસ્ટ્રેલિયાની કોમનવલ્થ બેન્કે બે કરોડ લોકોનો બેન્ક રેકર્ડ લાપતા થયો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. તે ડેટામાં ખાતાધારકોના નામ, ખાતા નંબર, સરનામું કે અન્ય વિવરણનો સમાવેશ થાય છે. બેન્કનું કહેવું છે કે બે મેગ્નેટિક ટેપમાં તે રેકર્ડનો સંગ્રહ થયેલો હતો પરંતુ એક પેટા કોન્ટ્રાક્ટરે તે રેકર્ડનો વર્ષ ૨૦૧૬માં નાશ કર્યો હતો. આ બે ટેપ ખરેખર નષ્ટ થઈ હોવાના અને ખાતા સંબંધી પુરાવા ના મળતા હોવાથી બેન્કે પોતાના ગ્રાહકોને તે નહોતું કહ્યું કે તેમના ડેટાનો દુરુપયોગ થવાની સંભાવના છે.
• પાકિસ્તાન દ્વારા રાજસ્થાન સરહદે સૈન્ય મથકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ચીન મુલાકાત અને જિનપિંગ સાથેની મૈત્રીપૂર્ણ બેઠકથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે અને પાકિસ્તાનના મીડિયાએ આ સમાચાર સારા નથી તેવું પહેલી મેએ જણાવ્યું હતું. દરમિયાન, પાકિસ્તાન રાજસ્થાન સરહદે ૪૦ હજાર સૈનિકોની ક્ષમતાવાળું સંરક્ષણ થાણું બનાવી રહ્યું હોવાના અહેવાલ છે. નરેન્દ્ર મોદી અને શી જિનપિંગની મુલાકાત અંગે પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે જણાવ્યું હતું કે પાકિસ્તાન સરકારની રાજકીય પકડ ઢીલી પડી છે. ઈતિહાસમાંથી કંઇ શીખ્યા નહીં એટલે ભારત અને ચીન મિત્રો બની રહ્યા છે.
• યુએસની ત્રણ કંપનીનો ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટ પર કેસઃ અમેરિકાની ત્રણ કંપનીઓએ અમેરિકી સિટિઝન એન્ડ ઈમિગ્રેશન સર્વિસ સામે કેસ દાખલ કર્યો છે. ન્યૂ જર્સીની કોર્ટમાં થયેલી અરજીમાં છે કે આ સરકારી વિભાગે એચ-૧બી વિઝાના નિયમોમાં જે ફેરફાર કર્યો છે તે કાયદાકીય રીતે અયોગ્ય છે. ન્યૂ જર્સીની ત્રણ કંપનીઓ-નામ ઈન્ફો, ડેરેક્ષ ટેકનોલોજી અને સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ કોન્સોર્ટિયમે ન્યૂ જર્સીની કોર્ટમાં સરકારના ઈમિગ્રેશન વિભાગ વિરૃદ્ધ અરજી દાખલ કરી છે.
• સાહિત્યનું નોબેલ આ વર્ષે નહીંઃ આ વર્ષે સાહિત્યનું નોબેલ પારિતોષિત કોઈને નહીં અપાય. કારણ કે એક જ્યુરી મેમ્બરનો પતિ યૌનશોષણનો મામલે આરોપી છે. ફ્રેન્ચ ફોટોગ્રાફર જીન ક્લાઉડ અર્નોલ્ટ પર મી ટુ કેમ્પેઈન સમયે ૧૮ મહિલાઓ સાથે જાતીય શોષણનો આરોપ છે. જીનની પત્ની કવયિત્રી ફ્રોસ્ટેનસન એ સમયે સ્વિડિશ એકેડમીની જ્યુરી મેમ્બર હતી. ફ્રોસ્ટેનસનના સંપર્કનો લાભ ઉઠાવીને જીને ઘણી મહિલાઓનું શોષણ કર્યું હતું.