• મ્યાંમારમાં લશ્કરી બળવોઃ મ્યાંમારમાં ૧૦ વર્ષ પછી ફરી લશ્કરી શાસનની વાપસી થઇ છે. મ્યાંમારના સૈન્યે પહેલીએ વહેલી સવારે દેશના સ્ટેટ કાઉન્સેલર આંગ સાન સૂ (૭૫), દેશના પ્રમુખ યૂ વિન મિંટ સહિત સંખ્યાબંધ વરિષ્ઠ નેતા અને અધિકારીની ધરપકડ કરીને દેશમાં એક વર્ષ માટે કટોકટી લાદી દીધી હતી.
• નોબેલ શાંતિ પુરસ્કાર માટે ટ્રમ્પનું નામઃ નોર્વેના સાંસદોની સમિતિના પ્રસ્તાવથી રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવલ્નીને અને પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગને આ વર્ષના નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરાયા છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ આ રેસમાં સામેલ છે.
• ટ્રમ્પે કરેલાં સોદા બાઈડેને અટકાવ્યાઃ પૂર્વ યુએસ પ્રમુખ ટ્રમ્પે કરેલા યુએઈ સાથેના ૨૩ અબજ ડોલરના લડાકુ વિમાનોના શસ્ત્રોના સોદા સહિતને નવા પ્રમુખ જો બાઈડેને તાત્કાલિક અસરથી અટકાવ્યા હોવાના અહેવાલ છે.
• સુદાનમાં માત્ર ૨૪ દિવસોમાં ૨૫૦ મોતઃ જાન્યુઆરી મહિનાની શરૂઆતથી સુદાનના દારફુરમાં આદિવાસીઓ વચ્ચેની હિંસામાં આશરે કુલ ૨૫૦ લોકોનાં મોત અને લગભગ એક લાખ લોકો બેઘર બન્યાંનું યુએન રેફ્યુજી એજન્સીએ તાજેતરના અહેવાલમાં જણાવ્યું હતું.
• કેમેરુનમાં બસ - ટ્રક અકસ્માતઃ આફ્રિકાના કેમરુન દેશના પાટનગર બાસુફોમ નજીક એક ગામ પાસે ૨૮મી જાન્યુઆરીએ સવારે ગેરકાયદે ઈંધણ ભરીને ભાગતા ટ્રકે એક બસને જોરદાર ટક્કર મારતાં આશરે ૫૩ લોકો માર્યા ગયા હતા.
• રશિયન વિપક્ષી નેતા નેવલ્નીની માટે દેખાવઃ જેલમાં બંધ રશિયાના વિપક્ષી નેતા એલેક્સી નેવલ્નીની મુક્તિની માગ કરતા રશિયામાં હજારો લોકો રસ્તે પર નીકળી પડયા હતા. ૩૧મીના અહેવાલ પ્રમાણે સરકારે ૪૦૦૦થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી.
• ‘લાદેન શરીફને ભંડોળ પૂરું પાડતો હતો’: આતંકી ઓસામા બિન લાદેને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને નાણાકીય ભંડોળ સહિતની મદદ કર્યાનો ઘટસ્ફોટ પાકિસ્તાનના પૂર્વ રાજદૂત આબિદા હુસૈને પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલમાં કર્યો છે.
• નેપાળમાં બે પૂર્વ વડા પ્રધાનના ધરણાંઃ નેપાળમાં સંસદના નીચલા ગૃહને ભંગ કરવાના વિરોધમાં રવિવારે પૂર્વ વડા પ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને માધવ કુમારે ધરણાં કર્યા હતા.