સાઉદીની પાકિસ્તાનને લોન ભરપાઈ કરવા નોટિસઃ આર્થિક કંગાળ અને દેવાળિયા દેશ પાકિસ્તાન પાસે પહેલા સાઉદી અરેબિયાએ પોતાની લોનનું ઝડપથી ચૂકવણું કરવા કહ્યા પછી હવે સંયુક્ત આરબ અમિરાતે પણ પાકિસ્તાનને આપેલી ૩ અબજ ડોલરની લોન વહેલી તકે ભરપાઈ કરવા અંગે નોટિસ મોકલી છે.
પુતિનના વિરોધી નેતા નવલનીને મુક્ત કરવા માગઃ રશિયાના વિપક્ષના નેતા એલેક્સી નવલનીની સ્વદેશ પરત ફરતા ધરપકડ કરવાની કાર્યવાહીની પશ્વિમી દેશોએ ટીકા કરતાં તેમને મુક્ત કરવાની માગ કરાઈ હતી. જર્મનીના વિદેશ પ્રધાને સોમવારે કહ્યું કે, નવલનીને ઓગસ્ટમાં નર્વ એન્જટ (ઝેર) અપાયું જેથી તે જર્મનીમાં સારવાર કરાવવા ગયા હતા. નવલની આશરે ૫ મહિના પછી જ્યારે મોસ્કોના શેરમેત્યેવો એરપોર્ટ પાછા ફર્યા તો તેમને કસ્ટડીમાં લઇ લેવાયા અને તેમનો પાસપોર્ટ જપ્ત કરાયો.
સેમસંગના વડા લીને અઢી વર્ષની જેલઃ વર્ષ ૨૦૧૬માં તે વખતના પ્રમુખ પાર્ક ગુઅન-હેને લાંચના એક કેસમાં સેમસંગના કરોડપતિ વડા લી જાઈ-યોંગને સાઉથ કોરિયાની કોર્ટે ૧૮મીએ અઢી વર્ષની જેલની સજા ફટકારી હતી. રિટ્રાયલમાં સિઓલની હાઈ કોર્ટે ગુઅન-હે અને તેમના ગાઢ સાથીને એક સરકારી પ્રોજેક્ટ અપાવવા માટે લાંચ આપી હોવાની વાત પુરવાર થતાં તેમને જેલ મોકલી અપાયા હતા. આ કેસ પ્રકાશમાં આવતાં લોકોએ દેખાવ કર્યાં હતાં.
કાબુલમાં બે મહિલા જજની હત્યાઃ અફઘાનિસ્તાનમાં ઉત્તરીય કાબુલમાં સુપ્રીમ કોર્ટનાં બે મહિલા જજની તાજેતરમાં જાહેરમાં હત્યા કરાઈ હતી. આ હત્યા એવા સમયે સામે આવી છે જ્યારે અમેરિકા જાહેરાત કરી ચુક્યું છે કે તે પોતાના સૈનિકોની સંખ્યા અફઘાનિસ્તાનમાં ઘટાડીને ૨૫૦૦ કરી દેશે. સુપ્રીમ કોર્ટની પ્રવક્તા અહમદ ફહીમ કાવીમે કહ્યું હતું કે, બંને મહિલાઓ કોર્ટના વાહનમાં બેસીને કાર્યાલય તરફ જતી હતી ત્યારે અચાનક બંદુકધારીઓએ આંધળો ગોળીબાર કરીને બંનેની હત્યા કરી હતી. આ હુમલામાં ગાડીનો ડ્રાઇવર પણ ઘાયલ થયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવાયો હતો. અફઘાન કોર્ટમાં આશરે ૨૦૦ મહિલા જજ છે. આ ઘટનાથી ભયનો માહોલ છે.
લશ્કરે તોઈબા આતંકવાદીની શ્રેણીમાં યથાવતઃ ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ના ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા હવાતિયાં મારતાં પાકિસ્તાનમાં આશ્રય મેળવી રહેલા લશ્કરે તોયબાને વોશિંગ્ટને વિદેશી આતંકી સંગઠનોની યાદીમાં જાળવી રાખ્યું છે. અમેરિકાએ તોઈબા ઉપરાંત પાકિસ્તાન સ્થિત લશ્કરે ઝાંગવી સહિત સાત અન્ય સંગઠનોને પણ વિદેશી આતંકી સંગઠન જાહેર કર્યાં છે. એફએટીએફની આગામી મહિને યોજાનારી એક મહત્ત્વપૂર્ણ બેઠક પહેલાં જ આ નિર્ણય આવ્યો છે.
ઇન્ડોનેશિયામાં ૬.૨નો ભૂકંપઃ ૪૨નાં મોતઃ ઇન્ડોનેશિયના સુલાવેસી ટાપુ પર ૧૫મી જાન્યુઆરીની મધરાત બાદ સ્થાનિક સમય પ્રમાણે ૧.૩૦ કલાકે ત્રાટકેલા ૬.૨ની તીવ્રતાના ભૂકંપના કારણે ઓછામાં ઓછા ૪૨ લોકોનાં મોત થયાં હતાં અને ૬૦૦થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. માજેને શહેરથી ૬ કિમી દૂર જમીનની સપાટીથી ૧૦ કિમી ઊંડાઈએ ભૂકંપનું એપી સેન્ટર નોંધાયું હતું. ભૂકંપ અને આફ્ટર શોકને કારણે માજેને, મકાસ્સર જેવા શહેરોમાં વીજળી ગુલ થઈ હતી. સંખ્યાબંધ સ્થળે ભૂસ્ખલન થયાં હતાં. માજેને શહેરમાં સંખ્યાબંધ મકાનો અને હોસ્પિટલ ધરાશાયી થયાં હતાં. ભૂકંપની ધ્રુજારી અનુભવાતાં હજારો લોકો જીવ બચાવવા ઊંચાઈ ધરાવતા સ્થળો તરફ જીવ બચાવવા નાસી છૂટયાં હતાં.