• કોલ સેન્ટર કૌભાંડમાં ભારતીયની ધરપકડઃ શ્રેણીબદ્ધ આંતરરાષ્ટ્રીય ટેલિફોન કૌભાંડમાં સંડોવાયેલા મનાતા અને કેનેડામાં રહેતા ૨૫ વર્ષીય ભારતીય યુવકની ૨૫મીએ ધરપકડ કરાઈ હતી. આ કૌભાંડમાં ઓન્ટોરિયોના બ્રામ્પટનમાં રહેતા અભિનવ બેકટર સામે પાંચ હજાર ડોલરની છેતરપિંડી, ગુનાઇત પ્રવૃત્તિમાંથી કરેલી કમાણી અને મની લોન્ડરિંગના આરોપ મુકાયા હતા, એમ રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસે કહ્યું હતું.
• સામાજિક કાર્યકર કરિમા બલોચનું શંકાસ્પદ મોતઃ બલુચિસ્તાનમાં પાકિસ્તાનના અત્યાચારો સામે લડતાં સામાજિક કાર્યકર કરિમા બલોચ કેનેડાના હાર્બરફ્રન્ટમાં શંકાસ્પદ સ્થિતિમાં ૨૨મી ડિસેમ્બરે મૃત મળી આવ્યાં હતાં.
• જો બાઈડેનની ટીમમાં ગુજરાતી વેદાંત પટેલઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડેને વ્હાઇટ હાઉસ કોમ્યુનિકેશન અને પ્રેસ સ્ટાફના ૧૬ સભ્યોની નિમણૂકની જાહેરાત તાજેતરમાં કરી હતી. જેમાં ભારતીય અમેરિકન વેદાંત પટેલની સહાયક પ્રેસ સચિવ તરીકે વરણી થઈ હોવાનું બાઈડેને જાહેર કર્યું હતું. વેદાંત પટેલે ભારતીય સંચાર નિયામક તરીકે પણ કાર્ય કર્યું છે.
• ગુજરાતી કાશ પટેલનો CNN સામે પાંચ કરોડ ડોલરનો દાવોઃ પેન્ટાગોનમાં માતબર હોદ્દા પરના ગુજરાતી અધિકારી કાશ પટેલે તેમની વિરુદ્ધ ખોટાં અને બદનક્ષીભર્યા અહેવાલ પ્રસિદ્ધ કરવા બદલ ટીવી ચેનલ CNN અને તેના કેટલાક ટોચના પત્રકારો સામે પાંચ કરોડ અમેરિકન ડોલરનો બદનક્ષીનો તાજેતરમાં કેસ કર્યો છે. કાશ પટેલે દાવો કર્યો છે કે, ટ્રમ્પ તરફી ષડયંત્રના ઘડવૈયા કાશ પટેલ હોવા જેવા તદ્દન પાયા વિહોણા લેખો ચેનલે પ્રસિદ્ધ કર્યા હતા.
• ભારતીય વેપારીની કંપનીનું માત્ર રૂ. ૭૩માં વેચીઃ UAE નિવાસી ભારતીય અબજોપતિ બી આર શેટ્ટીની ફિનાબ્લર પીએલસી પોતાનો બિઝનેસ ઇઝરાઇલ-UAE કંજોર્ટિયમને માત્ર ૧ ડોલર (આશરે ૭૩.૫૨ રૂપિયા)માં વેચી રહી હોવાના અહેવાલ છે. ગત વર્ષથી બી આર શેટ્ટીની પડતી શરૂ થવા સાથે તેમની કંપનીઓ પર અબજો ડોલરનું દેવું છે અને તેમના વિરુદ્ધ છેતરપિંડીની તપાસ પણ ચાલે છે.
• નીરવ મોદીના ભાઈ પર હીરાની છેતરપિંડીનો આક્ષેપઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડ કેસમાં ભાગેડુ જાહેર થયેલા હીરાના વેપારી નીરવ મોદીનો ઓરમાન ભાઈ નેહલ મોદી અમેરિકામાં હીરા વેચાણમાં છેતરપિંડી કરી હોવાના કેસમાં ફસાયો છે. નેહલ મોદી પર ન્યૂ યોર્કના હીરાના જથ્થાબંધ વેપારી સાથે રૂ. ૧૦ કરોડની છેતરપિંડી કર્યાના આક્ષેપ છે.
• ટ્રમ્પે તિબેટ બિલ પર હસ્તાક્ષર કર્યાઃ અમેરિકી પ્રમુખ ટ્રમ્પે તિબેટમાં એક અમેરિકન કોન્સ્યુલેટની સ્થાપના અને આગામી દલાઈ લામાની પસંદગીમાં ચીનની દખલ ન રહે તે અંગેના બિલ પર તાજેરમાં હસ્તાક્ષર કર્યાં છે. ફક્ત તિબેટિયન બૌદ્ધ સમુદાય મારફત જ આગામી લામાની પસંદગી થાય તેની ખાતરી માટે આંતરરાષ્ટ્રીય ગઠબંધન ઊભું કરવા મુદ્દે અમેરિકાનો તિબેટને સાથ હોવાનું આ કરારથી સાબિત થાય છે.
• અફઘાનમાં આતંક ફેલાવવા સક્રિય ચીનના ૧૦ જાસૂસો પકડાયાઃ ચીને અફઘાનિસ્તાનમાં આતંક ફેલાવવા માટે જાસૂસો મોકલ્યા હતા. અફઘાનિસ્તાનની સુરક્ષા એજન્સીએ ચીની જાસૂસોનો ભાંડો ફોડયો હતો. ૧૦ ચીની જાસૂસોને પકડયા અને અફઘાનિસ્તાને માગણી કરી કે ચીન આ મુદ્દે જાહેરમાં માફી માગે. જો ચીની સરકાર આ બાબતનો સ્વીકાર કરીને જાહેરમાં માફી નહીં માગે તો આ મુદ્દે વૈશ્વિક સ્તરે આકરી કાર્યવાહી કરશે એવું પણ અફઘાનિસ્તાન સરકારના નિવેદનમાં એવું કહેવાયું હતું. તેવા અહેવાલ ૨૫મી ડિસેમ્બરે હતા.
• ભારતીયો સહિત ૩૦૦ને યુએઈમાં નિઃશુલ્ક રહેઠાણઃ સાઉદી અરેબિયા અને કુવૈતે કોરોના વાઈરસના નવેસરના ઉપદ્રવને રોકવા માટે એમની સરહદોને સીલ કર્યા પછી યુએઈ (યુનાઈટેડ આરબ એમિરેટ્સ)માં અટવાયેલા મોટા ભાગના ભારતીયો સહિતના લગભગ ૩૦૦ દેશનિકાલ-વ્યક્તિઓને યુએઈમાં નિઃશુલ્ક આસરો અપાયો છે.